સ્વપ્નો આપે છે ભાવિના એંધાણ,સ્વપ્નોમાં છે સફળતાની કૂંચી
- જગદીશ આચાર્ય
ભગવાન બુદ્ધે આગલા અવતારમાં પૂર્ણબોધ પ્રાપ્ત નહોતો કર્યો ત્યારે મૃત્યુ પહેલા પોતાના એ પછીના અવતાર વિશે બહુ સ્પષ્ટ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી.”મારી માતા તાલવૃક્ષ હેઠળ ઉભી હશે ત્યારે મારો જન્મ થશે.જન્મ બાદ મારી માતા મૃત્યુ પામશે.હું ગર્ભમાં હોઈશ ત્યારે મારી માતા આટલાં આટલાં સ્વપ્નો નિહાળશે..”
એમણે સ્વપ્નોનો ક્રમ પણ વર્ણવ્યો હતો અને બન્યું પણ એવું જ.બુદ્ધનો જન્મ તાલવૃક્ષ હેઠળ જ થયો. જન્મ બાદ તેમની માતાનું મૃત્યુ પણ થયું. ગર્ભાવસ્થા દરમિયાન તેમની માતાએ અગાઉ ભાખવામાં આવેલી આગાહી અનુસારના ક્રમમાં જ સ્વપ્નો નિહાળ્યા હતા.આ સ્વપ્નોના આધારે બુદ્ધના આગમનની આગોતરી જાણકારી મળી ગઈ હતી.
ટીપુ સુલતાને પોતાના હાથે લખેલી ડાયરી લંડનની ઇન્ડિયા હાઉસ લાયબ્રેરીમાં મોજુદ છે.ટીપુએ શબ્દો ચોર્યા વગર કબુલ્યું હતું કે અનેક યુદ્ધમાં તેણે મેળવેલા મહાન વિજયોનો યશ એને સ્વપ્નો દ્વારા મળેલા માર્ગદર્શનને આભારી હતો.
રૂપસામ્રાજ્ઞની કલિયોપેટ્રાના પતિ જુલિયસ સીઝર અને અમેરિકી પ્રમુખ અબ્રાહમ લિંકનને એમની હત્યા પહેલાં સ્વપ્નો દ્વારા નોટિસ મળી ગઈ હતી કે આપણા દિવસો પુરા થઈ ગયા છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે 13મી એપ્રિલ 1942ના દિવસે બ્રિટિશ વાયુસેનાની કવાયત દરમિયાન શરતચુકથી પડેલા એક બોંબને કારણે બ્રિટિશ વાયુસેનાના 27 અધિકારીઓ માર્યા ગયા હતા.ચર્ચિલ પણ એ કવાયત જોવા જવાના હતા પણ એ પહેલાં એમને સ્વપ્નમાં ચેતવણી મળી ગઈ હતી કે ત્યાં જવામાં માલ નથી.ચર્ચિલ એ ચેતવણીને શિરોમાન્ય રાખી અને બચી ગયા. ઇ.સ.1800માં મોન્ટેગાનું યુદ્ધ થયું ત્યારે નેપોલિયન બોનાપાર્ટ મરણપથારીએ હતો.યુદ્ધની જવાબદારી એના વફાદાર સેનાપતિ સ્ટિંગલને સોંપવામાં આવી હતી.સ્ટિંગલે યુદ્ધભૂમિમાં પોતાનો વધ કઇ રીતે થશે એ એક સ્વપ્નના આધારે નેપોલિયનને જણાવી દીધું હતું.અને એ રીતે જ બન્યા બાદ નેપોલિયન પણ સ્વપ્નોને માનતો થઈ ગયો હતો.
ઇ.સ.1812માં લંડનના જ્હોન વિલિયમ્સ નામના માણસે બ્રિટનના તત્કાલીન નાણાંમંત્રી પરસીવલને ચેતવ્યા હતા,”મને દરરોજ સ્વપ્ના આવે છે.સંસદભવનમાં હત્યારાઓ તમને ગોળીથી વીંધી નાખશે.ચેતતા રહેજો..”રાબેતા મુજબ જ્હોનની હાંસી ઉડાવવામાં આવી અને પરસીવલની સંસદભવનમાં જ હત્યા થઈ.
