‘સ્માર્ટગર્લ’ એટલે છ વિભાગોમાં દીકરીઓને વ્યક્તિત્વની ઓળખ, આત્મસન્માન, આત્મબળ, માસિક ધર્મની વૈજ્ઞાનિક સમજ, સારા તથા ખરાબ સ્પર્શ સહિતના વિવિધ વિષયોની તાલીમ આપતો વર્કશોપ
- ભાવિની વસાણી
નવરાત્રિ એટલે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ. આપણે વર્ષોથી દેવીની ઉપાસના કરતા આવ્યા છીએ. પરંતુ જાણે અજાણે આપણે આપણા ઘરની લક્ષ્મી કે દીકરીની ઉપેક્ષા કરી બેસતા હોઈએ છીએ. વર્તમાન સમયમાં આસપાસ જે રીતની ઘટનાઓ ઘટી રહી છે તે જોતા દરેક દીકરી કે જે ખરેખર શક્તિ સ્વરૂપા છે તેણે પોતાની શક્તિઓની ઓળખ થવી ખૂબ જરૂરી છે. ‘ભારતીય જૈન સંગઠન’ પૂના સ્થિત એક એવી સંસ્થા છે કે જે કોઈપણ જ્ઞાતિમાં જન્મેલી સુક્ધયાને બહારની દુનિયાના પડકારોનો સામનો કરવા માટે ‘સ્માર્ટ ગર્લ’ બનવાની તાલીમ નિ:શુલ્ક ધોરણે પૂરી પાડે છે. આ સંસ્થાના ફાઉન્ડર શાંતિલાલ મૂથ્થા છે. હાલ દેશના દરેક રાજ્યમાં અનેક શહેરોમાં આ પ્રોજેકટ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 7 થી 8 લાખ દીકરીઓએ દેશભરમાં તેની તાલીમ પ્રાપ્ત કરી છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વર્ષ 2016થી હજારો દીકરીઓ આ વર્કશોપનો લાભ મેળવી રહી છે. સંસ્થાના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રેસિડેન્ટ તેમજ ‘સ્માર્ટગર્લ’ વર્કશોપના ગુજરાત હેડ એટલે રાજકોટના દર્શનાબેન કોઠારી. તેઓ વર્ષ 2008થી સંસ્થા સાથે કાર્યરત છે. તેમજ 2014થી ‘સ્માર્ટ ગર્લ’ વર્કશોપના ટ્રેઇનર તરીકે દેશભરમાં સેવા આપી રહ્યા છે. દીકરીઓને ઓલરાઉન્ડ ટ્રેનિંગ પૂરી પાડતા ’સ્માર્ટગર્લ’ પ્રોજેક્ટ વિશે તેમના મુખેથી જ સાંભળીએ. દર્શનાબેન કોઠારી જણાવે છે કે “તરુણાવસ્થામાં પ્રવેશેલી દીકરીથી માંડી કોઈપણ ઉંમરની સ્ત્રી માટે નિશુલ્ક ધોરણે ચાલતો આ વર્કશોપ પહેલા ‘એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ’ના નામથી ચાલી રહ્યો હતો. શરૂઆતમાં આ વર્કશોપ સાત દિવસનો હતો ત્યારબાદ ચાર દિવસનો થયો ત્યારબાદ ત્રણ દિવસનો થયો હતો. જરૂરિયાત અને માંગણી મુજબ સમયની સાથે તેનું સ્વરૂપ બદલાતું આવ્યું છે. અગાઉ રૂબરૂમાં અપાતી ટ્રેનિંગ હવે કોરોનાના સમયમાં ઓનલાઇન બની છે. હવે ‘સ્માર્ટ ગર્લ’ વર્કશોપ હેઠળ 6દિવસ રોજના 2 કલાક તાલીમ પવામાં આવી રહી છે. જેમાં છ વિભાગોમાં 1) વ્યક્તિત્વની ઓળખ અંગે જાગૃતિ, 2) આત્મબળ અને આત્મસન્માનની જાગૃતિ, 3)પારિવારિક સંબંધોની માવજત, 4) માસિકધર્મ અંગે વૈજ્ઞાનિક સમજ, 5)લાગણીનું સંતુલન તેમજ સર્જનમાં રૂપાંતર,6) મીડિયા અને ટેકનોલોજીનો જાગૃતિપૂર્વકનો ઉપયોગ અને ટાઈમ મેનેજમેન્ટ, 7) સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ,8) સ્વરક્ષણની વિવિધ પદ્ધતિ, 9)વાલીઓ પાસે દરેક બાબતમાં સ્વતંત્રતા મેળવવા માટે જવાબદાર બનવું,10) કપડાની પસંદગી, 11) મિત્રો, કારકિર્દી અને જીવનસાથીની પસંદગી માટે યથા યોગ્ય નિર્ણય શક્તિ 12) સુખી જીવન જીવવાની ચાવીવગેરે અંગે પીપીટી પ્રેઝન્ટેશન તેમજ ગ્રુપ એક્ટિવીટી દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.”
