મોરબી પૂલ જેવી ઘટના રાજકોટમાં બને તે પહેલા તંત્ર ચેતે…
વડાપ્રધાન મોદીના હસ્તે ફ્લાયઓવરનું ઉદ્દઘાટન કરાવવા ઉતાવળે ખુલ્લો મૂકી દેવાયો છે
- Advertisement -
કાસ્ટિંગ રાતના સમયે બરોબર કરાયું, લોડ ટેસ્ટિંગ પણ બાકી, મવડીથી બિગબિઝાર આવવાના રસ્તે લાગી ગયો છે ઝોક
ખાસ-ખબર સંવાદદાતા
અંડરપાસ અને ફ્લાયઓવરના નિર્માણમાં નબળા સ્ટીલ, લોખંડ, સિમેન્ટનો ઉપયોગ થવો નવી બાબત નથી પરંતુ આ પ્રકારના નબળા સ્ટીલ, લોખંડ, સિમેન્ટથી નિર્માણ પામેલા અંડરપાસ અને ફ્લાયઓવર દુર્ઘટનાને નોતરે છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્દઘાટન પામેલા 150 ફુટ રિંગરોડ પર આવેલા નાનામવા ફ્લાયઓવરનું નિર્માણ પણ અનેક પ્રકારની ક્ષતિઓ રહી ગયાનું માલૂમ પડે છે.
- Advertisement -
હાલમાં જ ઓવેરા ગ્રુપની કેટલીક બેદરકારીને કારણે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા આશરે 190 લોકોના મૃત્યુ થયા છે અને 100થી બધું લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે વધુ એકવખત આ પ્રકારની બેદરકારીને કારણે રાજકોટ નાનામવા ફ્લાયઓવર પર પણ મોટી દુર્ઘટના સર્જાય શકે છે. નાનામવા ફ્લાવઓવરમાં હાલ મવડીચોકડીથી બિગબિઝાર તરફ આવવાના રસ્તા પર ઝોક બેસી ગયો છે. જેના કારણે ત્યાંથી પસાર વાહનો હાલકડોલક થાય છે. દિવાલ પણ થોડી ત્રાસી તેમજ નમેલી દેખાઈ આવે છે. સેક્સન પર ઓવરલોડ થવાના કારણે રસ્તો થોડો બેસી પણ ગયો છે.
મોરબીના ઝૂલતા પુલની જેમ નાનામવા પરનો ફ્લાયઓવર કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાનામવા ફ્લાયઓવરનું લોડ ટેસ્ટિંગ કરી તેના નિર્માણમાં રહેલી ક્ષતિઓ દૂર કરવી જોઈએ જેઠી કોઈ મોટી જાનહાનિ થતા ટાળી શકાય.
ફ્લાયઓવરનું કાસ્ટિંગ બારોબાર થયું!
150 ફૂટ રિંગરોડ નાનામવા પર બનેલા ફ્લાયઓવરનું કાસ્ટિંગ રાતના સમયે થયું છે. વાસ્તવમાં રાતના સમયે ફ્લાયઓવરનું કાસ્ટિંગ કરવાની મંજૂરી મળતી નથી છતાં ભેદી કારણોસર નાનામવા ફ્લાયઓવરને રાતના સમયે કાસ્ટિંગ કરવાની મંજૂરી મળી ગઈ હતી તેમજ તેનું કાસ્ટિંગ પણ બારોબાર થયું હતું અને આ દરમિયાન જ તેમાં ક્ષતિઓ રહી જવા પામી છે એવું ચર્ચાઈ રહ્યું છે.
નાનામવા ફ્લાયઓવરનું લોડ ટેસ્ટિંગ થયું નથી?
જાણકારોમાં ચર્ચાતી વિગત મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે નાનામવા ફ્લાયઓવરનું ઉદ્દઘાટન કરાવવા માટે તેનું નિર્માણ છેલ્લે છેલ્લે ઉતાવળે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, નાનામવા ફ્લાયઓવરનું લોડ ટેસ્ટિંગ થયું નથી. લોડ ટેસ્ટિંગ કર્યા વિના જ નાનામવા ફ્લાયઓવરને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે!