મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
ભારતીય સંસ્કૃતિ સદીઓ જૂની છે. દેશનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ અને મજબૂત છે, જેની સાબિતી આપે છે આપણી જૂની ઇમારતો, મહેલો, મંદિરો, તથા દાયકા જુના મળી આવેલા અવશેષો. અલગ અલગ દેવી-દેવતાઓ, સંસ્કૃતિના સ્મરણચિહ્ન સમા એમના અલગ-અલગ દેવાલય અને એની સાથે જોડાયેલી ઐતિહાસિક તથા પૌરાણિક વાર્તાઓ. વિવિધતામાં એકતાનો સાચો અર્થ આ જ તો છે!
રાજસ્થાનના જયપુરથી 115 કિલોમીટર દુર, સિકર જીલ્લાનાં અરાવલી પહાડોમાં એક દેવીસ્થાન, જેનું નામ : જીણ માતાનું મંદિર. લોક માન્યતા અનુસાર, એક વાર મુઘલ સમ્રાટ ઔરંગઝેબે જીણ માતા અને ભૈરવના મંદિરને તોડવાના ઈરાદાથી સૈનિકોને મોકલ્યા. આ વાતની જ્યારે સ્થાનિક લોકોને જાણ થઇ, તો તેઓ અતિશય દુ:ખી થયા. રાજાના આ પ્રકારના વ્યવહારથી ચિંતિત થઈને શ્રદ્ધાળુઓએ જીણ માતાને પ્રાર્થના કરી. લોકોની પ્રાર્થના ફળી અને માતાજીએ પોતાનો ચમત્કાર દેખાડયો. ત્યાં મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું. કહેવાય છે કે ખુદ શહેનશાહની હાલત પણ ખૂબ ગંભીર થઇ ગઈ હતી. છેવટે એણે પોતાની ભૂલ સ્વીકારીને માતાના ચરણોમાં અખંડ જ્યોત પ્રગટાવવાનું વચન આપ્યું અને ગામવાસીઓને આશ્વાસન આપ્યું કે એ દર મહિને સવા મણ તેલ આ જ્યોત માટે ભેટ કરશે. ત્યાર પછી ઔરંગઝેબની તબિયતમાં સુધારો થવા માંડયો.
- Advertisement -
લોકોનું કહેવું હતું કે, શહેનશાહે ઘણા વર્ષો સુધી તેલ દિલ્હીથી મોકલાવ્યું. ત્યાર પછી જયપુરથી મોકલવામાં આવતું હતું. ઔરંગઝેબનાં દેહાંત પછી પણ આ પરંપરા યથાવત રહી અને જયપુરના મહારાજે આ તેલને માસિકની જગ્યાએ વર્ષમાં બે વાર નવરાત્રિના સમયે મોકલાવવાનું શરુ કરી દીધું. મહારાજા માનસિંહજીનાં સમયે એમના ગૃહમંત્રી, રાજા હરિસિંહ અચરોલે તેલના સ્થાન પર રોકડા વીસ રૂપિયા અને ત્રણ આના પ્રતિમાસ આપવાનું નક્કી કર્યું, જે અવિરતપણે મળતા રહ્યા.
માનવામાં આવે છે કે જીણ માતાનો જન્મ ચૌહાણ વંશના રાજપૂત પરિવારમાં થયો હતો. એ પોતાના ભાઈ હર્ષને ખૂબ સ્નેહ કરતા. એક વાર માતા જીણ એમની ભાભીની સાથે તળાવ પર પાણી ભરવા ગયા. પાણી ભરતી વખતે ભાભી અને નણંદ વચ્ચે એ વાતને લઈને ઝઘડો આરંભ થયો કે હર્ષ કોને વધારે પ્રેમ કરે છે! આખરે બંને વચ્ચે એવો નિર્ણય લેવામાં આવ્યો, કે હર્ષ જેના માથા ઉપરથી પાણીનું માટલું પહેલા ઉતારશે, એ જ એને વધારે પ્રિય હશે. ભાભી અને નણંદ માટલું લઈને ઘરે પહોચ્યા. ઘટના એવી બની કે, હર્ષે પહેલા પોતાની પત્નીના માથા ઉપરથી માટલું નીચે ઉતાર્યું. આ જોઇને જીણ માતા ક્રોધિત થઇ ગયા.
