ઉમેશના તરખાટ બાદ રસેલનો ઝંઝાવાત
ઉમેશ યાદવની 4 વિકેટ, રસેલના 31 બોલમાં સાથે અણનમ 70 રન: પંજાબ માત્ર 137 રનમાં ખખડ્યું : કોલકાતાએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી
ઉમેશ યાદવે માત્ર 23 રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ રસેલે 31 બોલમાં અણનમ 70 રન ફટકારતાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સ સામેની આઇપીએલ ટી-20માં છ વિકેટથી આસાન જીત હાંસલ કરી હતી. કોલકાતાના બોલરોએ પંજાબ કિંગ્સને 18.2 ઓવરમાં માત્ર 137 રનમાં ખખડાવી દીધું હતુ. જવાબમાં કોલકાતાએ 14.3 ઓવરમાં જ ચાર વિકેેટે 141 રન કરીને મેચ જીતી લીધી હતી. કોલકાતાનો આ ત્રીજી મેચમાં બીજો વિજય હતો. જ્યારે પંજાબને બીજી મેચમાં પહેલી હારનો સામનો કરવો પડયો હતો.
અગાઉ કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પંજાબને બેટિંગમાં ઉતાર્યું હતુ. કોલકાતાના બોલરોએ પંજાબ પર પ્રભુત્વ જમાવ્યું હતુ અને નિયમિત અંતરે વિકેટો ઝડપી હતી. પંજાબની ટીમે સ્કોરને 137 સુધી પહોંચાડયો હતો. ઉમેશ યાદવે 23 રનમાં 4 વિકેટ ઝડપતાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
- Advertisement -
જીતવા માટેના 138ના ટાર્ગેટનો પીછો કરતાં કોલકાતાએ માત્ર 38 રનમાં બંને ઓપનરો ગુમાવ્યા હતા અને સ્કોર 51 રને પહોંચ્યો ત્યારે ઐયર પણ આઉટ થઈ ગયો હતો. નિતિશ રાણા ખાતુ ખોલાવી શક્યો નહતો. હવે તેમને જીતવા માટે આખરી 13 ઓવરમાં 87 રન કરવાના હતા. રસેલે આક્રમક બેટિંગ કરતાં 31 બોલમાં 8 છગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ 70 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.



