4.49 લાખ રોકડ મળી 15.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના ગાદોઇ ગામની સીમના રહેણાંક મકાનમાં જુગાર રમતા 1 સ્ત્રી, 9 પુરૂષ મળી 10ને એલસીબીએ ઝડપી લીધા છે. જ્યારે જુગાર સ્થળ પરથી 15,42,660નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી વિગત મુજબ જુગારની બદીને નાબુદ કરવા ઉચ્ચ અધિકારીની સૂચના બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી અને સ્ટાફના પ્રકાશભાઇ ડાભી, દિવ્યેશભાઇ ડાભીને બાતમી મળી હતી કે, ખોખરડા ફાટકથી ગાદોઇ તરફ જવાના રસ્તે સીમમાં આમદ હાસમભાઇ સીડાનું મકાન આવેલું છે.
- Advertisement -
આ રહેણાંક મકાન ભાડે રાખી તેમાં કેશોદના ખીમા કાનાભાઇ રાઠોડ,મીણીબેન ચનાભાઇ ઓડેદરા અને વેરાવળના લાખા દેવરાજ મોરી જુગાર અડ્ડો ચલાવે છે.બાદમાં એલસીબીએ દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા બહારદુર દલ,ધનસુખ હીરપરા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ વધાવી,પરેશ દલાણી,વૃંદાવન તન્ના,સીદીક બેલીમ, સુર્યકાંત સવાણીને ઝડપી લીધા હતાં. એલસીબીએ રોકડા 4,49,160, નાલના 12,500, મોબાઇલ ફોન 9 કિંમત 81,000, 2 ફોરવ્હિલ કિંમત 10,00,000 મળી કુલ 15,42,660નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.