ગુજરાતમાં દર બે દિવસે પાંચ હત્યા
બે વર્ષની અંદર રાજ્યમાં 1893 લોકોના મર્ડર, 1024 લૂંટ, આપઘાતના 15146 બનાવ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા બે વર્ષથી ગુજરાત કોરોના નામની મહામારીનો અડીખમ બનીને સામનો કરી રહ્યું છે. આ બે વર્ષ દરમિયાન લગભગ તમામ ગતિવિધિઓ થંભી જવા પામી હતી પરંતુ ક્રાઈમ અટકવાનું નામ જ લઈ રહ્યો ન હોય તેવી રીતે ખૂન, લૂંટ સહિતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થવા પામ્યો છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્ર્નનો લેખિતમાં જવાબ આપતાં સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં દર બે દિવસે હત્યાના પાંચ બનાવો નોંધાઈ રહ્યા છે. જ્યારે રાજકોટમાં છેલ્લા બે વર્ષની અંદર 122 લોકોના ખૂન થયા હોવાનો લેખિત એકરાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારે રાજ્યના 31 જિલ્લાઓમાં બે વર્ષની અંદર થયેલા વિવિધ પ્રકારના ગુનાની વિગતો આપતાં જણાવ્યું છે કે બે વર્ષમાં લૂંટના 1024, હત્યાના 1893, ધાડના 271, ચોરીના 18658, અપહરણના 3911, આત્મહત્યાના 15146, ચોરીના 5332, રાયોટિંગના 1844, આકસ્મિત મૃત્યુના 25334, અપમૃત્યુના 40412, ખૂનની કોશિના 1679 બનાવો નોંધાયો છે. આ રીતે જોવા જઈએ તો રાજ્યમાં દર બે દિવસે પાંચ હત્યા, પાંચ અપહરણ, 41 આત્મહત્યા, 70 આકસ્મિક મૃત્યુ, 110 અપમૃત્યુ, 51 ચોરી અને 14 ઘરફોડ ચોરીના બનાવો નોંધાયા છે. કોંગ્રેસે એવો આક્ષેપ પણ કર્યો કે આત્મહત્યાના બનાવો ઘટાડવા પોલીસ દ્વારા આવા બનાવોને આકસ્મિક મૃત્યુ અને અપમૃત્યુમાં ખપાવવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં બે વર્ષની અંદર નોંધાયેલા ગુના
- Advertisement -
46 – લૂંટ
122 – હત્યા
06 – ધાડ
692 – ચોરી
198 – અપહરણ
1481 – આત્મહત્યા
237 – ઘરફોડ ચોરી
52 – રાયોટિંગ
2763 – આકસ્મિક મૃત્યુ
4181 – અપમૃત્યુ
89 – હત્યાના પ્રયાસો
51 – આરોપીઓ ફરાર


