ગ્રીન બોર્ડ સસ્તું-સુગમ, ટકાઉ હોવા છતાં ચારગણા ખર્ચે સીરામિક બોર્ડનો દૂરાગ્રહ શા માટે?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિવિધ કૌભાંડો પરથી ધ્યાન સૌનું હટાવવા ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાની ચોકડીએ ષડયંત્ર શરૂ કરી દીધા છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેળવણી નિરીક્ષક, આચાર્યો, શિક્ષકો અને વાલીઓએ વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યા બાદ શિક્ષણ સમિતિના સભ્યોએ પણ પંડિત, પરમાર, સદાદિયા અને સાગઠિયાની તાનાશાહી સામે અવાજ ઉઠાવતા કેળવણી નિરીક્ષક, આચાર્યો અને શિક્ષકોની જેમ સભ્યોને પણ દબાવવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે.
- Advertisement -
ગ્રીન બોર્ડ ખરીદવા નિર્ણય લેવાનો ઠરાવ આજથી 9 મહિના અગાઉ થયેલો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 30/12/2022ના એક પરિપત્રને અનુસંધાને 10/1/2022ના ઠરાવમાં ગ્રીન બોર્ડ ફાળવવા અંગેનો નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે. આ ઠરાવ બાદ શિક્ષણ સમિતિ દ્વારા ટેન્ડર બહાર પાડી ગ્રીન બોર્ડ ખરીદીની પ્રક્રિયા હાલમાં હાથ ધરવામાં આવી ત્યારે ચેરમેન અતુલ પંડિતના જાણીતા પાસેથી ગ્રીન બોર્ડની જગ્યાએ સિરામિક બોર્ડની ખરીદીનો ઓર્ડર ન આપવામાં આવતા તેમણે ત્રાહિત વ્યક્તિ પાસેથી એક પત્ર લખાવી ગ્રીન બોર્ડના ટેન્ડર અને ખરીદીનો વિરોધ કરાવ્યો છે. જોકે આ ગ્રીન બોર્ડ ખરીદવા નિર્ણય લેવાનો ઠરાવ આજથી 9 મહિના અગાઉ થયેલો હતો એટલે હવે આ નિર્ણયને આધારે ખરીદી અને ટેન્ડરનો વિરોધ કરતો પત્ર પ્રકાશમાં આવવા પાછળ ચોક્કસ ષડ્યંત્ર હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે એવું કેટલાંક સમિતિના જ સભ્યો જણાવી રહ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં એક પછી એક કૌભાંડો ડુંગળીનાં પડની જેમ ઉખડતાં જાય છે
પંડિત, કિરીટ પરમાર, સદાદિયા, સાગઠિયાની ચાલું ચોકડીનાં અગણિત પરાક્રમો…
- Advertisement -
ખાસ-ખબરને પ્રાપ્ત વિગત મુજબ એવું ચર્ચાઈ રહ્યું છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં 400 જેટલા ગ્રીન બોર્ડ આપવાનો ઠરાવ ગત વર્ષના અંતમાં જ થઈ ચૂક્યો હતો પરંતુ કહેવાય છે કે, ચેરમેન અતુલ પંડિતને પોતાના જાણીતાને ગ્રીન બોર્ડ નહીં પરંતુ સિરામિક બોર્ડનો ઓર્ડર અપાવી લાખો રૂપિયાની ઉચાપત કરવી હતી. અતુલ પંડિતની આ ચાલની સમિતિના અન્ય સભ્યોને ગંધ આવી જતા અને સિરામિક બોર્ડની પ્રાથમિક શાળામાં કોઈ જ જરૂરિયાત ન હોતા તેમણે સરકારી શાળાઓમાં 400 જેટલા સિરામિક બોર્ડની ખરીદીનો ઓર્ડર આપવાનો વિરોધ કર્યો હતો. જે પાછળથી અતુલ પંડિતને પસંદ ન પડતા તેમણે ગ્રીન બોર્ડની ખરીદી અટકાવી દીધી હતી. રાજકોય શિક્ષણ સમિતિના સભ્યોનું ગ્રીન બોર્ડ મુદ્દે એવું વલણ હતું કે, સિરામિક બોર્ડની સરખામણીમાં ગ્રીન બોર્ડ સસ્તું અને ટકાઉ છે. સિરામિક બોર્ડની કિંમત 13000 રૂ. જેટલી થાય છે જ્યારે ગ્રીન બોર્ડની કિંમત 3000 હજાર રૂપિયા જેટલી થાય છે. મતલબ કે, અતુલ પંડિત સરકારી શાળાઓમાં 13000 રૂ.