સોમવારથી કુલ 338 સ્ટોલ માટેનું ફોર્મ વિતરણ
તા. 11થી 16 જૂલાઈ સુધી ફોર્મ સ્વીકારાશે
- Advertisement -
ફોર્મની ફી રૂા. 100 નક્કી કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આ વર્ષે 17 ઓગસ્ટથી પાંચ દિ’ લોકમેળો યોજાનાર છે. બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે સૌરાષ્ટ્રભરના લોકો લોકમેળાનો આનંદ માણશે. જે માટેની કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ વખતે મેળામાં કુલ 338 સ્ટોલ બનાવવામાં આવશે ત્યારે 338 સ્ટોલના ફોર્મનું વિતરણ આવતા અઠવાડિયે સોમવાર તા. 11થી 16 શનિવાર સુધી ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન પાસે તથા નાયબ કલેકટર કચેરી, પ્રાંત-1, જુની કલેકટર ઓફિસ ખાતેથી રજાના દિવસો સિવાય સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી કરાશે. ઉપરાંત ભરાયેલા ફોર્મ પણ ઉપરોકત જગ્યાએ તા. 11થી 16 જૂલાઇ દરમિયાન સ્વીકારવામાં આવશે. ફોર્મની ફી રૂા. 100 નક્કી કરવામાં આવી છે.
- Advertisement -
કલેકટર તંત્ર દ્વારા 27 જૂલાઇથી વિવિધ સ્ટોલના ડ્રો – હરરાજીની કાર્યવાહી પ્રાંત ઓફિસ , જુની કલેકટર કચેરી ખાતે યોજાશે. જેમાં રમકડાંના 178 સ્ટોલ તથા ખાણી-પીણીના 14 સ્ટોલનો ડ્રો 27મીએ સવારે 11 કલાકે યોજાશે.
જ્યારે મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 28 પ્લોટનો ડ્રો તા. 27 જૂલાઇએ સવારે 11.30 કલાકે યોજાશે. ઉપરાંત કેટેગરી કે-2ની નાની ચકરડીનો ડ્રો પણ તા. 27ના રોજ બપોરે 12 કલાકે યોજાશે. જ્યારે ખાણી-પીણીના મોટા 2 પ્લોટની હરરાજી તા. 28 ને ગુરૂવારે સવારે 11 કલાકે તથા કોર્નર રમકડાંના 32 પ્લોટની હરરાજી પણ તે જ દિવસે બપોરે 4 કલાકે પ્રાંત ઓફિસ, જુની કલેકટર કચેરી ખાતે યોજાશે. ઉપરાંત મોટી ચકરડી (યાંત્રિક)ની 4 કેટેગરીના કુલ 44 પ્લોટનું તા. 29 ને શુક્રવારના રોજ હરરાજી સવારે 11-30થી શરૂ થઇને જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલશે. તેવી જ રીતે આઇસ્ક્રીમના 16 પ્લોટની હરરાજી તા. 30 જુલાઇ ને શનિવારે સવારે 11.30 કલાકથી શરૂ થશે. જે તમામ પ્લોટનું વેચાણ ન થાય ત્યાં સુધી ચાલશે.
આમ શહેરીજનોને મહામારીના બે વર્ષ બાદ સરકાર અને તંત્ર દ્વારા પરવાનગી મળતાં લોકમેળાની આ વર્ષે રંગત માણવા મળશે. આમ બે વર્ષ બાદ લોકમેળો યોજવાની કલેકટર તંત્રએ થોડા દિવસ પહેલાં જાહેરાત કરતાં શહેરીજનોમાં આનંદ વ્યાપી ગયો છે.