વધુમાં દર્શનાબેન જણાવે છે કે ‘ગુજરાતમાં કુલ 35 ટ્રેઈનર ‘સ્માર્ટગર્લ’ વર્કશોપ માટે સેવા આપી રહ્યા છે. કોરોના પહેલા 30 જેટલા વર્કશોપમાં તેમણે દીકરીઓને ટ્રેનિંગ પુરી પાડી છે. તેમજ છેલ્લા સાત મહિનામાં લોકડાઉન દરમિયાન કુલ 7 ’સ્માર્ટ ગર્લ’ વર્કશોપ દ્વારા 200 જેટલી દીકરીઓને તાલીમ આપી ચૂક્યા છે. જ્યારે દેશભરમાં 250 જેટલા વર્કશોપ યોજાયા છે. તેઓ જણાવે છે કે દર વર્ષે દીકરીઓની સ્કૂલ કે કોલેજ શરૂ થાય ત્યારે પ્રારંભિક બે-ત્રણદિવસોમાં તેમને આ કેળવણી આપી દેવામાં આવે તે જરૂરી છે. રાજકોટમાં કોટક સ્કૂલ, મોદી સ્કૂલ, તપસ્વી સ્કૂલ સહિતની સ્કૂલોમાં તેના વર્કશોપ નિયમિત યોજાય છે.એટલું જ નહીં રાજકોટની બહેરા મૂંગા શાળાની વિદ્યાર્થિનીઓ પણ તેનો લાભ લઈ ચૂકી છે. રાજકોટની કેટલીક સ્કૂલોમાં તો દરેક દીકરી માટે જાણે ’સ્માર્ટગર્લ’ વર્કશોપ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. બધી સ્કૂલો આ અંગે જાગૃત થાય અને તેને અપનાવે તે જરૂરી છે. પશ્ર્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીકરીઓને પણ તેઓ તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાતની દીકરીઓના પ્રશ્નો પણ તેમના કરતા જરા પણ અલગ નથી. વર્તમાનમાં ઘટી રહેલા અનિચ્છનીય બનાવો જોતા દરેક દીકરીઓને પોતાની સુરક્ષા જાતે જ કરવાની જરૂર છે, અને સૌ પ્રથમ તો તેના માટે દરેક સ્ત્રીએ પોતાની શક્તિને ઓળખવાની જરૂર હોય છે. નવ માસ સુધી બાળકને ગર્ભમાં રાખી શકનાર સ્ત્રી અબળા કઈ રીતે હોઈ શકે? સ્ત્રીને એ સમજાવવું જરૂરી છે કે તારે કોઇના સહારાની જરૂર નથી તું જાતે જ ઘણું બધું કરી શકે છે તું પોતે જ શક્તિ સ્વરૂપા છે. આપણે દીકરીને તું નબળી નથી તેનું શિક્ષણ આપવાની જરૂર છે જ્યારે દીકરાને અન્ય દીકરીઓને કે સ્ત્રીઓને સન્માનની દ્રષ્ટિએ જોવા માટેની સમજ આપવાની જરૂર છે.જેમાં છેલ્લા દિવસે વાલીઓને પણ બોલાવવામાં આવે છે કારણ કે દીકરીઓને આત્મવિશ્વાસ અપાવવા માટે બંને તરફથી પ્રયત્ન થવા જરૂરી છે. આ વર્કશોપ વિશે વધારે સમજવા માટે તેનો લાભ લઈ ચૂકેલી દીકરીઓ તેમજ વાલીઓ તેમના અનુભવો જાણવા જોઈએ.”
