ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સોખડા ગામે આવેલી શાળામાં મધ્યાહન ભોજનની સંચાલિકા ધારાબેન મકવાણા અનુસૂચિત જાતિના હોવાથી તેમના હાથે રાંધેલું ભોજન શાળાના અન્ય સમુદાયના બાળકો જમતા ન હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા હતા. આ વિવાદનો અંત લાવવા ગામના સરપંચ તથા અન્ય સમુદાયના લોકોએ આ મહિલાએ રાંધેલી રસોઈ જમીને મામલાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે જમણવાર પૂર્ણ થયા બાદ એક મહિલા તેની બાળકીને પરાણે જમણવાર કરાવ્યો હોય અને તેના કારણે ઉલટી થઈ હોવાના આક્ષેપ સાથે શાળાએ પહોંચતા વિવાદ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો. સમગ્ર મામલાને લઈ છેલ્લા પાંચ દિવસથી તંત્ર, શાળાના આચાર્ય સહિત ગામના આગેવાનો દોડતા થયા છે અને જોવાનું એ રહે છે કે આ આખા મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કેવી રીતે કરવામાં આવે છે અને કોના દોરીસંચાર હેઠળ આ બધું થઇ રહ્યું છે તેની ન્યાયીક તપાસ થાય.
આ મામલે મધ્યાહન ભોજનનાં સંચાલકે રજૂઆત કરવા આવેલી મહિલા સહિતનો વિડીયો ઉતારી ધમકી આપ્યાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.