‘આપ’ના હોદ્દેદાર કશ્યપ ભટ્ટને સાથે ફેરવી ભાજપ અગ્રણી ગણાવી ભાજપની આબરૂના ધજાગરા કરાવ્યા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોટો મૂકનાર અમદાવાદ જિલ્લા ભાજપનાં પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી શકાતા હોય તો ડૉ. કિરીટ પાઠકને કેમ થાબડભાણા?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર સામે પગલાં લેવામાં રાજકોટ શહેર ભાજપ નબળું સાબિત થઈ રહ્યાનો સૂર રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી ડૉ. કિરીટ પાઠકના બનાવને અનુલક્ષીને જોવા મળી રહ્યો છે. આમઆદમી પાર્ટીના અગ્રણી કશ્યપ ભટ્ટને ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓના કાર્યક્રમમાં સાથે લઈ જવા અને આ બાબતની સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવી એટલું જ નહીં આમઆદમી પાર્ટીના આગેવાનને ભાજપના અગ્રણી બતાવવા છતાંય હજુ શહેર ભાજપ દ્વારા ડૉ. કિરીટ પાઠક સામે હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યપ્રધાન આમઆદમી પાર્ટીના ભગવંત માન સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યાની ઘટનાના માત્ર 10 કલાકમાં જ કમલમ દ્વારા કિશનસિંહ સોલંકીને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કમલમ દ્વારા સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો કે પક્ષવિરોધી કોઈ જ પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે. કમલમ દ્વારા જે ઝડપ અને પક્ષના હિતમાં આકરા પગલાં લેવામાં આવ્યા તેવી કોઈ જ દરકાર રાજકોટ શહેર ભાજપને જાણે ન હોય તેમ ભાજપ અગ્રણી ડૉ. કિરીટ પાઠક સામે હજુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેર ભાજપની આવી બેદરકારી અન્ય કાર્યકરોને પણ પક્ષનું મોરલ તોડવા છૂટો દોર આપનારી સાબિત થઈ શકે છે. ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં એવું પણ ચર્ચાય છે કે નાની-નાની ભૂલ માટે પણ કાર્યકરોને ઠપકો આપનારા અને શિસ્તના નામે મોટી-મોટી વાતો કરનારાઓ કિરીટ પાઠક સામે પગલાં લેવામાં કેમ ઉણાં ઉતરે છે? કે પછી ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ’નો નિયમ લાગુ પડે છે?
શહેર ભાજપની નબળાઈ કે કિરીટ પાઠકની દબંગાઈ?
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનપદના કાર્યકાળ દરમિયાન પણ ભારે વિવાદાસ્પદ રહેલા અને પોતાને ભાજપ અગ્રણી ગણાવતાં ડૉ. કિરીટ પાઠકની પક્ષ વિરૂદ્ધ સરાજાહેર પ્રવૃત્તિ છતાંય શહેર ભાજપ દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા એવો સવાલ ઉઠે છે કે શહેર ભાજપના અગ્રણીઓ ડૉ. કિરીટ પાઠક સામે કાર્યવાહી કરતાં ડરે છે કે ડૉ. પાઠકની પહોંચ ઉપર સુધી છે?