દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સહિત દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. હિંદુઓના મોટા તહેવારોમાંથી એક હોળીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સાંજે ઠેર-ઠેર હોળિકાનું દહન કરવામાં આવે છે. ગુજરાતના યાત્રાધામોમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. યાત્રીઓ પગપાળા દ્વારકા, ડાકોર, શામળાજી પહોંચી રહ્યાં છે. જ્યા ફૂલડોલ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.યાત્રાધમ દ્વારકા ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા છે. દ્વારકા તરફ જતા તમામ માર્ગો જય દ્વારાધીશના નાદથી ગુંજી ઉઠ્યા છે. તો દ્વારકાની તમામ ગલીઓમાં દ્વારકાધીશના ભક્તો જોવા મળી રહ્યા છે. દ્વારકા ખાતે ફુલડોલ મહોત્સવનું અનેરુ મહત્વ હોય છે, ત્યારે ભગવાન દ્વાકાધીશ સાથે રંગે રમવા ભક્તો દૂર દૂરથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તો બીજી તરફ, પૂજારી પરિવાર દ્વારા ભક્તો પર અબીલ ગુલાલનો વરસાદ કરી ભક્તો ભગવાનના પ્રેમમાં ભીંજવવામાં આવે છે.
ફાગણ સુદ પુનમે શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ફાગણી પૂર્ણિમાએ કાળિયા ઠાકોરના દર્શને માટે ભક્તો આવી રહ્યાં છે. વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી છે. ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવવામાં આવશે, મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડવામાં આવી છે. ભક્તો હોળીના અવસરે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે. આજે ફાગણ સુદ પૂનમનું વિશેષ મહત્વ હોય છે, આજના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે.
- Advertisement -
આજ દિવસે અમદાવાદ કુમકુમ મંદિરમાં હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આજે ભગવાનને ચાંદીની પિચકારી અને રંગબેરંગી કલર ધરાવવામાં આવે છે. આવતી કાલે ધુળેટીનો પર્વ છે અને તેને લઇ કુમકુમ મંદિરમાં ફુલડોલની વિધિ કરવામાં આવે છે. આવતીકાલે મંદિર અને હીરાપુર ચોકડી પાસે ફુલઢોળ કરવામાં આવશે, જેમાં ભગવાનને ફૂલોના હિંડોળામાં ઝૂલાવવામાં આવશે અને ફૂલ અને કેસૂડાના પાણીથી ધુળેટી રમાડવામાં આવશે.