31 ધંધાર્થીઓના 55 જેટલા મસાલાના નમૂનાની ચકાસણી
રામનાથપરા અને સંતકબીર રોડ પર આવેલી ઠંડા પીણાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરાઈ
મનપાની ફૂડ શાખા દ્વારા નાના મૌવા મેઈન રોડ વિસ્તારમાં આવેલી શ્રી રામ મસાલા માર્કેટ તથા ઉમિયાજી મસાલા માર્કેટમાં મસાલાનું વેંચાણ કરતાં 31 ધંધાર્થીઓને ત્યાં સ્થળ પર મસાલાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 31 બિઝનેશ ઓપરેટરોને ત્યાંથી મસાલાની ગુણવતાં ચકાસવા માટે 55 જેટલા મસાલાનાં નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળ પર જ મસાલાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. મસાલા માર્કેટમાં રાધે ક્રિષ્ના મસાલા ભંડાર, વ્રજ મસાલા, જય અંબે મસાલા, જલીયાણ મસાલા, રામ મસાલા માર્કેટ, શિવ મર્ચા ભંડાર સહિતના અન્ય મસાલાનું વેંચાણ કરતાં ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગરમીની શરૂઆત થતાં મનપાએ સંતકબીર રોડ અને રામનાથપરા વિસ્તારમાં આવેલી ઠંડા પીણાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરી હતી. આ તપાસ અન્વયે મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સદ્ગગુરૂ કોલ્ડ્રીંકસ, આપા ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રિંકસ સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ 19 ઠંડાપીણાની દુકાનોમાંથી સોફ્ટ ડ્રીંક્સના 25 નમૂના લઈને સ્થળ પર જ તેની PH વેલ્યુની ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
વધુમાં ઓનલાઈન ફરિયાદના સંદર્ભે સોરઠીયાવાડી સર્કેલ પાસે 80 ફૂટ રોડ પર આવેલા વિલિયમ જોન્સ પીઝાએ સંગ્રહ કરેલા 6 કિલો વાસી અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ હાઈજીન કંડીશન જાળવવાનું કહ્યું હતું.


