–ઈજીપ્તના શર્મ-અલ-શેખમાં વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનની બેઠકમાં ગંભીર ચેતવણી વ્યક્ત થઇ
-પૃથ્વીનું તાપમાન હાલ 1.1 ડીગ્રી સે. ના ધોરણે વધી રહ્યું છે: 1.5 સુધી મર્યાદિત રાખવું જરૂરી નહીંતર આ ગ્રહને બચાવવો મુશ્કેલ: વાર્ષિક રિપોર્ટ જારી
- Advertisement -
-ભારત, અમેરિકા અને યુરોપના 27 દેશો કરતા પણ એકલુ ચીન સૌથી વધુ પ્રદુષિત કાર્બન છોડે છે
વૈશ્વિક હવામાન પર સતત નજર રાખી રહેલ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની એજન્સી દ્વારા તૈયાર થયેલ ‘ઇમીશન ગેપ’ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન હાલના સ્તરે રહ્યું તો આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન 2.8 ડીગ્રી સે. સુધી વધી જશે અને માનવજીવનને બચાવવા માટે આ તાપમાન 1.5 ડીગ્રી. સે.થી વધુ ન રહે તે જોવાની હવે સૌથી આવશ્યક પળ આવી ગઇ છે.
ચીન વિશ્વમાં કાર્બન ઉત્સર્જનમાં 15 ગીગા ટનની સાથે સૌથી ઉપર છે. અને તે અમેરિકા, ભારત અને યુરોપીયન સંઘના 27 દેશો કરતા પણ વધુ કાર્બન ઉત્સર્જન કરે છે જ્યારે ભારત 3.5 ગીગા ટન સાથે વિશ્વમાં ત્રીજા નંબરે છે. ઇજીપ્ત શર્મ-અલ-શેખમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ગ્લોબલ વોર્મિંગ અંગેના એક પરિસંવાદને સંબોધતા સંયુક્ત રાષ્ટ્રીય સંઘના મહામંત્રી એન્ટીન્યો ગુટેરેસેએ વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પગલે દુનિયા હવે નરકના હાઈવે પર આગળ વધી રહી છે અને તેનો પગ એક્સીલેટર પર છે.
- Advertisement -
ગ્લોબલ વોર્મિંગ સામે જીંદગીનો જંગ આપણે બહુ ઝડપથી પરાજીત થઇ રહ્યા છે અને આપણી પાસે આ અંતિમ તક છે. આગામી સમયમાં આવનારી પેઢીઓ માટે આપણે આ ગ્રહ બચાવી શકશું કે કેમ તે પણ પ્રશ્ન છે. ભારત સહિતના દેશોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ યુરોપમાં આ વર્ષે ગરમીના કારણે જ 15,000થી વધુ લોકોના મોત થશે. 50 વર્ષમાં યુરોપીયન ક્ષેત્રોમાં અત્યંત ગરમીને કારણે 1.48 લાખથી વધુ માર્યા ગયા છે.
ડબલ્યુએચઓના આ રિપોર્ટમાં જણાવ્યું છે કે સ્પેન, પોર્ટુગલ, બ્રિટન, જર્મની સહિતના દેશોમાં ત્રણ માસથી સૌથી ગરમીને કારણે સૌથી વધુ મૃત્યુ વધ્યા છે. તેઓએ એવું પણ જણાવ્યું કે ફ્રાંસની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટેટીકલ ઓફ ઇકોનોમીક સ્ટડીઝમાં 2019માં કોવિડ મહામારી પહેલાની સરખામણીમાં 1 જૂનથી 12 ઓગસ્ટ 2022ની વચ્ચે 11,000થી વધુ લોકોના ગરમીને કારણે મૃત્યુ થયા હતા.
યુરોપમાં તાપમાન 1961થી 2021 સુધીમાં સૌથી ઝડપી વધ્યુ છે અને તે હાલ પ્રતિ દશક 0.5 ડીગ્રી સે.ની ઝડપે આગળ વધી રહ્યું છે. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન દ્વારા આ સપ્તાહમાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે આપણે હવે ભવિષ્ય માટે સતર્ક રહેવું પડશે. હાલ આપણે ફક્ત 1.1 ડીગ્રી સે. તાપમાન વધ્યું તેની અસરનો સામનો કરી રહ્યા છીએ પરંતુ આ સદીના અંત સુધીમાં 2.8 ડીગ્રી સે. સુધીનું તાપમાન વધી જશે તો પછી પૃથ્વીને બચાવવા માટે કોઇ વિકલ્પ રહેશે નહીં.