મેયર ડેશબોર્ડ, પિન બેઇઝ્ડ ફરિયાદ નિવારણ સિસ્ટમ, સ્વચ્છતા જનજાગૃતિ અને કચરાના ન્યુસન્સ પોઈન્ટસની નાબુદી માટેના અભિયાન શરૂ કરાવ્યા.
રાજકોટમાં બે દાયકા પહેલાં પ્રથમ વખત પ્રવેશ્યા ત્યારે મેયર બંગલો જોઈ તેમાં રહેવા માટેનું સપનું જોયુ હતું, તે સાકાર કર્યું અને એક વર્ષ પૂર્ણ કર્યું.
- Advertisement -
શહેરના પ્રથમ નાગરિક અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડો. પ્રદિપભાઈ ડવે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આજથી બે દાયકા પહેલાં જ્યારે તેઓ પ્રથમ વખત રાજકોટ શહેરમાં પ્રવેશ્યા હતા ત્યારે મેયર બંગલો જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને મન બનાવ્યું હતું ગમે તે થાય એક વખત આ બંગલામાં હું રહીશ. અંતે આ સ્વપ્ન સાકાર થયું. તેઓએ રંગોળી સ્પર્ધા, હોકી ટુર્નામેન્ટ, આઝાદી કા અમૃત મહોત્સવ અને ‘ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત’ અનુસંધાને સાઈકલોથોન, સુશાસન સપ્તાહની ઉજવણી સહિત અનેક પ્રવૃત્તિઓનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત મેયર ડેશબોર્ડ, પિન બેઇઝ્ડ ફરિયાદ નિવારણ સિસ્ટમ, સ્વચ્છતા જનજાગૃતિ અને કચરાના ન્યુસન્સ પોઈન્ટસની નાબુદી સહિતના અભિયાન શરૂ કરાવ્યા છે.
સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રોજગારવાંચ્છુક લોકોને સરળતાથી બેંકમાંથી લોન મળી રહે, તેમજ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા લોકોને તેમના કામ માટેના સાધનોની કિટ મળી રહે તે માટે ‘સેવા સેતુ કેમ્પ’, પી.એમ. સ્વનિધિ યોજના, ‘ગરીબ કલ્યાણ મેળા’, અન્ય સરકારી યોજનાઓ હેઠળ બહેનો માટે સ્વરોજગારની નવી તકો તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં હોકર્સ ઝોન, ફૂડ ઝોન બનાવવામાં આવેલ છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારીની તક મળે તે દિશામાં ખુબ સારી કામગીરી કરેલ છે. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અત્યાર સુધીમાં રૂ.3.5 લાખથી માંડીને રૂ.12 લાખ સુધીની એફોર્ડેબલ કિંમતના (પરવડે તેવા) કુલ 31000 થી વધુ આવાસો બનાવી લાભાર્થીઓને સોંપી પણ આપ્યા છે. ઘરનું ઘર મળી જાય અને રોજગારીમાં પણ લોકો સ્વનિર્ભર બનવા લાગે એટલે તેમની પ્રગતિ માટેના નવા દ્વાર ખુલવાનું શરૂ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આજથી એક વર્ષ પૂર્વે ચૂંટાયેલી નવી પાંખ શાસનમાં આવી ત્યારથી આજ સુધીમાં ભૌતિક વિકાસની સાથોસાથ મહાનગરપાલિકામાં વહીવટી સુધારણા, પર્યાવરણ, જાહેર સ્વચ્છતા, જાહેર આરોગ્ય, હરવા ફરવા માટેના સ્થળોનો વિકાસ, રચનાત્મક પ્રવૃત્તિઓ, વગેરે માટે પણ મહત્વના કાર્યો હાથ ધર્યા છે. જેમાં મેયર ડેશબોર્ડ, પિન બેઇઝ્ડ ફરિયાદ નિવારણ સિસ્ટમ, સ્વચ્છતા જનજાગૃતિ અને કચરાના ન્યુસન્સ પોઈન્ટસની નાબુદી માટેનું અભિયાન, કોવિડ વેક્સિનેશન અભિયાન, નિરામય યોજનાનું અમલીકરણ, શહેરના સ્લમ્સ વિસ્તારોમાં કુલ 57 સ્થળોએ પંડિત શ્રી દીન દયાળ ઉપાધ્યાય ઔષધાલયોનો પ્રારંભ, આજી-1 ડેમ નજીક “રામ વન” અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ, ન્યારી-1 ડેમ પાસે મિયાવાંકી ફોરેસ્ટ, પર્યાવરણની જાળવણીના આશય સાથે વ્રુક્ષારોપણ માટેની “ગો ગ્રીન” યોજના, ઇલેક્ટ્રિક બસ, ઉપરાંત અને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૈયા સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવર ડેવલપમેન્ટ, વ્રુક્ષારોપણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિવિધ કામો, રેસકોર્સ-2 નું આયોજન, દિવાળી પર્વ પર રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા, હોકી ટુર્નામેન્ટ, આઝાદી કા અમૃત મહોત્સવ અને “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત” અનુસંધાને સાઈકલોથોન, સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વગેરેનો સમાવેશ થાય છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં વસતિ અને વિસ્તારોમાં થઇ રહેલા વધારાને કારણે લોકોને ઉપલબ્ધ બનાવવાની થતી સેવાઓ અને સુવિધાઓ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત ચિંતિત રહી આવશ્યક આયોજન કરતી જ રહે છે. જેમ કે, શહેરમાં ટ્રાફિક પરિવહન સરળ બની રહે તે માટે હાલ શહેરમાં વિવિધ પાંચ સ્થળોએ ઓવરબ્રિજનાં કામો પ્રગતિમાં છે. લક્ષ્મીનગર રેલ્વે નાળા ખાતે અન્ડરબ્રિજનું કામ પૂર્ણ કરાવી તા. 24-01-2022ના રોજ રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવેલ અને આ બ્રિજનું “જનરલ બીપીન રાવત અન્ડરબ્રિજ” નામકરણ પણ કરાયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું. તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરશ્રીઓના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. જેના અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવે ચાલુ વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક એજન્સી મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરેલ. જેથી ચાલુ વર્ષે ગો-ગ્રીન યોજના અમલમાં મૂકી વૃક્ષારોપણ માટે માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃધ્ધાશ્રમ)ને કામગીરી સુપ્રત કરેલ છે. વ્રુક્ષારોપણની સાથો સાથ શહેર સ્વચ્છ બને તે માટે તંત્રની સાથે શહેરની સામાજિક, શૈક્ષણીક, ઔદ્યોગિક, વ્યાપારિક, ધાર્મિક સંસ્થાઓને સાથે રાખી લોકોમાં જાગૃતી લાવવા અભિયાન શરૂ કરવા આયોજન અંતર્ગત શહેરના કોચિંગ ક્લાસ એશોશિએશનના સહકારથી સ્વચ્છતા અભિયાન હાથ ધરેલ છે. જેમાં સ્વચ્છતા માટેની લોક જાગૃતિ માટે સ્વચ્છતા શપથ, જાગૃતતા, પત્રિકા વિતરણ, રેલી, શેરી નાટકો જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


