ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની જનતાને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તેવા હેતુથી ચાલી રહેલા વિકાસ કામોનુ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાત નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ શહેરની મધ્યમાં બની રહેલી ઝનાના હોસ્પિટલ, હોસ્પિટલ ચોક ખાતે બની રહેલો બ્રિજ, ઈશ્વરીયા પાર્ક તથા રીજીયોનલ સાયન્સ સેન્ટર નો સમાવેશ થાય છે. રાજકોટ શહેરની મધ્યમાં બાર માળની અને અંદાજીત રૂ. 70 કરોડના ખર્ચે 31,200 ચો.મીના કુલ બિલ્ટ અપ એરિયામાં નવનિર્માણ પામી રહેલી ઝનાના મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલની જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો કર્યા હતા. આ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ માટે 200 બેડ તથા બાળકો માટે 300 બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ત્યાર બાદ મંત્રીએ રાજકોટ શહેરની મધ્યમાં આવેલા હોસ્પિટલ ચોક ખાતે બની રહેલા બ્રીજની મુલાકાત લીધી હતી તેમજ તેનુ નિર્માણકાર્ય નિહાળીને તમામ વિગતો મેળવી હતી. બાદમાં ઈશ્વરીયા પાર્કની મુલાકાત લીધી હતી. રાજકોટના ઈશ્વરીયા પાર્ક નજીક અંદાજીત રૂ. 80 કરોડના ખર્ચે રીજીયોનલ સાયન્સ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી.



