મોરબી નગરપાલિકાનાં શાસકોને શા માટે મોતના સોદાગર ન ગણવા?
ઓરેવાનાં કામમાં સરકારી કે પાલિકાનો હસ્તક્ષેપ નહીં ચાલે એવી સમજૂતિ સામે જનતામાં ચર્ચાતો સવાલ
- Advertisement -
મોરબીની ઝૂલતા પૂલ દુર્ઘટના પાછળ જવાબદાર ઓરેવા કંપની સાથે મોરબી નગરપાલિકાએ અઢી- ત્રણ વર્ષ સુધી કરેલી ધડ બાદ પાલિકાના શાસકો દ્વારા ઓરેવા સમક્ષ કાંડાં કાપી આપવા જેવો સમજૂતિ કરાર જનરલ બોર્ડની મંજૂરી વિના જ કરી અપાયો હતો. મોરબી નગરપાલીકાના ભાજપના સ્થાનિક શાસકોએ જે રીતનાં થાબડભાણાં અને નિયમભંગ કર્યા છે એ જોતાં મોરબીના નગરજનો પાલિકાના ભાજપના શાસકોને પણ પાપના ભાગીદાર માની રહ્યા છે. જનરલ બોર્ડની ફરજિયાત મંજૂરીનો નિયમ નેવે મૂકીને એગ્રિમેન્ટના બીજા દિવસે નગરપાલિકાના પદાધિકારીઓએ રોજકામ કરીને જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ પૂલ સોંપી દીધો અને એ પછી અત્યાર સુધી કોઈ જનરલ બોર્ડ મળ્યું જ નથી !! રિજિયોનલ મ્યુનિસિપાલિટી કમિશનરે એમ છતાં આજ સુધી કોઈ પગલાં કેમ નથી લીધાં એ પ્રશ્ન હવે કેન્દ્રસ્થાને છે.
આટલાં મોટા સમજૂતિ કરાર જનરલ બોર્ડની મંજૂરી વિના જ કરી અપાયા એ બદલ રિજિયોનલ મ્યુનિસિપાલિટી કમિશનર જો ધારે તો નિયમાનુસાર હજુ પણ ચિફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારીઓ વિરુદ્ધ પગલાં લઈ શકે જ છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ખરેખર એમ બને છે કે પછી ભાજપના સ્થાનિક નેતાઓને તંત્ર દ્વારા છાવરવામાં આવે છે ? બેદરકારીવશ હવે જીવલેણ દુર્ઘટના ઘટી છે ત્યારે પૂલના રખરખાવ સહિતની મહત્વપૂર્ણ બાબતો વગદાર ખાનગી કંપનીના હસ્તક કરી આપનાર પદાધિકારીઓને પણ મોતના સોદાગર કેમ ન ગણવા ?
બંધ બારણે તપાસ, પોલીસની વરવી ભૂમિકા!
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં નવ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને સાથે જ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પણ આ કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ આરોપીઓને છાવરતી હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે અને આ કેસમાં પોલીસની વરવી ભૂમિકા સામે આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પૂછપરછ તો કરાઈ હતી પરંતુ તેમની ભૂમિકા અંગે પણ સસ્પેન્સ જોવા મળ્યું છે અને સમગ્ર તપાસ બંધ બારણે કરીને પોલીસે લોકશાહીનું ગળું દબાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
- Advertisement -
પાલિકાના અધિકારીઓ અને પ્રમુખ સામે ફરિયાદ થવી જોઈએ!
આ દુર્ઘટનામાં સરકાર એટલે કે મોરબી નગરપાલિકાને સીધી જવાબદાર માની શકાય છે અને તેમના નામ પોલીસ ફરિયાદમાં ઉમેરવા જોઈએ. આ ઘટનામાં સરકારની ક્રિમિનલ લાયેબિલિટી (ગુનાહિત જવાબદારી) છે. પુલ અને નગરપાલિકાના તાબામાં આવતાં વિવિધ માળખાની મજબૂતીની તપાસ કરવા માટે સરકાર ગુજરાત મ્યુનિસિપાલિટી ઍક્ટ હેઠળ દરેક નગરપાલિકા માટે મંજૂર કરવામાં આવેલા મહેકમમાં ઇજનેરની પોસ્ટ પણ હોય છે જેનું કામ આ પ્રકારના માળખાની મજબૂતીની યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફીસર અને ઇજનેરનું નામ પોલીસ ફરિયાદમાં ગુનાહિત બેદરકારી માટે ઉમેરવું જોઈએ. હાલમાં આ કેસની પોલીસ ફરિયાદમાં ક્રિમિનલ નેગ્લિજન્સની કલમ પણ નથી ઉમેરવામાં આવી.