ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના આંદરણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજનાના કાર્યક્રમમાં હાજર અધિકારીની ખરા અર્થમાં સંવેદના સામે આવી છે જેમાં બેઠક દરમિયાન ગામના એક વડીલને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા હાર્ટએટેકથી તેમની પરિસ્થિતિ ગંભીર બની હોય અને સામે 108 એમ્બ્યુલન્સને આવતા વાર લાગે તેમ હોવાથી તાત્કાલિક પોતાની ગાડીમાં આ વડીલને હોસ્પિટલમાં ખસેડી પ્રાંત અધિકારીએ ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારી અધિકારીઓની સંવેદનાનું જીવંત ઉદાહરણ મોરબીના પ્રાંત અધિકારીએ પૂરું પાડ્યું છે જેમાં એક આધેડની અચાનક તબિયત લથડતાં તેમણે પોતાના સરકારી વાહનમાં દર્દીને સારવાર માટે રવાના કર્યા હતા. મોરબી તાલુકાના આંદરણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પ્રાંત અધિકારી ડી એ ઝાલાના અધ્યક્ષસ્થાને, મોરબી તાલુકા મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં પ્રાથમિક શાળા ખાતે બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આંદરણા ગામના આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન ગામના વડીલ દિલીપ મહારાજ શાસ્ત્રીને અચાનક છાતીમાં દુખાવો અને આંચકી શરૂ થઇ હતી જેથી બેઠકમાં હાજર આરોગ્ય વિભાગના ડોક્ટર અને સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી જોકે બેઠક મોરબી તાલુકાના આંદરણા ગામમાં હોવાથી ત્યાં પહોચતાં એમ્બ્યુલન્સને થોડો સમય લાગે તેમ હતો જેથી પ્રાંત અધિકારીએ પોતાના સરકારી વાહનમાં દર્દીને મેડીકલ સ્ટાફ સાથે રવાના કર્યા હતા અને મહેન્દ્રનગર નજીક 108 એમ્બ્યુલન્સ મળતાં દર્દીને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડી સારવાર આપવામાં આવી હતી અને સરકારી અધિકારીએ સંવેદનશીલતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.