સમયસર લોનનો હપતો નહીં ભરાતાં ઉઘરાણી પૂરી કરવા માટે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દ્વારા અત્યંત વિકૃત પગલું ભરવામાં આવ્યું
સરળતાથી મોબાઇલ એપ પરથી લોન લેનાર અમદાવાદના એક વેપારીની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ છે. સમયસર લોનનો હપતો નહીં ભરાતાં ઉઘરાણી પૂરી કરવા માટે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દ્વારા અત્યંત વિકૃત પગલું ભરવામાં આવ્યું છે.
ઉઘરાણી માટે ફાઇનાન્સ કંપની દ્વારા વેપારીની પત્નીના જે ફોટા લોન વખતે આપવામાં આવ્યા હતા એને મોર્ફ કરીને નગ્ન સ્ત્રીના બોડી પર સેટ કરી અશ્લીલ ફોટા તૈયાર કરી વેપારી અને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં જ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેથી ભાંગી પડેલા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ-ઇન્સ્પેકટર આર.એમ સરોદેની ટીમે આ કૃત્ય કરનારને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો છે અને તેની સામે કડક પગલાં લેવા કવાયત શરૂ કરી છે.
વિચિત્ર ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે શહેરના પોશ વિસ્તારમાં રહેતો મોન્ટુ પત્ની રિન્કુ સાથે રેડીમેડ ગાર્મેન્ટસનો બિઝનેસ સંભાળે છે. લોકડાઉનમાં ધંધામાં ખાસ્સી મંદી અને નુકસાન જતાં મોન્ટુને રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેને પગલે તેણે બેંકમાંથી કે ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવા માટે કવાયત શરૂ કરી હતી. જોકે તેનું સીબીલ યોગ્ય નહીં હોવાથી લોન મળવાની સંભાવના ઓછી હતી. ત્યારે જ તેને મિત્રએ હવે મોબાઇલ એપ પરથી પણ લોન મળતી હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
જેને પગલે મોન્ટુએ હેન્ડ કેશ નામની એપ પરથી લોન લીધી હતી. તેણે પત્નીના નામે પણ લોન લીધી હતી. હવે નિશ્ચિત સમયમાં લોન ભરવામાં મોન્ટુ અને રિન્કુ નિષ્ફળ ગયા હતા. જેને પગલે હેન્ડ કેશમાંથી તેના ઉપર કોલ આવ્યો હતો અને લોન નહીં ભરવાના મુદ્દે ગાળાગાળી કરી હતી. આટલું જ નહિ ઉઘરાણી પુરી નહિ થતાં હેન્ડ કેશના ઉઘરણી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ વિકૃત હરકત કરી હતી.



