દિવાળી કાર્નિવલ જેવી જ રાજકોટમાં મનપા જમાવટ કરશે
તૈયારીનો ધમધમાટ : 35 હોટલ બૂક કરાઇ : 400 ખેલાડીઓ આવશે
- Advertisement -
સ્પોટર્સનો માહોલ ઉભો કરવા રેસકોર્સ ગ્રાઉન્ડમાં દરરોજ સવારે જુદી-જુદી ગેમ્સ રમાડાશે
ખાસ-ખબર સંવાદદાતા
36મી નેશનલ ગેમ્સનું યજમાન પદ ગુજરાત રાજ્યને સોંપવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ સ્પોર્ટસ ઈવેન્ટ ગુજરાતના અલગ અલગ શહેરોમાં યોજાશે. જેમાં હોકી તેમજ સ્વિમિંગને લગતી ઈવેન્ટ્સની જવાબદારી રાજકોટને સોંપાઈ છે તેથી સ્પોર્ટસ ઓથોરિટી તૈયારી કરી રહી છે તેની સાથે જેના પર સ્વિમિંગ પુલ અને ગ્રાઉન્ડની જવાબદારી છે તે મનપાએ પણ કામગીરી આરંભી છે અને લોકોમાં સ્પોર્ટસ પ્રત્યે રસ કેળવાય તે માટે સ્પોર્ટસ કાર્નિવલ 15થી 18 તારીખ દરમિયાન કરવા આયોજન કર્યું છે. તા. 27-સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન થશે. દરમિયાન તૈયારીના ભાગરૂપે શહેરની 35 હોટલો ખેલાડીઓ માટે બૂક કરવામાં આવી છે. આ કાર્નિવલમાં 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સ્પોટર્સનો માહોલ ઉભો કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સવારે જુદી-જુદી ગેમ્સ રમાડવામાં આવશે.
મનપાએ દિવાળી કાર્નિવલનો આરંભ કર્યો હતો જેને ખૂબ સફળતા મળી હતી જોકે કોરોનાને કારણે બાદમાં શક્ય ન હતું પણ હવે તેવી જ જમાવટ સ્પોર્ટસ કાર્નિવલમાં કરાશે. કાર્નિવલ માટે મનપાના સત્તાધીશોએ સંસ્થાઓ અને સ્પોર્ટસ એસોસિએશન અને રમતગમત અધિકારી કચેરી સાથે બેઠક કરી જવાબદારીઓ નક્કી કરી હતી. મેયર ડો. પ્રદીપ ડવે અને સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, 36મી નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. જે અંતર્ગત રેસકોર્સ ખાતે હોકી મેચ અને કોઠારિયા રોડના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ ઈવેન્ટ્સ યોજાશે.
સ્પોર્ટસ કાર્નિવલ આટલી રમતોનું હશે આકર્ષણ
ફાસ્ટ વોકિંગ, હોકી ગોલ ચેલેન્જ અને ફૂટબોલ ગોલ ચેલેન્જ બાસ્કેટ બોલ અને ક્રિકેટ બોલ આઉટ, જૂડો, કરાટે, યોગા ડેમોન્સ્ટ્રેશન, મોર્નિંગ ઇવેન્ટ્સમાં ફન રન, સાઈક્લોથોન, ઝુમ્બા, સ્કેટિંગ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, દોરડા ખેંચ, આર્મ રેસલિંગ, બેલેન્સિંગ એક્ટ વગેરેનું આયોજન થશે. આ ઉપરાંત ફૂડ સ્ટોલ અને સેલ્ફી ઝોન સહિતના આકર્ષણો રહેશે. તમામ આયોજનનો સમય અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.