TRP સ્કેમમાં કંઈ નવું નથી, બધાં બધું જાણે જ છે, આ તો છાનું હતું તે છતરાયું થયુ
‘TRP કી મલાઈ‘ ખાતા હૈ ખદોડતા હૈ ઓર હાથ ‘લૂછતા હૈ ભારત‘!
- Advertisement -
- તુષાર દવે
માધ્યમો જાણ્યે અજાણ્યે જનમત ઘડે છે. ઘણા ખરા પત્રકારોમાં આ અંગેની સમજણ કે જવાબદારીનો અભાવ જોવા મળે છે. લાલુ પ્રસાદ યાદવ કે ડો. અબ્દુલ કલામને જીવનમાં ક્યારેય ન મળનારો વ્યક્તિ પણ જાણે છે કે લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચારી છે અને કલામ સજ્જન હતા. લાલુ પ્રસાદ યાદવે ક્યારેય તેની પાસે લાંચ ન માંગી હોવા છતાં કે કલામની સજ્જનતાનો એને કદી વ્યક્તિગત અનુભવ ન થયો હોવા છતાં તે એવું માને છે, એના દિમાગમાં એ ઠસી ગયુ છે એનું કારણ વિવિધ માધ્યમોએ એની વિચારધારાનું કરેલુ ઘડતર છે. જેને રૂબરૂ કદી ન મળ્યા હોય તેવા જાહેર કે ખાનગી જીવનના અનેક લોકો વિશે લોકોના દિમાગમાં એક છબી હોય છે. અને એ છબી મીડિયાએ ઘડી હોય છે. આ સંજોગોમાં મીડિયાએ એ અંગે સભાનતા રાખવી જ રહી કે ગેરલાયક લોકો હીરો ન બની જાય કે લોકોના દિલમાં જાણ્યે અજાણ્યે એમના પ્રત્યે સહાનુભૂતિ ન જન્મે. અથવા લોકો સમક્ષ ખોટા લોકો રોડમોડેલ તરીકે ચીતરાઈ ન જાય. એ જવાબદારી નિભાવવાની બદલે દરેક એન્કરને હીરો બની જવું છે. છવાઈ જવું છે. ભલે એમની ટીઆરપીની હોડમાં પછી દેશની સમતોલ વિચારધારાનો ખો નીકળી જતો. ભલે લોકો પાસે નીરક્ષીર વિવેક જ ન બચે. ખુદ મીડિયા પાસે એ વિવેક હોય તો લોકો સુધી પહોંચાડે ને?
ભારતીય ટીવી મીડિયાએ પોતાની ઈજ્જત અને આબરુ ક્યારનીયે ટીઆરપીના ભાવે વેંચી ખાધી હતી. ટીઆરપી સ્કેમ પણ કંઈ નવું નથી. બધાં બધું જાણતાં જ હતાં. બધી ચેનલો પોતે નંબર વનનું ટીકડુ લઈને ફૂલાઈને ફજતફાળકો થઈને ફરતી હતી એની અંદરની વાસ્તવિકતા કયાં કોઈથી અજાણી હતી? આ તો ચેનલ્સ વધુ પડતી રાજકીય બની ગઈ અને વાત રાજકીય રાયવલી પર આવી એમા ચેનલો સામ-સામે થઈ ગઈ અને છાનું હતું તે છતરાયુ થયુ ગયું. બાકી જમીની લેવલે તો પ્રાદેશિક રિપોર્ટરની સ્થાનિક લેવલે ઈજ્જત હોય એ અપવાદો બાદ કરતાં આ ટી.વી.ના ભૂંગળા લઈને ભવાઈ કરનારાઓને હવે રસ્તે ચાલનારાઓ પણ કાં તો ભાવ નથી આપતા કાં તો તમાશો જોવાના ભાવે ઊભા રહી જાય છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં તો ડિબેટના ટાઈમે એવા સ્થળોએ પ્રાયોજીત કાર્યક્રમો યોજાય છે. ભીડ ભેગી કરવામાં આવે છે. ભીડ આકર્ષિત કરવામાં આવે છે. ઢોલ-નગારા વગાડવામાં આવે છે. આ કે તે પાર્ટીના જયઘોષ ચાલતા હોય છે. કોઈ ન્યૂઝ કાર્યક્રમ નહીં, બલકે સરકસ ચાલતું હોય છે. ન્યૂઝ એન્કર્સ અને મદારીના જમુરાઓમાં ફરક કરવો અઘરો હોય છે. લોકોને પણ એ જ જોઈતું હોય છે, ખેલ ખતમ પૈસા હજમ. ખેલ દિખાકે હાથ લૂછતા હૈ ભારત…!
