જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવનું 10 વર્ષમાં બ્યુટિફિકેશન થયું નથી
વાઘેશ્ર્વરી તળાવ આસપાસ થયેલી પેશકદમી બાધારૂપ : સરકારની વાતો માત્ર હવામાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં વિકાસને લઇ કોણીએ ગોળ ચોટાડવા જેવી વાત થઇ રહી છે. જૂનાગઢ મધ્યે આવેલા નરસિંહ મહેતા તળાવની બ્યુટિફિકેશનની વાતો છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે. અહીં બ્યુટિફિકેશનનાં નામે એક ઇંટનો કટકો મુકાયો નથી. ત્યારે જૂનાગઢમાં આવેલા વાઘેશ્ર્વરી તળાવ અને વિલીંગ્ડન ડેમનાં બ્યુટિફિકેશનની વાતો કરવામાં આવી રહી છે. વાઘેશ્ર્વરી તળાવનાં બ્યુટિફિકેશન માટે 15 કરોડ અને વિલીંગ્ડન ડેમનાં બ્યુટિફિકેશન માટે 18 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વાઘેશ્ર્વરી તળાવની આસપાસ પેશકદમી ખુબ જ છે. તેમનાં વિકાસમાં બાધારૂપ બની રહેશે. તંત્ર દ્વારા વાતો માત્ર હવામાં થઇ રહ્યાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બની રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ માટેનું કામ થઇ રહ્યું છે. ગિરનારના દરવાજા પાસેના વાઘેશ્ર્વરી તળાવના બ્યુટિફિકેશન – નવીનીકરણનું કામ અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે કરાશે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રિકો- સહેલાણીઓને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે.
સહેલાણીઓમાં લોકપ્રિય એવા રળિયામણા વિલીંગ્ડન ડેમનું પણ અંદાજે રૂપિયા 18 કરોડમાં બ્યુટિફિકેશન થશે. તેમજ મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ના અદ્યતન વિકાસ માટે રૂપિયા ર8.83 કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવાતા આ અર્બન લેકનું નજરાણું પણ લોકોને મળશે.ગરવા ગઢ ગિરનાર દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવ ના બ્યુટિફિકેશન – નવીનીકરણનું કામ રૂપિયા 15 કરોડના ખર્ચે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવશે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રીકો- સહેલાણીઓને એક આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. વાઘેશ્ર્વરી તળાવની આસપાસ પાળ- બાઉન્ડ્રી, લેન્ડસ્કેપીંગ ગાર્ડન, સીટીંગ એરેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ નરસિંહ મહેતા તળાવનું 10 વર્ષમાં બ્યુટિફિકેશન ન થઇ શકયું ત્યારે વધુ એક બ્યુટિફિકેશનની વાત સામે આવતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યાં છે.