જૈન વિઝન ટીમનું સુંદર આયોજન: 13મીએ મહાવીર નામ લઈએ, 14મીએ ડાયરો
21મી સદીનું જૈન દર્શન પર જૈન વિઝનના ઉપક્રમે યોજાયાં વક્તવ્યો: ડૉ. શરદ ઠાકર, ડૉ. રમઝાન હસણિયા, જ્વલંત છાયાએ પણ કરી જૈનિઝમના આધુનિક સંદર્ભની વાતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની જૈન વિઝન સંસ્થાના ઉપક્રમે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના ઉપલક્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ કાર્યક્રમોની હારમાળા શરુ થઈ છે એના પ્રથમ સોપાન રુપે તા. 6ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે 21મી સદીનું જૈન દર્શન વિષય પર ગુજરાતના નામંકિત વક્તાઓના વક્તવ્યો યોજાયા હતા. શ્રોતાઓએ ભાવથી આ પ્રવચનો સાંભળ્યા હતાં અને કાર્યક્રમને બિરદાવ્યો હતો.જાણીતા લેખક, વક્તા ડો. શરદ ઠાકરે પોતે પોતાની કોલમ્સમાં જે કિસ્સાઓ લખ્યા હોય તેની વાત કરી હતી અને પોતાના જૈન સાધુ સંતો સાથેના અનુભવો, જૈન શ્રાવકો સાથેનું અનુસંધાન વિશે વાત કરી હતી. એમણે કહ્યું કે આ પૃથ્વી પર અનેક ધર્મો છે જે જીવો અને જીવવા દોની વાત કરે છે. જૈન અને સનાતન ધર્મ એવા છે જે ત્યાં સુધી જાય છે કે ભલે અમે મરી જઈએ પરંતુ તમને જીવાડશું. એમણે કહ્યું કે મને પગમાં વાગે અને જે અનુભવ થાય તે મારી વેદના કહેવાય પરંતુ તમને પણ વાગે તો ય મને પીડા થાય તો એ મારી સંવેદના છે. જૈનદર્શન એટલે આ સંવેદના.
પોતાના જીવનમાં 400 થી 500 જૈન સાધુ-સંતોને પોતે મળ્યા છે. એમના અનુરાગ અને અનુભવોનું વર્ણન એમણે કર્યું હતું.ભુજથી આવેલા ડો. રમઝાન હસણિયાએ જૈન સ્તવનો ગાઈને, સૂત્રો બોલીને પોતાની વાત મૂકી હતી. યુવાન પ્રાધ્યાપક ડો. રમઝાનનો જૈન ધર્મ પરનો અભ્યાસ જોઈને ઉપસ્થિત સૌ કોઈ પણ મંત્ર મુગ્ધ બની ગયા હતા. એમણે કહ્યું કે આવું દર્શન કોઈ એક સદીનું ન હોય તે તો શાશ્ર્વત અને સનાતન હોય.
- Advertisement -
જૈન મુનિઓએ રચેલા સ્તવનોમાં જીવનદર્શનની વાતોનો એમણે સુપેરે ઉલ્લેખ કરીને પોતાની વાત રસાળ રીતે મૂકી હતી અને જૈન દર્શન આત્મના ઉદ્ધાર કે ફક્ત વ્યક્તિલક્ષી વિકાસમાં નહીં પરંતુ જગતના કલ્યાણમાં માને છે એવુ કહ્યું હતું.એક જૈનેતર હોવા છતા તેમનો ગહન અભ્યાસ અને રજુઆત થકી ઉપસ્થિત શ્રાવકો એ તાળીઓના ગડગડાટ થી રમજાનભાઇ ને બીરદાવ્યા હતા.ચિત્રલેખા સામયિકના રાજકોટ સ્થિત પત્રકાર વક્તા જ્વલંત છાયાએ જૈન દર્શનમાં અનેકાંતદર્શન વિશે વાત કરી હતી. એમણે કહ્યું કે અહિંસા સંદર્ભે આપણે અનેક ગેરમાન્યતાઓ પાળીને બેઠા છીએ. કોઈ આતંકી હુમલો કરે તો એની સામે ગોળી છોડવી જ પડે ત્યાં અહિંસા ન ચાલી શકે. પરંતુ અહિંસા મૂળ તો આચારથી પહેલાં વિચાર છે. વૈચારિક રીતે વ્યક્તિ હિંસક હોય અને બહાર અહિંસાની વાત કરે એનો અર્થ નથી. એમણે કહ્યું કે આતંકવાદીને મારવા તો ગોળી જ જોઈએ, આતંકવાદને મારવા માટે મહાવીર પાસે જવું પડે. અનેકાંત સિદ્ધાંત આજના સમયની અનિવાર્યતા છે.
શસ્ત્રો વગરના લડાઈ રહેલા યુદ્ધોના નિવારણમાં તે ઉપયોગી છે. મારો જ વિચાર સાચો અને તું ખોટો તેવું કહેવું એ પણ સૂક્ષ્મ હિંસા છે. એમણે કહ્યું કે કોઈને મારી શકે તે વીર છે પરંતુ કોઈને તારી શકે એ મહાવીર છે.કાર્યક્રમ ના ઉદઘાટન તરીકે નામાંકિત બિલ્ડર અને જૈન શ્રેષ્ઠી શ્રી જીતુભાઇ બેનાણી અને અગ્રણી ઉધોગપતિ શ્રી રાજુભાઇ દોશી દ્વારા કરવામાં આવેલ હતું .કાર્યક્રમની શરુઆતમાં સહકારી અગ્રણી, જૈન શ્રેષ્ઠી જ્યોતીન્દ્રભાઈ મહેતાએ અને ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતાએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સમગ્ર ટીમના આયોજનને બિરદાવ્યું હતું. અમિનેષ રૂપાણી,ડો.દર્શિતા શાહ, જયેશભાઇ શાહ, સુનિલભાઇ શાહ ,પ્રવીણભાઇ કોઠારી ,ચંદ્રકાંતભાઇ શેઠ,ડો.હીરેન કોઠારી, દીપકભાઈ મહેતા, કેતનભાઇ શેઠ,ઋષભભાઇ શેઠ,હેમલભાઇ મહેતા , પારસભાઇ ખારા, મિતુલભાઇ વસા , નિલેશભાઇ દેસાઇ, હર્ષીલભાઇ શાહ, દર્શન શાહ જયવંતભાઇ મહેતા, અનીષભાઇ વાધર, દિપકભાઇ પટેલ સહિત ના આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત પ્રવચન જૈન વિઝનના મિલન કોઠારીએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ટીમ જૈન વિઝન અને મહિલા વિંગે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમ નું સફળ અને પ્રવાહી સંચાલન શ્રી સંજય મહેતા એ કરેલ હતું . આભાર દર્શન શ્રી સુનિલ કોઠારી દ્વારા કરવામાં આવેલ હતું .