કોઈએ બહુ સાચુ કહ્યું છે કે દરેક દેશને એવી જ સરકાર મળે છે જેને એ લાયક હોય છે. એ વાત ભારતીય મીડિયાને અને ખાસ કરીને ટીવી મીડિયાને લાગુ પડે છે કે દરેક દર્શકને એવી જ ન્યૂઝ ચેનલ નસીબ થાય છે જે એને લાયક હોય છે.
- Advertisement -
નેપાળનો ભૂકંપ હોય, કોઈ ટેણીયુ ગટરમાં પડી ગયુ હોય, સુનંદા કેસ હોય કે પછી શ્રીદેવી કેસનું ‘બાથટબ જર્નાલિઝમ’ હોય દરવખતે આપણને લાગે કે આપણા જર્નાલિઝમનું તળિયું આવી ગયું. આનાથી હલકી કક્ષાનું આનાથી છીછરું ટી.વી. પત્રકારત્વ હોઈ જ ન શકે, ત્યાં વળી કોઈ નવો સુશાંત કેસ આવે અને એની પાછળ રિયાનો મામલો ધૂણે ત્યારે આપણને અહેસાસ થાય કે આપણે અગાઉ જોયુ એ તો કંઈ જ નહોતું, આ લોકો તો એનાથી પણ નીચે ઉતરી શકે એમ છે. ‘જોલી એલએલબી 2’ના અક્ષય કુમારનો ડાયલોગ યાદ આવી જાય કે – ‘કુછ તો શરમ કરો જનાબ.’
મીડિયાને કાયમ નેતાઓના બેજવાબદાર નિવેદનો સામે વાંધો પડતો હોય છે પણ પોતાની આવી બેજવાબદારી સમજવાનો કદાચ તેમની પાસે સમય નથી કાં તો સમજવાની જ સમજણ નથી. ટી.વી. મીડિયાની બધી જ તો ન કહી શકાય, પણ કઈ ડાલ પે ઉલ્લુ બૈઠે હૈ અંદામ એ ગુલિંસ્તા ક્યા હોગા?
માધ્યમો જાણ્યે અજાણ્યે જનમત ઘડે છે. ઘણા ખરા પત્રકારોમાં આ અંગેની સમજણ કે જવાબદારીનો અભાવ જોવા મળે છે. લાલુ પ્રસાદ યાદવ કે ડો. અબ્દુલ કલામને જીવનમાં ક્યારેય ન મળનારો વ્યક્તિ પણ જાણે છે કે લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચારી છે અને કલામ સજ્જન હતા. લાલુ પ્રસાદ યાદવે ક્યારેય તેની પાસે લાંચ ન માંગી હોવા છતાં કે કલામની સજ્જનતાનો એને કદી વ્યક્તિગત અનુભવ ન થયો હોવા છતાં તે એવું માને છે, એના દિમાગમાં એ ઠસી ગયુ છે એનું કારણ વિવિધ માધ્યમોએ એની વિચારધારાનું કરેલુ ઘડતર છે. જેને રૂબરૂ કદી ન મળ્યા હોય તેવા જાહેર કે ખાનગી જીવનના અનેક લોકો વિશે લોકોના દિમાગમાં એક છબી હોય છે. અને એ છબી મીડિયાએ ઘડી હોય છે. આ સંજોગોમાં મીડિયાએ એ અંગે સભાનતા રાખવી જ રહી કે ગેરલાયક લોકો હીરો ન બની જાય કે લોકોના દિલમાં જાણ્યે અજાણ્યે એમના પ્રત્યે સહાનુભૂતિ ન જન્મે. અથવા લોકો સમક્ષ ખોટા લોકો રોડમોડેલ તરીકે ચીતરાઈ ન જાય. એ જવાબદારી નિભાવવાની બદલે દરેક એન્કરને હીરો બની જવું છે. છવાઈ જવું છે. ભલે એમની ટીઆરપીની હોડમાં પછી દેશની સમતોલ વિચારધારાનો ખો નીકળી જતો. ભલે લોકો પાસે નીરક્ષીર વિવેક જ ન બચે. ખુદ મીડિયા પાસે એ વિવેક હોય તો લોકો સુધી પહોંચાડે ને?
