પંડિત, પરમાર અને સદાદિયાનાં માનીતાઓને સરકારી સાથે ખાનગી નોકરી કરવાનો પરવાનો
અતુલ પંડિત અને કિરીટ પરમારની દયા-માયાથી શિક્ષકો સાથે વ્હાલા-દવલાની નીતિ
- Advertisement -
શાળાના નંબર 95, 87નાં આચાર્ય, શિક્ષક અને એક સીઆરસી સરકારી કર્મચારી છતાં ખાનગી શાળા-ક્લાસમાં નોકરી કરે છે!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભોપાળાઓ એક પછી બહાર આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના ગરબડ, ગોટાળા, ગોલમાલ છાપરે ચઢી પોકારવાનું બંધ જ થતા નથી. રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને તો શિક્ષણ વિભાગ તરફથી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો મળ્યો છે તેમની સાથે તેમના માનીતાઓને પણ જાણે મનફાવે તેમ વર્તન અને કામગીરી કરવાની છૂટ મળી ગઈ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત તેમજ શાસનાધિકારી કિરીટ પરમારની દયા-માયાથી દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયા સરકારી કર્મચારી હોવા છતાં આર્યા અને પૂર્વા નામની ખાનગી પેઢીનું સંચાલન કરી રહ્યા છે તેવી જ રીતે તેમના માનીતા શાળા નંબર 95ના જુહી માંકડ, શાળા નંબર 87ના સંદીપ કાથરોટીયા અને સીઆરસી દેવીદાસ ચાપબાઈ પણ સરકારી સાથે ખાનગી નોકરી કરી રહ્યા છે. શાળાના 95ના આચાર્ય જુહી માંકડ ધોળકિયા સ્કૂલમાં શિક્ષિકા છે. શાળા નંબર 87ના સંદીપ કાથરોટીયા પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. આટલું જ નહીં સીઆરસી દેવીદાસ ચાપબાઈ ખાનગી ક્લાસિસ ચલાવી તેમાં લેક્ચર લે છે. નોંધનીય છે કે, સરકારી કર્મચારીઓને ખાનગી નોકરી કરવાની છૂટ નથી.
જુહી માંકડ, શિક્ષક સંદીપ કાથરોટીયા ધોળકિયામાં અને સીઆરસી દેવીદાસ ચાપબાઈ ક્લાસિસમાં લેક્ચર લેવા જાય છે!
- Advertisement -
સરકારી આચાર્ય કે શિક્ષક ટ્યુશન ક્લાસ પણ ચલાવી શકતા નથી ત્યારે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના અંગત મનાતા જુહી માંકડ, સંદીપ કાથરોટીયા અને સીઆરસી દેવીદાસ ચાપબાઈ ખાનગી શાળા-ક્લાસિસમાં ક્યાં આધારે લેક્ચર લેવા અને નોકરી કરવા જાય છે એ સૌથી મોટો પ્રશ્ર્ન છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો દ્વારા અમુક શિક્ષકો કે આચાર્યો થોડી પણ ફરજચૂક કરે તો કારણદર્શક નોટિસ પાઠવાઈ છે અને ખુલાસાઓ માંગવામાં આવે છે ત્યારે બીજી તરફ વ્હાલા-દવાલાની નીતિ દાખવી કેટલાંક આચાર્યો અને શિક્ષકોને સરકારી સાથે ખાનગી નોકરી કરવાની છૂટ આપવામાં આવે છે જે તદ્દન ગેરવાજબી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે આજ સુધી કેમ કોઈ પગલાં લેવાય નથી એ પણ આશ્ચર્યજનક બાબત છે. શું શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની પણ આમાં મીલિભગત છે?
ધોળકિયા સ્કૂલનાં લેન્ડલાઇન પર ફોન કરતા જવાબ મળ્યો, “જુહી માંકડ મેડમ સવારે આઠ વાગ્યે મળી શકશે!”
