પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરાયું
પ્રવીણકાકાની જેમ જ તેમના નામનું શૈક્ષણિક સંકુલ રાજકોટનું ગૌરવ વધારશે : ડો. બળવંતભાઈ જાની
પ્રવીણકાકા શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તમાં પ્રમિલાબેન મણીઆર અને હંસિકાબેન મણીઆર વિશેષ ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત મારુતિનગરમાં આવેલા પ્રવીણકાકા શૈક્ષણિક સંકુલના નવીનીકરણનું ખાતમુહૂર્ત તા. 6 એપ્રિલ ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં કરવામાં આવ્યું છે. રાજકોટના મારુતિનગર વિસ્તારમાં આશરે ત્રણ હજાર વાર જગ્યામાં આવેલા પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલનું ખાતમૂહુર્ત સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીશ્રીઓ ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, કેતનભાઈ ઠક્કર સહિત શાળા પરિવારના સભ્ય હસુભાઈ ખાખી, રણછોડભાઈ ચાવડા, કે. બી. શાહ, પ્રમિલાબેન પ્રવીણભાઈ મણીઆર, હંસિકાબેન અરવિંદભાઈ મણીઆર, દિપાલીબેન અપૂર્વભાઈ મણીઆરના હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલનાં ખાતમૂહુર્ત પ્રસંગે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, આજથી ચાલીસ વર્ષ પૂર્વે 1983માં પી.વી. દોશી સાહેબ અને પ્રવીણકાકા દ્વારા શરૂ થયેલું સરસ્વતી શિશુમંદિર સમય પસાર થતા નિરંતર વિકાસ પામતું ગયું હતું. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મારુતિનગર બાદ રણછોડનગર, નવા થોરાળા અને જસદણમાં પણ સરસ્વતી શિશુમંદિરના કે.જી. થી ધો. બાર સાયન્સ-કોમર્સ સુધીના સંકુલો શરૂ કરવામાં આવ્યા હતા.
પી.વી. દોશી સાહેબ અને પ્રવીણકાકા દ્વારા સ્થાપેલા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા ચાર દસકથી શૈક્ષણિક ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક, સેવાકીય, અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
સમાજને સદાય ઉત્તમ અને ઉપયોગી આપવું એ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટની પરંપરા છે ત્યારે હવે આજના સમયની માંગ અને શિક્ષણની જરૂરિયાત અનુસાર રાજકોટના મારુતિનગરમાં આવેલું પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલ ટૂંકસમયમાં નવીનીકરણ પામી વધુને વધુ સફળતાનાં સોપાનો સર કરશે.
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરોનાં આરંભથી લઈ આજ સુધી સર્વે સમાજનો જે પ્રકારે સાથ-સહકાર મળ્યો છે તે પ્રકારનો સાથ-સહકાર આવનારા સમયમાં મળી રહેશે અને સૌરાષ્ટ્ર-રાજકોટને સૌના સહિયારા પ્રયત્નોથી એક અતિ અદ્યતન શૈક્ષણિક સંકુલની ભેટ મળશે એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.
આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ જણાવ્યું હતું કે, રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં આધુનિક સુખ-સુવિધાઓથી સજ્જ હવા – ઉજાસવાળા હરિયાળા સંકુલ સાથે વિશાળ મેદાન જેમાં રમતગમત અને પાર્કિંગની વ્યવસ્થાથી લઈ તમામ પ્રકારની અદ્યતન પ્રણાલી વિદ્યાર્થીઓ માટે એક જ સ્થળે ઉભી કરવાનું પી.વી. દોશી સાહેબ અને પ્રવીણકાકાનું સપનું હતું.
- Advertisement -
આ બંને મહાનુભાવોનું સપનું સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. રાજકોટના મારુતિનગર વિસ્તારમાં આવેલું પ્રવીણકાકા શૈક્ષણિક સંકુલને શિક્ષણજગતમાં રોલમોડેલ કહી શકાય તેવા શૈક્ષણિક સંકુલમાં નવીનીકરણ કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ખાતમુહૂર્તની આ શુભ ઘડીએ પૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે એટલું ચોક્કસથી કહી શકાય કે, જે રીતે પ્રવીણકાકાએ સૌને ઉપયોગી બની સમાજ સેવા કરી હતી તે રીતે નૂતન પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલ સૌને ઉપયોગી બની શિક્ષણ સાથે સમાજ સેવાના કાર્ય કરશે અને રાજકોટનું ગૌરવ વધારશે એવું બળવંતભાઈ જાનીએ અંતમાં જણાવ્યું હતું.



