59 દરવાજા ખોલાતા હેઠવાસનાં ગામોને સાવચેત કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજય ડેમ આજે સવારે ઓવરફલો થતાં ડેમના તમામ 59 દરવાજા દોઢ ફુટે ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ આજે સવારે છ વાગ્યે ઓવરફલો થતાં ભાવનગરવાસીઓમાં હરખની લાગણી ફેલાઈ જવા પામી છે. શેત્રુંજય ડેમ છલકાઈ જતા ડેમના તમામ 59 દરવાજા દોઢ ફુટથી ખોલવામાં આવતા અદભૂત નજારો જોવા મળ્યો હતો.
- Advertisement -
તંત્ર દ્વારા શેત્રુંજી નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોના ગામો ખાસ કરીને પાલીતાણા તાલુકાના રાજસ્થળી, લાપાડીયા, લાખાવાડ તથા તળાજા તાલુકાના માઈધર, મેઢા, દાત્રટ, પીંગળી, ટીમાણા, રોયલ, માખણીયા, ગોરખી તરસરા, લીલીવાવ, સરતાનપર વિસ્તારના ગામો ને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે તેમજ શેત્રુંજી નદી પટના વિસ્તારમાં ન જવા તથા અન્ય સલામત વિસ્તારોમાં ખસી જવા સૂચના આપવામાં આવી છે.