એક સપ્તાહમાં 16 દર્દી નોંધાયા, શરદી-ઉધરસના કેસ પણ 250ને પાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શિયાળાના પ્રારંભે પણ શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાનો કહેર યથાવત રહ્યો છે. એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 16 કેસ નોંધાયા છે. મિશ્ર ઋતુ, દિવસે વધુ નુકસાન કરતા અને શુધ્ધ વાતાવરણમાં જન્મ લેતા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાના દર્દીઓમાં વધારો થાય છે. આ વર્ષે ડેન્ગ્યુની તિવ્રતા ઓછી છે. પરંતુ તહેવારના દિવસોમાં કેસ વધી ગયા હતા. મનપાએ જાહેર કરેલી યાદી મુજબ શહેરમાં 6 તારીખે પૂરા થતા સપ્તાહ દરમિયાન નવા 16 કેસ સહિત વર્ષમાં કુલ 198 દર્દીની નોંધ અત્યાર સુધીમાં થઇ ગઇ છે. ચીકનગુનીયાના બે નવા સહિત 21 કેસ વર્ષમાં થયા છે. તો મેલેરીયાના કોઇ નવા દર્દી ન હોય, વર્ષમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 44 છે. દરમ્યાન સપ્તાહમાં અન્ય રોગચાળાના કેસ વધી ગયા છે. ડબલ ઋતુના કારણે શરદી-ઉધરસના 253, સામાન્ય તાવના 39 અને ઝાડા-ઉલ્ટીના 57 દર્દી આ અરસામાં નોંધાયા છે.
- Advertisement -
આ રીતે સિઝનલ રોગચાળાના 349 કેસ આવ્યા છે.
492 સ્થળો પર નોટિસ ફટકારાઇ
સરદાર વલ્લભભાઇ પટેલ સોસા., ભવનાથ પાર્ક, ગુરૂકૃપા સોસા., રજત સોસા, શ્રીજીનગર, શ્યામ પાર્ક, ન્યુ સર્વોદય સોસા., શ્રધ્ઘા પાર્ક, નર્મદા પાર્ક, સખીયાનગર, ઘાંચીવાડ, નવયુગપરા, રામકૃષ્ણ્નગર, શિલ્પન વિલા જયોતિનગર, સેલેનીયમ હેરીટેઝ, ભગવતીપરા, લક્ષ્મીવાડી મેઇન રોડ, મિલપરા, વોકળાની આજુબાજુના વિસ્તારમાં સઘન ફોગીંગ કરાયું હતું. ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાંક સિવાય અન્ય 574 પ્રીમાઇસીસમાં મચ્છરની ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિની બેદરકારી બદલ 492 સ્થળો પર નોટીસ આપવામાં આવેલ છે.