કેન્ટીન સંચાલક પાસે કોઈ જ પ્રકારની મંજૂરી નથી
ટોકનદર કે વાજબી ભાવને બદલે ખાદ્યપદાર્થોનો બજારભાવ લેવાય છે!
લાઈટ બિલ અને પાણીવેરો પણ જિલ્લા પંચાયત ભોગવી રહી છે!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોઈપણ સરકારી કચેરીમાં કેન્ટીન વગેરે કરવાની હોય ત્યારે તેનાં ટેન્ડર બહાર પડે છે અને પછી સૌથી નીચું ટેન્ડર જેનું આવે તેને કેન્ટીન ફાળવવામાં આવે છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ લેનાર પાર્ટીએ ભાવપત્રક પણ આપવાનું હોય છે. કારણ કે, વાજબી ભાવ હોય એ પણ એક માપદંડ છે. માર્કેટિંગ યાર્ડ જેવાં સ્થળોએ ખેડૂતો માટે વાજબી દરની કેન્ટીન હોય જ છે. પરંતુ કહેવાય છે કે, રાજકોટની એક સરકારી કચેરી એવી છે – જ્યાં કેન્ટીન તો છે પણ કેન્ટીનધારક સાથે કચેરીનો કોઈ જ કોન્ટ્રાક્ટ થયો નથી અને ટેન્ડરિંગ પણ થયું નથી. વળી અહીં ટોકન દરે કે વાજબી ભાવે કશું જ મળતું નથી. ચા માટે વીસ રૂપિયા ચૂકવવા પડે છે અને ભાણા માટે 100 રૂપિયા! ટૂંકમાં બધું જ બજારભાવે! આ કચેરી છે, રાજકોટ જિલ્લા પંચાયત.
જો, સુત્રોની વાત સાચી હોય તો આ વાસ્તવિકતા ખરેખર શરમજનક છે. અહીં રાજુ ચૌહાણ અને બન્ટી ચૌહાણ નામનાં શખ્સો લગભગ 2014થી કેન્ટીન ચલાવે છે. પરંતુ સુત્રો મુજબ તેમની પાસે કોન્ટ્રાક્ટ પણ નથી અને કોઈ મંજૂરી પણ નથી, કદાચ ફૂડ લાયસન્સ પણ નથી.
- Advertisement -
વાત અહીંથી અટકતી નથી. અહીંનું લાઈટ બિલ, પાણીવેરો વગેેરે તમામ બિલની ચૂકવણી પણ જિલ્લા પંચાયત જ કરે છે. કહેવાય છે કે, આ કેન્ટીનનો કબ્જો રાજુ ચૌહાણને એક ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે અપાવ્યો હતો. માછલીની આંખનું નિશાન પણ તાકી શકતાં ખટારા જેવાં આ પ્રમુખને એવો તો કેવો પ્રેમ ચૌહાણ પર ઉભરાયો હશે? શા માટે આ કેન્ટીન નિ:શુલ્ક તાસકમાં ધરી દેવાઈ? આ કેન્ટીન ખાલી કરાવી તેનું ટેન્ડરિંગ શા માટે થતું નથી? ‘ખાસ-ખબર’ને આ બધાં પ્રશ્ર્નોનાં સંતોષકારક જવાબનો ઈન્તેઝાર રહેશે.
અગાઉ કેન્ટીન બાબુભાઈ પાસે હતી, પછી….
વર્ષ 1965 આસપાસ રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ બન્યું ત્યારે આ કેન્ટીનની સ્થાપના એક ચોક્કસ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. રજૂઆત માટે આવતાં ગામડાંનાં લોકો, ખેડૂતો, અરજદારો વગેરેને વાજબી દરે ભોજન, નાસ્તો-ચા-પાણી વગેરે મળી રહે એ હતો ઉદ્દેશ્ય. બાબુભાઈ નામનાં સજ્જને આ કેન્ટીન ખૂબ સારી રીતે ચલાવી. પરંતુ પછી તેમનું માનસિક સંતૂલન બગડ્યું અને કેન્ટીન બંધ થઈ ગઈ. પરંતુ સુત્રો કહે છે કે, વર્ષો સુધી બંધ રહ્યા પછી એક ખાઉધરા નેતાનાં શાસનમાં કેન્ટીનનાં તાળાં તોડવામાં આવ્યા અને રાજુ ચૌહાણને રહસ્યમય રીતે કબ્જો સોંપાઈ ગયો.
રાજુ ચૌહાણ વગેરે સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કેમ નહીં?
રાજુ ચૌહાણ-બન્ટી ચૌહાણે જો ખરેખર આ પ્રકારે આ કેન્ટીન પર કબ્જો જમાવ્યો હોય તો- તે તદ્દન ગેરકાયદે છે. તેની પાસે કોઈ જ આધાર-પુરાવા છે? સવાલ એ છે કે, શું આ એક પ્રકારની પેશકદમી ન ગણાય? પ્રશ્ન એ પણ છે કે, જો આ ખરેખર જ પેશકદમી છે તો પછી તેમની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ શા માટે ન થઈ શકે? ખરેખર તો આવી કોઈ લાંબી કાનૂની વિધિની પણ જરૂર નથી. જિલ્લા પંચાયત ઈચ્છે તો પોલીસને સાથે રાખી બે-ચાર કલાકમાં જ કેન્ટીન ખાલી કરાવી શકે. પરંતુ, આવું થશે ખરૂં?