પોતાનું મહત્ત્વ સમજાયું: આત્મ-વિશ્ર્વાસ પ્રાપ્ત કર્યો: સરગમ વણઝારા
રાજકુમાર કોલેજમાં ધોરણ-10માં અભ્યાસ કરું છું. મારી ઉંમરમાં ખાસ કરીને બહારની દુનિયામાં ઉદભવતા પડકારોનો સામનો કઈ રીતે કરવો તે મને ’સ્માર્ટગર્લ’ વર્કશોપમાં શીખવા મળ્યું છે. ખાસ કરીને આત્મબળ કઈ રીતે વધારવું અને આત્મસન્માન કરવાની તાલીમ મેળવી છે. અહીં ટ્રેનિંગ દરમિયાન મારી શક્તિને ઓળખી છે અને સ્વરક્ષણ કઈ રીતે કરવું તેની વિવિધ પદ્ધતિઓ જાણી છે. અત્યાર સુધી મારુ પોતાનું મહત્વ મને સમજાયું નહોતું કોઈ પણ કાર્ય કરતી હતી પરંતુ આત્મવિશ્ર્વાસ ન હતો તે પ્રાપ્ત થયો છે.
- Advertisement -
વર્ષો બાદ હું મારી જાતને પ્રેમ કરતા શીખી ગઇ છું: નફિસા હાલા
દોઢ માસ પૂર્વે ‘સ્માર્ટગર્લ’ વર્કશોપ કર્યો હતો. વર્ષો બાદ હું મારી જાતને પ્રેમ કરતા શીખી છું અને આત્મબળ વધ્યું છે. અમને ઘણી બધી એક્ટિવિટી દ્વારા સંદેશ અપાતા હતા જેના દ્વારા એ સમજવા મળ્યું છે કે આપણી ઘણી વખત જોવા-સાંભળવામાં ભૂલ થતી હોય છે. જેથી જાતે નિર્ણય લેવામાં પણ ભૂલ થઈ શકે છે. લગ્ન પહેલા અને લગ્ન પછી કઈ રીતે જાતને તૈયાર કરવી જેથી બંને પક્ષે સરખો સ્વીકાર થાય તેની સમજ મેળવી છે. પહેલાં મને ખૂબ જ ગુસ્સો આવતો હતો પરંતુ હવે લાગણીનું સંતુલન રાખતાં શીખી છું.
પોતાનું ધ્યાન જાતે રાખવું તે સમજ મારી દીકરીમાં આવી: શગુન વણઝારા
મારી દીકરી સરગમ એ બે-ત્રણ મહિના પહેલા આ વર્કશોપ કર્યો હતો ત્યારબાદ તે જવાબદાર બની. હું ઘણી બાબતો કહેતી પરંતુ તેના ગળે ન ઉતરતી પરંતુ ‘સ્માર્ટગર્લ’ વર્કશોપ કર્યા બાદ તેને ઘણી બધી વાતો સમજાય છે, અને તે એવું માનતી થઇ છે કે દુનિયા આ પ્રકારે જ હોય છે તો આપણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. શરમાળ હોવાના કારણે ક્યારેય લાગણી પ્રદર્શિત કરી શકતી ન હતી જે હવે કરી શકે છે. નિ:શુલ્ક ધોરણે વર્કશોપ યોજીને પારકી દીકરીને પોતાની કરવા માટે સંસ્થાનો પ્રયત્ન ખરેખર આવકાર્ય છે. તમામ દીકરીઓ એ આ વર્કશોપ એકવાર જરૂરથી કરવો જોઈએ.