દર્દીઓને સરકાર દ્વારા 500 રૂપિયાની સહાય
2025 સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવાનું નરેન્દ્ર મોદીનું આહ્વાન
- Advertisement -
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના 100 ટી.બી.દર્દીઓને ટી.બી.મુક્ત કરવાની નેમ સાથે દત્તક લીધા છે. 24 માર્ચ એટલે વિશ્વ ટી.બી દિવસ. ભારતને ટી.બી.મુક્ત કરવાના લક્ષ્ય સાથે દર વર્ષે ટી.બી. દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે ટી.બી.દિવસની ઉજવણી અગાઉથી જ શરૂ કરી દીધી છે. સુરતમાં ટી.બી.ના 200 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે 100 ટી.બી.ના દર્દીઓને દત્તક લીધા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટી.બી.ના દર્દીઓને સરકાર દ્વારા દર મહિને 500 રૂપિયાની મદદ મળે છે. આ કાર્યક્રમમાં દર્દીઓને ડોક્ટર અને દાતાઓના સહકારથી કીટ આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ટી.બી.ના દર્દીઓ સાથે આભડછેડ રાખવામાં આવતી હતી. યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નહોતો. પરંતુ હવે ધીમે ધીમે માનસિકતામાં સુધારો થયો છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2025 સુધી ટી.બી. મુક્ત કરવાનું આહ્વાન કર્યું છે. તેમજ કોરોનાની બીજી લહેરને કારણે ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના સમયે દર અઠવાડિયાએ ટીબીના 1500 કેસ નોંઘાતા હતા. ગત વર્ષે ટીબીના 1.20 લાખ કેસ નોંધાયા હતા. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટી.બી.ના નવા દર્દીઓ નોંધાય છે.