રાજકોટ-69નાં ઉમેદવાર પસંદ કરવામાં ભાજપે થાપ ખાધી હોય તેવું ઘણાંને લાગે છે
ડેપ્યુટી મેયર હોવા છતાં શું કોર્પોરેશન ડૉ.દર્શિતાની કંપનીને કોન્ટ્રાક્ટ આપી શકે? શું આ હિતોને ટકરાવ ન ગણાય?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા 69ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ડો. દર્શિતા શાહનું નામ જાહેર થયા બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, દર્શિતા શાહને ટિકિટ આપવી ભાજપને ભારે પડશે. દર્શિતા શાહે બબ્બેવાર કોર્પોરેટર કે ડે.મેયર પદ પર રહીને પણ ક્યારેય લોકોના કામ કર્યા નથી તો ધારાસભ્ય બનીને શું લોકસેવા કરશે? એવા સવાલો ઉઠી રહ્યા છે. દર્શિતા શાહ તેમના પક્ષમાં પણ સ્વીકાર્ય નથી, માત્ર પોતાના સંઘ-ભાજપ તરફી પારિવારિક બેકગ્રાઉન્ડ કારણે જ તેમને આજ સુધી સત્તા મળતી આવી છે જેનો દુરુપયોગ કરવામાં પણ તેઓ જરા પણ પાછા ઉતર્યા નથી. અનુસંધાન પાના નં. 3 પર
રાજકોટ લોહાણા સમાજમાં ભાજપને મત નહીં આપવાના મેસેજ વાયરલ
રાજકોટ વિધાનસભા-69 માટે ભાજપના સંનિષ્ઠ સિપાહી એવા લોહાણા સમાજ અગ્રણી કમલેશ મીરાણીનું નામ છેક સુધી આગળ હતું પરંતુ બાદમાં ભાજપ હાઇકમાન્ડે લોહાણા સમાજની લાગણીનો વિચાર કર્યા વગર પડતું મૂકી દીધું છે. રાજકોટ વિધાનસભાની ટિકિટમાંથી ભાજપે લોહાણા સમાજનો કાંકરો કાઢી નાંખતા હવે રહી રહીને સોશિયલ મીડિયામાં સમાજના અમુક લોકો બળાપો કાઢતા થયા છે. ફેસબૂક પર પોસ્ટ મુકાઈ રહી છે અને શેઅર થઈ રહી છે. અમુક નારાજ થયેલા જ્ઞાતિજન તો લોહાણા સમાજને ટિકિટમાં અન્યાય થતા ભાજપને મત ન આપવો એવી વાત કરવા લાગ્યા છે. રઘુવંશી યુવા શક્તિ સંઘના નામે પણ સોશિયલ મીડિયામાં રોષ વ્યકત થઈ રહ્યો છે.
કડવા પાટીદાર સમાજ બાદ રઘુવંશી સમાજનાં અનેક લોકો દર્શિતા શાહને હરાવવા કટિબદ્ધ
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાકાળમાં પણ દર્શિતાએ લોકોને લૂંટવામાં કશું બાકી રાખ્યું નહોતું. જે લોકોએ દર્શિતા શાહને મત આપી કોર્પોરેટર બનાવ્યા તે લોકોના જ ખિસ્સા ખંખેરવામાં તેઓ આગળ પડતા હતા. દર્શિતા શાહે કોરોનાકાળમાં પોતાની પ્રેકટીસ ફી ડબલથી પણ વધુ કરી નાખી હતી. આટલું ઓછું હોય તેમ, હિતોનો ટકરાવ થતો હોવા છતાં કોરોનાકાળમાં દર્શિતા શાહની ન્યૂબર્ગ સુપ્રાટેકને ડ્રાઈવ થ્રુ ટેસ્ટનો કોન્ટ્રાક્ટ શા માટે મળ્યો? એ પણ ચર્ચાનો વિષય છે. ડેપ્યુટી મેયર હોવા છતાં તેમની જ લેબોરેટરીને કોરોના ટેસ્ટનો કોન્ટ્રાક્ટ મળવો- એ શું હિતોનો ટકરાવ ન ગણાય? આમ છતાં કોરોનાકાળમાં દર્શિતા શાહે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવામાં પણ કશું બાકી રાખ્યું નહતું. રાજકોટ કોર્પોરેશને કોરોનાકાળમાં કોન્ટ્રાક્ટ સુપ્રાટેકની અમદાવાદની બ્રાન્ચ સાથે કર્યો હતો કે રાજકોટની બ્રાન્ચ સાથે- એ તપાસનો વિષય છે. દર્શિતા શાહ કોર્પોરેટર તેમજ ડે. મેયર જેવા પદ પરથી માત્ર પોતાનું જ હિત જોતા હોય, પોતાના વોર્ડ કે મતવિસ્તારના લોકોના સવાલો-સમસ્યાઓમાં થોડો પણ રસ ધરાવતા નહોય હવે જ્યારે આગામી સમયમાં તેઓ રાજકોટ વિધાનસભાની પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બનશે તો શુંનું શું નહીં કરે કે પછી દર્શિતા શાહને ક્યાં કારણોસર મત આપી ધારાસભામાં મોકલવા એવા સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા છે.
પટેલ સમાજ બાદ લોહાણા સમાજ પણ ભાજપથી વિમુખ થઈ વિપક્ષને વોટ આપશે
વિધાનસભા ચૂંટણીઓમાં લોહાણા સમાજની ભારે અવગણના થઈ રહી હોવાની લાગણી રઘુવંશીઓમાં ફેલાઈ ગઈ છે. ખાસ કરીને રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં અડધા લાખ જેટલા રઘુવંશીઓ હોવા છતાં તેમને ભાજપ દ્વારા ટિકિટ અપાઈ નથી એટલે આ વખતે કડવા પટેલ સમાજ ઉપરાંત લોહાણા સમાજ પણ ભાજપથી વિમુખ થઈ વિપક્ષના ઉમેદવારોને મત આપશે.
ડૉ.દર્શિતા શાહનો ચોમેર વિરોધ
રાજકોટ વિધાનસભા 69 બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ડો. દર્શિતા શાહનું નામ જાહેર થયા બાદ પક્ષના કાર્યકરો-આગેવાનો મોવડીમંડળથી નારાજ છે. દર્શિતા શાહને રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ફાળવી દેવામાં આવતા ભાજપના કાર્યકરો-આગેવાનો તો અંદરખાને તેમનો વિરોધ દર્શાવી રહ્યા હતા હવે દર્શિતા શાહ સામે કડવા પાટીદાર અને લોહાણા સમાજ પણ વિરોધ દર્શાવી રહ્યો છે. ચોમેરથી દર્શિતા શાહનો વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં કડવા પાટીદાર અને લોહાણા સમાજના મતદારો વધુ હોય આ બંને સમાજની અવગણના કરવી ભાજપને ભારે પડી શકે તેમ છે.