- રાજકોટ આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનનું અનેરું આયોજન
- વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના રાજકોટ કમિટિના ભાઈઓ અને બહેનોએ ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લીધી હતી
- શુભ પ્રસંગે 11 જરૂરિયાતમંદ પરિવારને અન્ન કીટ અપાશે જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાયાર્ય મહાપ્રભુજીના 545માં પ્રાદૂર્ભાવ ઉત્સવના ઉપલક્ષમાં વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની મંગલ પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ શ્રીનાથ ધામ હવેલી ખાતે સવારે 7 થી 7.30 મંગળા દર્શન, 10.30 થી 10.45 શ્રિંગાર પલના દર્શન, બપોરે 11.30 થી 12 વાગ્યે રાજભોગ દર્શન અને સાંજના 7 થી 7.30 વાગ્યે સંદ્યા દર્શન ભીતર અને શયન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.
શોભાયાત્રાનો શુભારંભ સાંજના 5.30 કલાકે પલ્લવીબેન પ્રદીપભાઈ દેલવાડિયા મનોરથી પરિવારના નિવાસ સ્થાનેથી શાંતિવન પરમ, અંબિકા ટાઉનશીપ, જીવરાજ પાર્કથી શરૂ થશે. ત્યારબાદ શોભાયાત્રા કસ્તુરી ચોક, અંબે મંદિર, મોદી સ્કુલથી થઈને શ્રીનાથ ધામ હવેલીએ પધારશે. આ અલૌકિક શોભાયાત્રાનું સ્વાગત વિવિધ ક્ષેત્રના મહાનુભવો, સામાજિક સંસ્થાઓ અને સોસાયટી – એપાર્ટેમેન્ટ એસો.ના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવશે. આ તકે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન કમિટિના ભાઈઓ બહેનો દ્વારા ગોવર્ધન ગૌશાળાની ગાયોનું પુજન, ગાયોને લાડવા, લીલું, ગોળ અને ખોળ, ગોવાળો અને વિકલાંગ બાળકોને ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ અને નાસ્તો આપવામાં આવશે. તેમજ શ્રીનાથ ધામ હવેલી દ્વારા નિયુક્ત 11 જરૂરિયાતમંદ પરિવારોને અન્ન કીટ આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન રાજકોટના પ્રભારી રાકેશ દેસાઈ, જ્યોતિ ટીલવા, પાર્થ કનેરીયા, વિજય સેંજલીયા, હસમુખ રાણપરા, ચેરીત કોટડીયા, રવિ મકાતી, દિનેશ લાડાણી, હિરેન પારેખ, પલ્લવી દેલવાડીયા, બિંદુ રૈયાણી અને ભૂમિ મહેતા સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.