એકચ્યુલી, ગ્લેમરસ જોબ સમજીને કુદી પડેલા ફૂટકણીયાઓએ આ ક્ષેત્રની ગરિમાની માયાવતી(બહેન)-જયલલિતા(અમ્મા) કરી નાખી છે. આવી ચરકટોના કારણે મીડિયા સામેના ઘણા આક્ષેપોમાં સત્યતા પણ જોવા મળે છે. જેનો હું અને લગભગ દરેક સમજુ મીડિયાપર્સન સ્વીકાર કરે જ છે. એ ચિંતાજનક પણ છે. ને મીડિયા એ અંગે સજાગ પણ થયુ છે. પરંતુ સોશ્યલ મીડિયાના પ્રતાપે આજ-કાલ દરેક લલ્લુ-પંજુ, છગન-મગન, આલિયો, માલિયો, ધમાલિયો, જમાલિયો કે લાલીયો મીડિયા પર કોમેન્ટ કરતો થઈ ગયો છે. એ પાપના રક્તબીજ મીડિયામાંથી જ પેદા થયા છે. વી આર ધ પીપલ ઓફ મીડિયા આર રિસ્પોન્સિબલ્સ.
અંતે એટલું જ કહેવાનું કે કટોકટીકાળ જોઈ ચુકેલા આ દેશમાં મીડિયા પર સરકારની કોઈપણ લગામ કે લાલઆંખ સામે સાવધાની રહેવી જ જોઈએ. પરંતુ જ્યારે ડઝનબંધ ન્યુઝ ચેનલ્સ સવા અબજની વસ્તીનો જનમત ઘડતી હોય ત્યારે સરકારી સેન્સરશિપનો ગાળિયો કસાય અને લોકમત પણ તેની સાથે સૂરમાં સૂર પૂરાવે એ પહેલા મીડિયાએ પણ કવરેજમાં નીરક્ષીર વિવેક જાળવી લેવો જોઈએ. કોઈપણ ઘટનાના વધુમાં વધુ એંગલ કવર કરીને વધુને વધુ ટીઆરપી કે હિટ્સ મેળવવાની લ્હાયમાં લોકોની નજરમાં મીડિયા સન્માન અને વિશ્વસનિયતા ગુમાવતુ જાય છે અને તાજેતરમાં જ નેપાળમાંથી ભારતીય મીડિયાને રીતસર હડધૂત કરીને કાઢી મુક્યુ હતું એ ન વિસરાવું જોઈએ. નહીં તો ચોથી જાગીરની વિશ્વસનિયતાનું બારમું થવામાં વાર નહીં લાગે. આ ટીઆરપી સ્કેમ વગેરે ઘટનાક્રમો ભારતીય ટીવી મીડિયાની બચીકુચી વિશ્વસનિયતાની કબર પર છેલ્લો ખીલ્લો સમજવો.
ફ્રી હિટ:
The media’s the most powerful entity on earth. They have the power to make the innocent guilty and to make the guilty innocent, and that’s power. Because they control the minds of the masses. -Malcolm X