બંને પક્ષ આમને-સામને આવી જતા ભારે હોબાળો
શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા ભાનુબેન સોરાણીએ પ્રશ્ર્નો ઉઠાવ્યા
રાજકોટ સ્માર્ટ સિટી અંતર્ગત છ કામો પૂર્ણ, અન્યની કામગીરી ઝડપી: મ્યુ. કમિશનર અરોરા
ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ મળેલ રાજકોટ મહાનગરપાલિકાની એક કલાકની જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ સામસામે આવ્યા હતા. જેમાં કોંગ્રેસના વોર્ડ નં. 15ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ રાજકોટના વિકાસના કામો, પાર્કીંગ અને ટ્રાફિક સમસ્યાઓ તથા વોર્ડવાઈઝની સંપૂર્ણ માહિતી માંગતો પ્રશ્ર્ન મેયર ડો. પ્રદિપ ડવ, મ્યુ. કમિશનર અમિત અરોરા સામે મૂક્યો હતો તથા એક કલાકની બોર્ડમાં શાસક વિપક્ષ નેતાઓએ સામસામે આક્ષેપો કર્યા હતા. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પ્રોપર્ટી ટેક્સમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને રાહત આપવા માગ કરી હતી.

- Advertisement -
આજરોજ મનપા જનરલ બોર્ડમાં 20400 જેટલા રેસિડેન્ટ અને કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપી હતી તથા 50 સાઈટ પે એન્ડ પાર્કીંગ ઉભા કરવામાં આવ્યા છે જેમાં 37 સાઈટ કાર્યરત છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. ભાનુબેન સોરાણીએ રાજકોટની પ્રજાના પ્રશ્ર્નો, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંગેના પ્રશ્ર્નો રજૂ કર્યા જેની શાંતિપૂર્વક સંપૂર્ણ માહિતી અને વિકાસના ખર્ચની માહિતી મ્યુ. કમિશનરે આપેલ હતી. ભાનુબેન સોરાણી બાદ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું કે કોરોનાની મહામારી વચ્ચે જીમ્નેશિયમ અને હોટેલના પ્રોપર્ટી ટેક્સ બાદ થઈ શકતા હોય ત્યારે અમે નાના ઉદ્યોગકારો અને નાના દુકાનદારોના પ્રોપર્ટી ટેક્સ પણ માફ કરવા અંગેનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. ટ્રાફિક માટે કુલ 15 કરોડના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે તે અંગે પણ આરોપો મૂક્યા હતા. પ્રશ્ર્નોની મારામારી સામે જયમીન ઠાકરે આકરા આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસને કાંઈ હક નથી પૂછવાનો, કોંગ્રેસના લોકો કાશ્મીરને ખાઈ ગયા હતા. વધુમાં મેયર ડો. પ્રદિપ ડવેએ કહ્યું કે કોંગ્રેસમાં કંઈ દમ નથી. ભાજપ તેનું કામ સારી રીતે કરે છે. આ અંગે વધુમાં નેહલ શુક્લે પણ પે એન્ડ પાર્કીંગ માટે કેટલા પૈસા વસુલવામાં આવશે તથા ખોટી રીતે વસુલવામાં આવતા પૈસા સામે શું જોગવાઈ છે તે અંગેનો પ્રશ્ર્ન કર્યો હતો.

આ તકે વધુમાં મ્યુ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી અંતર્ગત કુલ 13 પૈકી છ કામો પૂર્ણ થયા છે તથા અન્યની કામગીરી પૂરઝડપે ચાલુ છે. આ ઉપરાંત મેયરે જણાવ્યું કે રામનાથ મહાદેવ નવીનીકરણ અને આજી રીવરફ્રન્ટના પ્રોજેક્ટ પર સરકાર કામ કરી રહી છે જેથી આ પ્રોજેકટ પણ વહેલી તકે પૂર્ણ કરવાની ખાત્રી અંતમાં આપી હતી.
- Advertisement -
જનરલ બોર્ડના એજન્ડામાં સમાવિષ્ટ મંજૂર થયેલી આઠ દરખાસ્ત
આજરોજ 11 કલાકે મળેલ જનરલ બોર્ડમાં આઠ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ વોર્ડ નં. 7માં લક્ષ્મીનગર વિસ્તારમાં નવનિર્મિત અન્ડરબ્રિજનું સી.ડી.એસ. જનરલ બિપીન રાવત અન્ડરબ્રિજ નામકરણ કરવા અંગે, વોર્ડ નં. 3માં ટી.પી. સ્કીમ નં. 23ના પ્લોટ નં. 30/9 તથા 610પી તેમજ ટી.પી.નં. 24ના પ્લોટ નં. 610 પૈકીને અડીને આવેલ ચોકનું નારણભાઈ કુગશીયા ચોક નામકરણ કરવા અંગે, કોવિડ-19 મહામારી અન્વયે રાજકોટ મનપા વિસ્તારમાં આવેલ હોટેલ, રિસોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્કસ, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, અને જીમ્નેશિયમને તા. 1-4-21થી તા. 31-3-22 સુધીના એક વર્ષના પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવા અંગે, વોર્ડ નં. 11માં આવેલ શ્રી સીતાજી ટાઉનશીપના શોપિંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણથી આપી દસ્તાવેજ કરી આપવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સેવાઓ સુદ્દઢ બનાવવા માટે સરકાર દ્વારા અર્બન હેલ્થ અંતર્ગત નવી બાબત તરીકે મંજૂર થયેલ યુપીએચસીની વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓનું મહેકમ મંજૂર કરવા અંગે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3માં શાસ્ત્રીનગરથી ઉત્તરે શીખ ગુરૂદ્વારા પાછળ, પોપટપરા નાલાની સામે આવેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયેલ પ્લોટ નં. 25ની હરરાજી રદ કરી પરત લેવા અંગે, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડિયા કલબના સંયુક્ત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિનામૂલ્યે ફાળવવા અંગે તથા રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક સંવર્ગની જગ્યાના ભરતી નિયમોમાં સુધારો કરી નવા ભરતી નિયમો નિયત કરવા અંગેની જાણકારી આજરોજ મ્યુ. કમિશનર અમિત અરોરાએ આપી હતી.