ના આશરે 400 બોર્ડ 52 લાખ રૂપિયાના ખર્ચે આપવા ઈચ્છતા હતા જેની સામે સમિતિના સભ્યો 3000 રૂ.ના આશરે 400 બોર્ડ 12 લાખ રૂપિયાના ખર્ચે અપાવવા જોઈએ એવો મત ધરાવતા હતા. આ અંગે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો પણ પછી અતુલ પંડિત દ્વારા ગ્રીન બોર્ડની ખરીદીનો ઓર્ડર મુલત્વી રાખવામાં આવી હતી. હમણાં થોડા સમય પહેલા અતુલ પંડિત જ્યારે વિદેશ પ્રવાસ પર જલસા કરવા ગયા ત્યારે ઈન્ચાર્જ ચેરમેન અને સમિતિના સભ્યોએ ગ્રીન બોર્ડની પારદર્શક ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્યારબાદ વિદેશ પ્રવાસ પરથી પરત ફરેલા અતુલ પંડિતે આ ટેન્ડર અને ગ્રીન બોર્ડની ખરીદી મામલે ઈન્ચાર્જ ચેરમેન અને સમિતિના સભ્યોને દબાવવા તેમજ સમિતિના વિવિધ કૌભાંડો પરથી સૌનું ધ્યાન હટાવવા અતુલ પંડિતે જ ગ્રીન બોર્ડ અને તેની ખરીદીના ટેન્ડરનો વિરોધ કરતો એક પત્ર લખાવ્યો છે એવું રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચર્ચાઈ રહ્યું છે.
સિરામિક બોર્ડ કરતા ગ્રીન બોર્ડની તરફેણમાં કેમ છે સમિતિનાં સભ્યો?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સરકારી પ્રાથમિક શાળાઓમાં ગ્રીન બોર્ડ આપવાની તરફેણમાં છે જ્યારે એક સમયે ચેરમેન અતુલ પંડિત સિરામિક બોર્ડ આપવાની જીદ પકડી બેઠા હતા. અતુલ પંડિત ક્યાં કારણે સરકારી શાળાઓમાં 400 જેટલા સિરામિક બોર્ડ આપવા માંગતા હતા તેતો સમજી શકાય છે પરંતુ શિક્ષણ સમિતિના સભ્યો એટલે ગ્રીન બોર્ડની તરફેણમાં છે કારણ કે, સિરામિક બોર્ડની જગ્યાએ ગ્રીન બોર્ડ સસ્તું અને ટકાઉ છે. સિરામિક બોર્ડ 13000નું આવે છે જ્યારે ગ્રીન બોર્ડ 3000નું આવે છે. એટલું જ નહીં, સિરામિક બોર્ડ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ જરૂરી છે. પ્રાથમિક શાળાઓમાં ગ્રીન બોર્ડ જ હોય છે. રાજકોટની ખાનગી શાળાઓમાં પણ ગ્રીન બોર્ડ જ આવેલા છે. ઘણા કારણોસર સિરામિક બોર્ડની જગ્યાએ ગ્રીન બોર્ડની ખરીદી ફાયદામાં હોય રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યો ગ્રીન બોર્ડ ટેન્ડર બહાર પાડી ખરીદી કરવાની તરફેણમાં છે.
જાગૃત નાગરિકે પત્ર લખી ગ્રીન બોર્ડ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી
રાજકોટ શિક્ષણાધિકારીને એક જાગૃત નાગરિકે પત્ર લખી ગ્રીન બોર્ડ (ચોક) મુદ્દે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ સમિતિ દ્વારા ગ્રીન બોર્ડ ખરીદી મામલે ટેન્ડર બહાર પડાયું છે. ગ્રીન બોર્ડ શિક્ષકો અને બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાળકો સનમાયિકા બોર્ડ પરનું લખાણ સ્પષ્ટ વાંચી શકતા નથી. વગેરે.. વગેરે.. જાગૃત નાગરિકના ગ્રીન બોર્ડની ખામીઓ જણાવતા આ પત્રની વિરુદ્ધમાં હકીકત એ છે કે, રાજકોટ સહિત રાજ્યભરની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગ્રીન બોર્ડનો જ ઉપયોગ થાય છે. ગ્રીન બોર્ડ સિવાયનું સિરામિક બોર્ડ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક જાગૃત નાગરિક પાસે ગ્રીન બોર્ડનો વિરોધ કરતો પત્ર લખવવામાં આવ્યો છે જેથી સિરામિક બોર્ડની ખરીદી કરી શકાય.