રાજકોટ યાર્ડમાં રોજ આશરે રૂ.સવા કરોડની કિંમતના 25,000 મણથી વધુ ઘઉંની આવક, અમરેલીમાં ’બંસી’ ઘઉંની આવક શરુ
ઘઉંનો મબલખ પાક છતાં ભાવ ગત વર્ષથી 20થી 25 ટકા વધુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં ઘઉંની બારમાસી ખરીદીનો ધમધમાટ શરુ થયો છે તે કંપનીઓએ પણ ઘઉંની જથ્થાબંધ ખરીદી શરુ કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ અંદાજે એકથી દોઢ લાખ મણ ટુકડા અને લોકવન ઘઉં ઠલવાઈ રહ્યા છે જેમાં લોકો દ્વારા મુખ્યત્વે ટુકડા ઘઉં જ ખરીદ કરાય છે. ગત વર્ષથી ભાવમાં 20થી 25 ટકાનો વધારો નોંધાયો છે.ઈ.સ.2020માં ઘઉંના ભાવ રૂ.300થી 375, ગત વર્ષે એપ્રિલમાં સીઝન વખતે રૂમ.330-410 પ્રતિ મણના ભાવ રહ્યા હતા જે આ વર્ષે આરંભથી જ રૂમ.430થી 550 વચ્ચે રહ્યા છે. રાજકોટ યાર્ડમાં આજે 6000 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને પ્રતિ મણના રૂમ.442-514ના ભાવ રહ્યા હતા. જસદણમાં 800 ક્વિન્ટલની આવક સાથે મહત્તમ ભાવ રૂમ.590 સુધી નોંધાયા છે તો જુનાગઢમાં રૂમ.400-489ના ભાવ વચ્ચે 1152 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ છે. અમરેલીમાં બંસી પ્રકારના ઘઉંની આવક શરુ થઈ છે, આજે 18 ક્વિન્ટલની આવક થઈ હતી જે રૂમ.434-467ના ભાવ રહ્યા હતા. રાજકોટમાં રોજ સરેરાશ રૂમ.સવા કરોડની કિંમતના 25 હજાર મણ ઘઉં ઠલવાઈ રહ્યા છે અને આ આવક વધી રહી છે. આ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ યાર્ડમાં આવક વધી રહી છે ઉપરાંત ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદી પણ થાય છે. છૂટક બજારમાં વેપારીઓ આ ઘઉં રૂમ.600થી 650ના મણ લેખે વેચે છે. આ માટે વેપારીઓનું કમિશન,નફો ઉપરાંત ઘઉંની સફાઈ કરાવીને તે વેચવામાં આવે છે. ઘઉંની સીઝનની સાથે ઘઉં સાફ કરાવાની કામગીરીથી પણ રોજગારી જનરેટ થવા લાગી છે. ઘઉંની સાથે જ સૌરાષ્ટ્રમાં ગૃહિણીઓ ઘઉંને આખુ વર્ષ સાચવવા એરંડિયા-દિવેલ લગાવતી હોય છે જે 12 મણે સરેરાશ 2 લિટર જેટલું વપરાતું હોય છે અને તેની પણ ખરીદી નીકળી છે.
દેશમાં 3 કરોડ હેક્ટરથી વધુ જમીનમાં ઘઉં વવાય છે અને ઘઉંના પાકમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે 12.25 લાખ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું હતું અને રાજ્યની કૂલ ખેતીની જમીન પૈકી 25 ટકા જમીનમાં ઘઉં વવાય છે. વિવિધ જાતના ઘઉં બજારમાં ધૂમ ઠલવાઈ રહ્યા છે. ગુજરાતમાં 90 ટકાથી વધુ અને વિશ્વમાં આશરે 35 ટકા લોકોનું પેટ ઘઉં ભરે છે.
- Advertisement -
રાજકોટમાં એક દિ’માં 2.25 લાખ મણ ચણાની આવક!
સૌરાષ્ટ્રમાં ચણા ચોર ગરમ,ફાફડાં ગાંઠિયા, સેવ, લાડુ, જેવી લોકપ્રિય વાનગી જેમાંથી બને છે તે ચણાની ધૂમ આવક થવા સાથે બજારમાં ખરીદીનો ધમધમાટ શરુ થયો છે. રાજકોટ બેડી યાર્ડમાં આજે એક દિવસમાં 40 લાખ કિલો દેશી ચણા અને 5 લાખ કિલો સફેદ ચણા સહિત 2.25 લાખ મણ ચણાની આવક થઈ હતી. તો સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડોમાં પણ ચણાની ધૂમ આવક થઈ છે. રાજકોટ બેડી યાર્ડમાં આશરે રૂા.2 કરોડની કિંમતના દેશી ચણા
ઠલવાયા હતા. પ્રતિ મણના રૂમ.890-943ના ભાવ ઉપજ્યા હતા. યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવ છતાં ચણા વેચવા ખેડૂતો યાર્ડની જ પસંદગી કરતા રહ્યા છે. ધોમધખતા તાપ વચ્ચે આવક એટલી ખરીદી ન હોય હાલ માર્કેટ યાર્ડે આવક બંધ કરાવવી પડી છે.