ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સહિત રાજયભરમાં મોટા ભાગની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડમાંથી પરિવારના કોઈને કોઈ સભ્યનું નામ કે કોઈ આખા પરિવારના નામને કમી કરવાની અરજી કર્યા વગર કોઈ અગમ્ય કારણોસર કમી કરવામાં આવ્યા છે. નોટબંધી, લોકડાઉન અને કોરોના મહામારીના કારણે હજારો પરિવારના રોજગાર ધંધાને માઠી અસર પહોંચી છે જેના કારણે ઘણા પોતાના પેટના ખાડા ભરવા માટે નોકરી કે કામ ધંધો શોધવા તેમજ મજૂરીઓ કરવામાં વ્યસ્ત છે ત્યારે તેઓને એક જ આધાર હોય છે કે સસ્તા અનાજની દુકાને સરકાર તરફથી વ્યક્તિદીઠ જે સસ્તા ભાવનું અનાજ મળે છે તેનાથી તેઓને રાહત મળશે, હાલમાં મોરબીના આવા ઘણા લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. આ નામો ફરીથી પોતાના રેશનકાર્ડમાં ચડાવવા માટે પોતાના કામ ધંધા છોડીને અરજદારોને રેશનકાર્ડમાં નામો ચડાવવા માટેની લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે અને આના માટે વારંવાર ધક્કોઓ પણ ખાવા પડી રહ્યા છે તો બીજી તરફ લગત મામલતદાર કચેરીના અધિકારીઓ કે કર્મચારી દ્વારા પણ અરજદારોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે જેથી મોરબીના ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી રાશનકાર્ડમાં લોકોની જાણ બહાર નામ કમી કરાયેલા અથવા રાશન કાર્ડ રદબાતલ થયેલા નામ જૂની સ્થિતિમાં લાવવા માંગ કરી છે.
મોરબીમાં જાણ વિના રેશનકાર્ડમાંથી કમી થયેલા નામોને પરત ચડાવવાના કામમાં અરજદારોને હાલાકી
