ચોક્કસ દિશામાં તપાસ થશે: આધાર પુરાવાઓ સાબિત નહીં થાય તો કેન્ટીનનો કબ્જો લઈ લેવાશે: ભૂપત બોદર
રાજકોટની જિલ્લા પંચાયત કચેરીમાં છેલ્લાં ઘણાં સમયથી ખુલ્લેઆમ કેન્ટીન ધમધમતી હતી જે અંગે ‘ખાસ-ખબર’ દ્વારા સાચી હકીકત રજૂ કરતાં આ કેન્ટીન બંધ કરવા અને તપાસ કરવાના આદેશ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે આપ્યા છે તથા આ અંગે વહેલી તકે ચોક્કસપણે ઘટતું કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. આમ ‘ખાસ-ખબર’ના પડઘા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. વધુમાં આ કેન્ટીન ધારકને રાજકોટ જિલ્લા પંચાયતના જાગૃત પ્રમુખ ભૂપત બોદરે તપાસના આદેશ આપી નોટીસ ફટકારી હતી. ઘણાં સમયથી જિલ્લા પંચાયત કચેરીમાં ગેરકાયદે અને કોઈપણ આધાર પુરાવા વગર ચા-નાસ્તાની કેન્ટીન ચલાવતા રાજુ ચૌહાણ અને બન્ટી ચૌહાણે આ કેન્ટીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. ઉપરાંત આ અંગે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કેમ થઈ નથી? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા હતા. પરંતુ ‘ખાસ-ખબર’ ના ખાસ અહેવાલ બાદ ભૂપત બોદરે તપાસના આદેશ આપી અને આ કેન્ટીનનું મેન્ટેનન્સ, વેરો, લાઈટ બિલ સહિતના આધાર-પુરાવાઓ રજૂ કરવા કેન્ટીન સંચાલકને નોટીસ પાઠવી હતી.
અંતે જાગૃત પ્રમુખ ભૂપત બોદરે આપ્યા તપાસના આદેશ
લગભગ 2014થી જિલ્લા પંચાયત કચેરીમાં ગેરકાયદે ચા-નાસ્તાની કેન્ટીન ચલાવતા રાજુ ચૌહાણ અને બન્ટી ચૌહાણ સામે ભૂપત બોદરે તપાસના આદેશ આપી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી છે. આમ, આ અંગે પ્રશ્ર્ન કરતાં ભૂપત બોદરે જણાવ્યું હતું કે આ કેન્ટીન અંગે ચોક્કસ દિશામાં તપાસ થશે અને જો પુરાવા સાબિત નહીં થાય તો કેન્ટીનનો કબ્જો જિલ્લા પંચાયત સંભાળશે તેવું જણાવેલ હતું.



