રાજકોટ જિલ્લા કલેક્ટરે માધવપુરના મેળા અને સુમન યોજના વિશે મીડિયા સાથે કરી વાતચીત
ત્રણ હેલિકોપ્ટરનો કાફલો રાજકોટ પહોંચશે, સિવિલ હોસ્પિટલનો વોર્ડ ઇમરજન્સી માટે રખાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચૈત્ર સુદ નોમથી તેરસ દરમિયાન પોરબંદરના માધવપુરમાં યોજાતા મેળાનો 10મી એપ્રિલથી પ્રારંભ થશે. પાંચ દિવસીય મેળાનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત પૂર્વોતર રાજ્યના મુખ્યમંત્રીઓ અલગ અલગ દિવસે હાજરી આપશે. જે અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી તા.10થી 14 એપ્રિલ દરમિયાન યોજાનાર માધવપુરના મેળાનું જીવંત પ્રસારણ રાજકોટના ઈસ્કોન મોલ અને મોટી હવેલી ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટમાં ટુંકુ રોકાણ કરશે. જેને લઈને ત્રણ હેલિકોપ્ટરનો કાફલો રાજકોટ પહોંચશે. તેમજ સિવિલ હોસ્પિટલનો એક વોર્ડ ઇમરજન્સી સારવાર માટે રખાયો છે તથા સર્કિટ હાઉસ પણ ફૂલ રહેશે.
આગામી તા.10મીથી માધવપુરના મેળાનો પ્રારંભ થનાર છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત 8 જેટલા રાજ્યના મુખ્યમંત્રીઓ મેળો માણવા આવનાર છે. મેળાની ઈન્ટરનેશનલ કક્ષાએ ઓળખ થાય તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.
- Advertisement -
આ માટે સાત જિલ્લાના કલેકટરોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટમાં આવેલી 112 જેટલી હવેલીઓને શણગારવામાં આવનાર છે. તેમજ અન્ય નાના-મોટા મંદિરોને પણ સુશોભિત કરવામાં આવનાર છે. મેળો રાજકોટ ઉપરાંત અન્ય લોકો માણી શકે તે માટે ટૂર ઓપરેટરો દ્વારા પેકેજ આપવામાં આવનાર છે. આ ઉપરાંત દ્વારકા, સોમનાથ સહિતના મોટા મંદિરોમાં માધવપુર મેળાનું લાઇવ પ્રસારણ થશે.
સગર્ભા માતાઓ માટે સુમન સ્કીમ લોન્ચ થશે, તમામ સારવાર મફત મળશે
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સગર્ભા મહિલાઓ માટે સુમન સ્કીમ લોન્ચ કરી રહી છે. જે અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે એમ્બ્યુલન્સની સુવિધા, ત્રિમાસિક રિપોર્ટ, નોર્મલ ડિલિવરી માટે પ્રોત્સાહન અને સરકાર 104 ટોલ ફ્રી નંબર લોન્ચ કરશે. આ સ્કીમ અંતર્ગત બાળકના જન્મથી લઈને એક વર્ષ થાય ત્યાં સુધી તમામ મેડિકલ રિપોર્ટસ અને સારવારને ફ્રીમાં કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે ઓનશોર કમિટીની બેઠક, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના કલેક્ટર ભાગ લેશે
કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હેઠળ કામ કરતી ઓનશોર કમિટીની બેઠક આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાં નાખવામાં આવતી મથુરા પાઈપલાઈન અંગેની ચર્ચા થશે જેમાં પાંચ જિલ્લાના કલેક્ટરો તેમા ભાગ લેશે. ઓનશોર કમિટી ઓઈલ એસેટ્સનું ચેકિંગ કરે છે. ઓઈલની પાઈપલાઈન, સ્ટોક, ટેન્ક અને ઓઈલ અને પેટ્રોલનું સપ્લાય થાય ત્યા સુધીની તમામ સેફ્ટી અને સિક્યોરિટીની જવાબદારી ઓનશોર કમિટીની હોય છે.