કોલોરોડામાં 1981માં વિશ્વની બીજા નંબરની સોનાની ખાણ શોધનારા વિનફિલ્ટ સ્કોટ સ્ટેટન નામના માણસને આ ખાણની જાણકારી સ્વપ્ન મારફત મળી હતી.મજેદાર વાત એ છે કે તેના સાત વર્ષ પહેલાંજ ભૂસ્તરશાસ્ત્રીઓએ જાહેર કર્યું હતું કે એ સ્થળે પથ્થરો સિવાય બીજું કાંઈ નથી.પણ ભૂસ્તરશાસ્ત્રીઓ કરતાં સ્વપ્નો વધારે સાચા નીકળ્યા અને એક સમયે જેને દાળિયાના ફાંફા હતા એ કંગાળ વિનફિલ્ટ દુનિયાના ધનવાન લોકોની યાદીમાં આવી ગયો.
પૃથ્વીના પટ ઉપર જન્મ લેનાર દરેક માણસ દરરોજ ઊંઘમાં ઢગલાબંધ સ્વપ્નાઓ જોવે છે અને છતાં સ્વપ્નસૃષ્ટિના અનેક રહસ્યો માણસ ઉકેલી શક્યો નથી.જો કે સ્વપ્નો કઈ રીતે નિર્માણ પામે છે એ સિદ્ધાંત વૈજ્ઞાનીકો પ્રસ્થાપિત કરી ચુક્યા છે.આપણું મગજ સતત વિદ્યુત તરંગો જન્મવતું રહે છે.ઇ.ઇ.જી.(ઇલેક્ટ્રો એનસેફેલાગ્રાફ) મશીન દ્વારા આ તરંગોની સંખ્યા નક્કી કરાઇ છે.પૂર્ણ જાગૃત અવસ્થામાં એ સંખ્યા એક સેક્ધડમાં 15 થી 21ની હોય છે જેને બીટા તરંગો કહેવામાં આવે છે.
તંદ્રાવસ્થામાં એ સંખ્યા એક સેક્ધડમાં 7 થી 14 વચ્ચેની હોય છે અને તેને આલ્ફા તરંગો કહેવામાં આવે છે.
નિંદ્રાવસ્થામાં 4 થી 7 તરંગો હોય છે જેને થીટા તરંગો કહેવામાં આવે છે.અને ગાઢ નિંદ્રામાં તરંગોની સંખ્યા 4 થી ઓછી હોય છે તેને ડેલ્ટા તરંગો તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે માણસ ઊંઘ દરમિયાન દર 90 મિનિટે એક વખત 7 થી 14 તરંગો વાળી આલ્ફા અવસ્થામાં આવી જાય છે.એ સમયે બંધ આંખો હેઠળ કીકીઓ ફરવા લાગે છે જેને રેપીડ આઈ મુવમેન્ટ કહેવામાં આવે છે.એ અવસ્થામાં આપણે સ્વપ્નો જોઈએ છીએ.
આ વાત થઈ સ્વપ્નો કઇ રીતે આવે છે તેની.પણ સ્વપ્ન શું કામ આવે છે અને તેનો અર્થ અથવા તો તેની ઉપયોગીતા શું છે એનો ગળે ઉતરે એવો ખુલાસો હજુ સુધી શોધી શકાયો નથી.
મનોવૈજ્ઞાનિકો માટે સ્વપ્નો ભારે કુતૂહુલનો વિષય બની રહ્યા છે.સીગમંડ ફોઈડ,કાર્લ જુંગ વગેરે મનોવૈજ્ઞાનિકોએ સ્વપ્નોના રહસ્યો ઉકેલવા માટે ભારે કસરત કરી છે.ત્યારબાદ આધુનિક વિજ્ઞાનના ઝડપી વિકાસ સાથે કેલ્વિન હોલ,ડો.વિલિયમ ફ્રોઇડ,ચાલ્ર્સ હોરનોટોન,પ્રો.નાથાનીએલ કિલટમેન,ડો.લુઈસ વેસ્ટ,ડો.વિલિયમ ડિમેન્ટ વગેરે નામાંકિત મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકોએ સ્વપ્નોના અર્થ અને તેની ઉપયોગીતા વિશે મહત્વના સંશોધનો કર્યા છે.તેમનો મત એવો છે કે સ્વપ્નો કુદરતની અણમોલ બક્ષિસ છે.માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સ્વપ્નો જરૂરી છે.
