વાલીઓ લાચાર, જવાબદારોના આંખ આડા કાન
વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડાં કરતી શિક્ષણ સમિતિ સામે ભાજપના અગ્રણીઓનું ભેદી મૌન
- Advertisement -
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘનાં પ્રમુખ દિનેશ સદાદિયા સામે શહેર ભાજપ ઘુંટણિયે?
ખાસ-ખબર સંવાદદાતા
ભાર વગરના ભણતરનું સ્વપ્ન સાકાર થાય અને NCERT જેવા લાંબા અભ્યાસક્રમને પણ સરળતાથી પૂર્ણ કરી શકાય તેવા આશયથી સરકાર દ્વારા શાળાઓને એક જ પાળીમાં ચલાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે, છતાંય આવા નિયમનો સરેઆમ ઉલાળીયો કરી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા શાળા નં. 87, 81 અને 98 સહિતની શાળાઓ બે પાળીમાં ચલાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાની વાતના પર્દાફાશ બાદ પણ આ માટે જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી ન કરવાના શહેર ભાજપના વલણ સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે.
હાલમાં વિદ્યાર્થીઓ NCERTના અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરી રહ્યા છે. NCERTનો કોર્ષ જ એટલો લાંબો અને અઘરો છે કે એક જ પાળીમાં શાળા ચાલતી હોય અને છ કલાક જેટલો અભ્યાસનો સમયગાળો હોય તો પણ કોર્ષ પૂર્ણ ન થઈ શકે. હવે જો શાળા બે પાળીમાં ચલાવવામાં આવે તો રીસેસ, મધ્યાહન ભોજન, પ્રાર્થનાનો સમય બાદ કરવામાં આવે તો માંડ બેથી અઢી કલાકનો સમય અભ્યાસ માટે બચે, આમાં કોર્ષ કેમ પૂર્ણ થાય? અધુરો કોર્ષ કે ઝડપથી ભણાવીને ગમે તેમ કોર્ષ પૂર્ણ કરવાથી બાળકનો પાયો જ નબળો રહે તો તેના માટે જવાબદાર કોણ?
- Advertisement -
ભાજપના જ શાસનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની આવી પ્રવૃત્તિ સામે શહેર ભાજપના હોદ્દેદારોનું મૌન વિદ્યાર્થીઓના ભાવિને ન સમજી શકાય તેવી ખોટ પહોંચાડશે.
ઉલ્લેખનીય છે કે આખા ગુજરાતમાં સરકારી શાળાઓનો સમય 11થી 5નો છે પણ રાજકોટમાં સવારે 8થી 12 અને 12-15થી 5ના સમયગાળામાં અમુક સ્કૂલો ચલાવવામાં આવે છે. સરકારના નિયમ મુજબ સરકારી શાળાઓ બે પાળીમાં ચલાવી શકાતી નથી આમ છતાં નિયમો નેવે મૂકીને શાળાઓને બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે. આ પાછળ પણ અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાનું વર્ક કરપ્શન છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા દ્વારા પોતાના અંગત લોકોને લાભ ખટાવવા માટે સરકારી શાળાઓ બે પાળીમાં ચાલે તે માટે ગોઠવણ કરી છે જે તદ્દન સરકારી નિયમો વિરુદ્ધ છે, ગેરકાયદે છે. સરકારના નિયમ મુજબ જો શાળામાં જગ્યાનો અભાવ હોય તો પણ સરકારી શાળાઓ બે પાળીમાં ચલાવવાનો કોઈ જ નિયમ નથી. જગ્યાના અભાવે સરકારી શાળાઓ બે પાળીમાં ન ચાલે તે માટે સરકાર દ્વારા દર વર્ષે બજેટ પણ ફાળવવામાં આવે છે. આમ છતાં પૂરતી જગ્યા, શિક્ષકોની સંખ્યા સામે પ્રમાણમાં ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં સરકારી નિયમોને ઘોળી પી જઈ પંડિત, પરમાર અને સદાદિયા દ્વારા પોતાના લાગતા-વળગતા બપોરથી સાંજ અન્ય શાળા-ક્લાસિસમાં નોકરી કરી શકે તે માટે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 87, 81 અને 98 સહિતની કેટલીક શાળાઓ બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે અને સાથે વર્ક કરપ્શન પણ કરાઈ રહ્યું છે.
વર્ક-કરપ્શન સામે વાલીમંડળો જાગશે?
લાગતા-વળગતાઓને સાચવવા માટે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાની મિલીભગતથી ચાલતા બે પાળીના કૌભાંડનો સીધો જ ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ત્યારે આ બાબતે જાગૃત વાલીમંડળોએ મેદાનમાં આવવાની જરૂર છે અને સરકારના નિયમ વિરૂદ્ધ ચાલતી બે પાળીની શાળાઓ બંધ કરાવવી જોઈએ.
આખા ગુજરાતમાં પ્રાથમિક શાળાનો સમય 11:00થી 5:00 વાગ્યા સુધીનો, માત્ર રાજકોટમાં જ 12:15થી 5:00 સુધી: એમાં પણ ભણતર માત્ર અઢી કલાક જ!