પાંચ ટીમો વચ્ચે જામશે જંગ: ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન
કાલે સાંજે 5:45 વાગ્યાથી ઓપનિંગ સેરેમની
- Advertisement -
સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ: 11 જૂને ટૂર્નામેન્ટનો ફાઈનલ
ખાસ-ખબર સંવાદદાતા
ગ્લેમર અને નાણાંથી ભરપૂર એવી આઈપીએલની 15મી સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને ક્રિકેટરસિકો આગામી શ્રેણીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટરસિકોને આવતીકાલથી આઈપીએલ જેવી જ એક ક્રિકેટ ટૂર્નામેન્ટ માણવાનો લ્હાવો મળશે. કાલથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રની પાંચ ટીમો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ તેમજ રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થઈ જશે જેમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે ટક્કર થશે.
આ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ મતલબ કે ઓપનિંગ સેરેમની સાંજે 5:45 વાગ્યાથી શરૂ થઈ જશે. કાલે ગૃહમંત્રી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા પાંચેય ટીમો સાથે મુલાકાત લઈને તેમને જીત માટેની શુભકામના પાઠવશે. આ ટૂર્નામેન્ટમાં આઈપીએલ જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે જેમાં ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ થાય છે. આ સિવાય મેચ દરમિયાન પણ સુમધુર સંગીતની સૂરાવલીઓ પણ વહેતી રહેશે. બીજી બાજુ આ ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ સહિતના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે તેનું મુખ્ય આકર્ષણ ગણાશે કેમ કે આ ખેલાડીઓ તાજેતરમાં જ આઈપીએલ રમીને પરત ફર્યા છે. જયદેવ ઉનડકટ મુંબઈ ઈન્ડિયન્સ વતી, ચેતન સાકરિયા દિલ્હી કેપિટલ્સ વતી, શેલ્ડન જેક્શન કોલકત્તા નાઈટ રાઈડર્સ વતી તો પ્રેરક માંકડ પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યો છે.
એકંદરે આઈપીએલ જેવો જ રોમાંચ એસપીએલમાં પણ યથાવત રાખવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે જેનો ફાઈનલ મુકાબલો 11 જૂને સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 11 મેચમાં બે વખત ડબલ હેડર મુકાબલા પણ રમાશે જેની પ્રથમ મેચ બપોરે 3:00 તો બીજી મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
- Advertisement -
સ્ટાર સ્પોર્ટસ-2 ઉપર મેચનું લાઈવ પ્રસારણ
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની મેચોનું લાઈવ પ્રસારણ ક્રિકેટ રસિકો સ્ટાર સ્પોર્ટસ-2 ઉપર નિહાળી શકશે. આ ઉપરાંત ડિઝિટલ પ્લેટફોર્મ વી.યુ.સ્પોર્ટસ ઉપર પણ મેચને પ્રસારિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસપીએલની પ્રથમ સીઝન સુપરહિટ નિવડી હોય તેના રોમાંચમાં આ વર્ષે પણ બમણો વધારો થશે કેમ કે ગત સીઝન ટીવી ઉપર સૌરાષ્ટ્ર સહિત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવામાં આવી હતી.