કુલપતિ અને 8 સિન્ડિકેટ સભ્યો જે નિર્ણય નથી કરી શકતા તે હવે ત્રણ-ત્રણ સભ્યની કમિટી કરશે
ખાસ-ખબર સંવાદદાતા
સિન્ડિકેટની મળેલી મિટિંગમાં કેટલાક મુદ્દાઓ અંગે ખુદ સિન્ડિકેટ સભ્યોએ જ સર્વાનુમતે નિર્ણય કરવાના હતા, પરંતુ તેવું કરવાને બદલે કમિટી બનાવી, તે કમિટીમાં પણ સભ્ય તરીકે સિન્ડિકેટ સભ્યોને જ નિયુક્ત કર્યા અને હવે ફરી તેઓ જ જુદા જુદા મુદ્દે નિર્ણય લેશે. તપાસ ચાલુ હોય તેને પરીક્ષા સંબંધિત જવાબદારી ન સોંપવી, પરીક્ષામાં ચોરી થાય તો કોલેજની જવાબદારી નક્કી કરવી, પીએચ.ડીના નિયમો નક્કી કરવા અને નોન ટીચિંગના કર્મચારી ચાલુ ફરજે અવસાન પામે તો પરિવારને રૂ 20 લાખની આર્થિક સહાય આપવા સહિતના મુદ્દે નિર્ણય લેવાના હતા.
- Advertisement -
તપાસ ચાલુ હોય તેવા કર્મીને જવાબદારી ન સોંપવી
સિન્ડિકેટ સભ્યે કુલપતિને રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી અને કોલેજોના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓ ઉપર સરકારી, ખાતાકીય કે ફોજદારી તપાસ ચાલી રહી હોય તેને પરીક્ષા સહિતની અગત્યની જવાબદારી કે ખાનગી કામગીરી સોંપવામાં ન આવે. આ મુદ્દે પણ કમિટી બનાવી હતી અને તેઓ રિપોર્ટ આપે તેના આધારે નિર્ણય કરવાનું નક્કી કરાયું હતું.
ચોરીમાં કોલેજોની જવાબદારી ફિક્સ
યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સીસીટીવીના આધારે કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો તે ગેરરીતિ માટે જે-તે કોલેજની જવાબદારી નક્કી કરવા માટે સિન્ડિકેટની બેઠકમાં વિચારણા કરવા પ્રસ્તાવ મુકાયો હતો તેમાં પણ સિન્ડિકેટ સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લેવાને બદલે નીતિ નિયમો નક્કી કરવા માટે એક કમિટી બનાવી હતી અને તેમાં પણ ખુદ સિન્ડિકેટ સભ્યો જ રહ્યા હતા.
ચાલુ ફરજે મૃત્યુ થાય તો રૂ. 20 લાખની સહાય આપવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી યુનિયનની રજૂઆતના અનુસંધાને યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક કર્મચારીનું ચાલુ ફરજે અવસાન થાય તો તેવા કિસ્સામાં તેમના પરિવારને રૂ. 20 લાખની મર્યાદામાં આર્થિક સહાય ચૂકવવા સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ જ નિર્ણય કરવાનો હતો પરંતુ તેના માટે પણ કમિટી બનાવી અને તેમાં પણ સિન્ડિકેટ સભ્યોને રખાયા, હવે તેઓ નિર્ણય કરશે.