પશ્ચિમે સ્વપ્નો ઉપર સંશોધન તો ખૂબ કર્યું પણ તેના ગૂઢ અને આધ્યાત્મિક પાસાને સમજવામાં તેને સફળતા મળી નથી.પૂર્વ એટલે કે આપણી પાસે સ્વપ્નો અંગેની ઊંડી આધ્યાત્મિક સમજણ હતી.ભૈરવ તંત્રમાં ભગવાન સદાશિવ દ્વારા સ્વપ્નો દ્વારા આત્મસાક્ષાત્કાર કરવાની ધ્યાનની પદ્ધતિ પણ આપવામાં આવી છે.
બૌદ્ધ સાધુઓએ સ્વપ્નવસ્થામાં જાગૃત રહી એસ્ટ્રલ ટ્રાવેલ નામની સાધનાપધ્ધતિ વિકસાવી હતી.તંત્ર અને યોગ બન્નેનું એ અવલોકન છે કે સ્વપ્ન તમામ સિધ્ધિઓનું પ્રવેશદ્વાર છે અને સ્વદર્શન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે.
સ્વપ્નનોના આ રહસ્યમય સાગરમાં પશ્ચિમ જગતને ડૂબકી ખવડાવવાનું કામ કર્યું ટેક્સાસના ડો.હોજે સિલ્વા નામના માણસે.આ ડો.સિલ્વા ઇલેક્ટ્રોનિક એન્જીનિયર હતા.પણ સાથે જ તેઓ હિપ્નોસીસના પણ જાણકાર હતા.પોતાના બાળકોની યાદશક્તિ તેમજ બૌદ્ધિક આંક વધારવા તેઓ હિપ્નોસીસનો ઉપયોગ કરતા હતા.
એ દરમિયાન તેમણે અનુભવ્યું કે તંદ્રાવસ્થામાં મગજ વધારે શક્તિશાળી બની જાય છે અને સામાન્ય રીતે નિષ્ક્રિય રહેતું જમણું મગજ તંદ્રાવસ્થામાં કાર્યરત બને છે.એવું માનવામાં આવે છે કે મગજના એ હિસ્સાને કલા,સર્જનાત્મકતા,
કલ્પનાશક્તિ અને અતિભૌતિક સંવેદનાઓ સાથે સબંધ છે.
તંદ્રાવસ્થામાં મગજના તરંગોની સંખ્યા 7 થી 14 વચ્ચેની એટલે કે આલ્ફા સ્તરની હોય છે.સિલ્વાની કોશિશ એ હતી કે એ અવસ્થામાં સચેતન રહી શકાય? બે દાયકાના પ્રયોગો બાદ એમાં તેમને સફળતા મળી અને તેના પરથી તેમણે “સિલ્વા માઈન્ડ ક્ધટ્રોલ” નામે એક પદ્ધતિ વિકસાવી.આજે વિશ્વના 152 દેશોના લાખો લોકો એ પદ્ધતિનો લાભ લઇ રહ્યા છે. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા આલ્ફા સ્તર દરમિયાન જાગૃત રહીને સ્વપ્નનાં રહસ્યો ઉકેલવામાં અને એટલું જ નહીં સ્વપ્નો સર્જવામાં અને એ સ્વપ્નોને સાકાર કરવામાં પણ કંઈક અંશે સફળતા મળ્યાનો દાવો થઈ રહ્યો છે.
આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ચોક્કસ ભાવ અવસ્થા દરમિયાન જાગૃત માણસ પણ અજાણપણે આલ્ફા સ્તરમાં પહોંચી જતો હોય છે અને તે અવસ્થામાં જમણા મગજ સાથે સંબંધિત ઇન્દ્રિયાતીત શક્તિઓ કામ કરવા લાગે છે.એવું માનવામાં આવે છે કે અનેક ક્રાંતિકારી શોધો તેમ જ શ્રેષ્ઠ સાહિત્ય, કલા,સંગીત કે શિલ્પનું સર્જન અજાણપણે જ આ આલ્ફા સ્તરની અવસ્થા દરમિયાન થાય છે.
અનેક લોકોને એવા અનુભવ થાય છે કે રાત્રે સૂતી વખતે કોઈ સમસ્યા વાગોળતા હોય અને સવારે ઉઠે ત્યારે અચાનક જ ઝબકી ગયેલો કોઈ વિચાર એ સમસ્યાનું નિરાકરણ લાવી આપે.
આ યોગાનુયોગ નથી.સિલ્વાએ તંદ્રાવસ્થામાં જાગૃત રહેવાની શોધેલી પદ્ધતિનો જાણ્યે અજાણ્યે અમલ થઈ ગયો હોય છે.
સવાલ એ છે કે તંદ્રાવસ્થામાં જાગૃત રહી શકાય?ઓશોએ એક સરળ પદ્ધતિ આપી છે.સૂતી વેળા આંખ ઘેરાવા લાગે ત્યારે શરીરને એકદમ ઢીલું છોડીને એટલું વિચારતા રહેવાનું છે કે આજે રાત્રે મને એક સ્વપ્ન યાદ રહેશે.પથારી પાસે કાગળ પેન રાખવાના.ઊંઘ ઉડે તે સાથેજ સ્વપ્નની જેટલી વિગત યાદ હોય તે ફટાફટ લખી લેવી.આ આદત વિકસાવવી. પરિણામ એ આવશે કે ધીમે ધીમે સ્વપ્નો આપોઆપ યાદ રહેવા લાગશે.લખવાની જરૂર નહીં રહે.આટલી નિપુણતા મેળવ્યા બાદ તંદ્રાવસ્થામાં પોતાની સમસ્યાનો મનોમન ઉલ્લેખ કરી ’એનું નિરાકરણ કરતું સ્વપ્ન આવશે’ એવા વિચાર સાથે નિંદ્રામાં સરકી જવાનું છે.તે પછી સ્વપ્ન પોતાનું કામ કરશે.
આ પ્રયોગ કરવા માટે એક પેઇસો ખર્ચવાનો નથી.એના માટે વધારાનો સમય ફાળવવાની પણ જરૂર નથી.જડ પૂર્વગ્રહ રાખ્યા વગર ખુલ્લા મને આ પ્રયોગ કરવાની માનસિકતા હશે તો સ્વપ્નોના ગૂઢ રહસ્યોના ભેદ ઉકલી જશે.ભારતીય મનીષીઓ માને છે કે જાગૃત અવસ્થામાં વાવેલા સ્વપ્નોને અને યોજનાઓને સાકાર કરવાની જડીબુટ્ટી તંદ્રાવસ્થામાં છે.આ સત્ય સમજવું ભારતીય માનસ માટે અઘરું નથી.એ સમજણ આપણી અંદર ક્યાંક ધરબાયેલી છે.આ પદ્ધતિનો પ્રયોગ કરો અને શમણાં રચો,સ્વપ્નો જોવો અને એને સાકાર કરો.આપણાં પૂર્વજો આ રહસ્યો જાણતા હતા.પણ આજે આપણે એ ભૂલી ગયા છીએ અને વિજ્ઞાનના વાઘા પહેરીને આપણીને આપણી એ પદ્ધતિઓ આજે પશ્ચિમમાંથી આયાત થઈ રહી છે.સિલ્વાએ જ્યારે પોતાની પદ્ધતિનો ભારતમાં પ્રસાર શરૂ કર્યો ત્યારે એટલે જ કહ્યું હતું કે હું કોલસાની ખાણમાં કોલસો વેંચવા જઈ રહ્યો છું…