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય કે શિક્ષક સરકારી નોકરિયાત હોવા છતાં નિયમ વિરુદ્ધ ખાનગી નોકરી કરતા હોવાની વાત ત્યારે વાસ્તવિક બની ગઈ હતી જ્યારે ખાસ-ખબર દ્વારા ધોળકિયા સ્કૂલના લેન્ડલાઈન પર ફોન કરતા જુહી માંકડ મેડમ વિશે તપાસ કરી હતી ત્યારે ધોળકિયા સ્કૂલના સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જુહી માંકડ મેડમ સવારે આઠ વાગ્યે મળી જશે. આ ઉપરાંત અન્ય સ્ટાફ, સાથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત શિક્ષણજગતના જાણકારોમાં પણ તપાસ કરતા સૌ કોઈએ કહ્યું હતું કે, સરકારી શાળાના આચાર્ય જુહી માંકડ ધોળકિયા સ્કૂલમાં શિક્ષિકા છે. તેઓ અહીંનું મેનેજમેન્ટ પણ સંભાળે છે અને કો-ઓર્ડીનેટર પણ છે.
મિતુલ ધોળકિયાનું જુઠ્ઠાણું, “જુહી મેડમ અમારે ત્યાં નથી!”
શિક્ષણજગતમાં કલંક સમાન વિવાદાસ્પદ મિતુલ ધોળકિયા, જેની પર અગાઉ સેક્યુઅલ હરેશમેન્ટ, શારીરિક વિકૃતિઓ જેવી ફરિયાદ થઈ ચૂકી છે એવા ધોળકિયા સ્કૂલના સંચાલક સાથે ખાસ-ખબરે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, જુહી મેડમ અમારે ત્યાં નથી. સ્વાભાવિક છે કે, પંડિત, પરમાર અને સદાદિયાના અંગત મનાતા જુહી મેડમને બચાવવા તેમજ પોતાની શાળાની બચેલીકુચેલી શાખ સાચવી રાખવા મિતુલ ધોળકિયાએ જૂઠ બોલ્યું હતું.
પંડિત-પરમારે શિક્ષકોને પોતાના કામ કરાવવા રોકી રાખ્યા છે!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે પોતાના કામ કરવા કેટલાંક શિક્ષકોને પોતાની પાસે રોકી રાખ્યા છે. આ શિક્ષકો પોતાની શાળામાં ભણવવા જતા નથી પરંતુ શિક્ષણ સમિતિની કચેરીએ આવી પંડિત-પરમારનું કામકાજ કરી આપે છે. ક્લાર્કની કામગીરી કરતા અને શિક્ષકની ફરજમાં રહેલા આ શિક્ષકો પોતપોતાની શાળાએ ન જતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે. બીજી તરફ શિક્ષણ સમિતિમાં કલાર્કની જગ્યા ખાલી હોવા છતાં પંડિત-પરમાર દ્વારા ભરવામાં આવતી નથી. પોતાના જાણીતા-માનીતાઓને લાભ ખટાવવા તેમજ સરકારી નોકરીમાં ગોઠવવા પંડિત-પરમાર આ પ્રકારે પણ શિક્ષકોને ક્લાર્કની જગ્યાએ જોતરી પોતાના કામ કરાવી રહ્યા છે.
ચેરમેન-શાસનાધિકારી કૌભાંડ સિવાયનાં તમામ મોરચે નિષ્ફળ
શિક્ષણ સમિતિમાં પોતાના કાર્યકાળ દરમિયાન ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર માત્ર આર્થિક ગરબડ, ગોટાળા અને ગોલમાલ કરવામાં સફળ થયા છે, વહિવટી અને શૈક્ષણિક સહિતની કારગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં સરકારી નોકરી કરતા કેટલાંક આચાર્ય-શિક્ષકો સમયસર હાજર થતા નથી, વિદ્યાર્થીઓને ભણાવતા નથી, સરકારી નોકરિયાત હોવા છતાં ખાનગી નોકરી કરે છે વગેરે વગેરે.. આમ છતાં આ આચાર્ય-શિક્ષકો સાથે ચેરમેન-શાસનાધિકારીને ઘરોબો હોય તેઓ તેમને કશું કરતા કે બોલતા નથી. આચાર્ય-શિક્ષક તેમજ સીઆરસી ઓનલાઈન હાજરી, ટૂરડાયરી કે લોકેશન પણ તપાસવા આવતા નથી. એકંદરે વિદ્યાર્થીઓના શિક્ષણ સિવાય સમગ્ર વ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. પંડિત-પરમારની સ્વાર્થવૃત્તિએ શિક્ષણ સમિતિની પાળ પીટી નાખી છે.