- Advertisement -
ગુસ્સે થઈને એમણે અરાવલીના કાજલ શિખર પર પહોંચી તપસ્યાનો આરંભ કર્યો, જેના પ્રભાવથી રાજસ્થાનના ચુરુમાં જ જીણ માતાનું નિવાસસ્થાન થઇ ગયું. અત્યાર સુધી હર્ષ ભાભી-નણંદ વચ્ચેનાં વિવાદથી અજાણ હતો. આ શરત વિશે જયારે એને ખબર પડી, ત્યારે તે પોતાની બહેનની નારાજગીને દૂર કરવા કાજલ શિખર પર પહોચી ગયો. એણે બહેન જીણને ઘેર પાછા ફરવા વિનંતી કરી, પરંતુ માતાએ ઘરે આવવાની ના પાડી. બહેનને ત્યાં જોઇને હર્ષ પણ પહાડો ઉપર ભૈરવની તપસ્યા કરવા માંડયો અને એમણે ભૈરવપદ મેળવી લીધું.
જીણ માતાનું વાસ્તવિક નામ જયંતી માતા છે. એમને દુર્ગા માતાનો અવતાર માનવામાં આવે છે. ગાઢ જંગલથી ઘેરાયેલું આ દેવીસ્થાન, ત્રણ નાના પહાડોના સંગમ પર સ્થિત છે. મંદિરમાં આરસ પહાણનું વિશાળ શિવલિંગ તથા નંદી મૂર્તિનું આકર્ષણ સૌથી વિશેષ છે. ત્યાંના લોકોનું કહેવું છે કે માતાજીનું મંદિર 1000 વર્ષ જૂનું છે. કેટલાક ઇતિહાસકાર આઠમી સદીને જીણ માતા મંદિરના નિર્વાણકાળ તરીકે માને છે.
જીણધામની મર્યાદાઓ તેમજ પૂજા વિધિઓ:
(1) જીણ માતા મંદિર સ્થિત પુરી સંપ્રદાયની ગાદીના પૂજા-પાઠ, માત્ર પુરી સંપ્રદાયના સાધુઓ દ્વારા જ થાય છે.
(2) જે પૂજારી જીણ માતાની પૂજા કરતા હોય, તેઓ પરાશર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.
(3) જીણ માતા મંદિરના પૂજારીઓના લગભગ 100 પરિવાર છે, જેઓ પોતાના ક્રમાનુસાર એક પછી એક પૂજાવિધિની જવાબદારી સંભાળે છે.
(4) પૂજારીઓના ઉપનયન સંસ્કાર થયા પછી તેમને વિધિ-વિધાન સાથે પૂજા માટે તૈયાર કરવામાં આવે છે.
(5) પૂજા સમય દરમિયાન પૂજારીએ સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે તથા એમનું પોતાના ઘરે જવાનું તદ્દન પ્રતિબંધિત થઇ જાય છે.
(6) જીણ માતા મંદિરમાં અર્પણ કરવામાં આવેલા દેવદ્રવ્યનો ઉપયોગ પૂજારીઓની બહેન – દીકરીઓ જ કરી શકે. એમની પત્ની માટે એ નિષેધ હોય છે.
(7) વહેલી સવારે ચાર વાગ્યે જીણ ભવાનીની મંગલા આરતી થાય છે. સવારે આઠ વાગ્યે શ્રૃંગાર તથા સાંજે સાત વાગ્યે ફરી શયન-આરતી થાય છે. ત્યારબાદ ભક્તગણોમાં પ્રસાદનું વિતરણ.
(8) ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે પણ આરતી પોતાના સમય પર જ થાય છે.
(9) દર મહિને શુક્લ પક્ષની આઠમે વિશેષ આરતી તથા પ્રસાદનું વિતરણ.
(10) મંદિરના ગર્ભગૃહના દ્વાર ચોવીસ કલાક ખુલ્લા હોય છે. ફકત શ્રૃંગારના સમયે પડદા લગાવવામાં આવે છે.
(11) પ્રત્યેક વર્ષ, શરદ પુનમે મંદિરમાં વિશેષ ઉત્સવ મનાવવામાં આવે, જેમાં પૂજારીઓનો વારો બદલાય જાય છે.
(12) દર વર્ષે ભદ્ર પક્ષ મહિનાના શુક્લ પક્ષમાં શ્રીમદ્ દેવી-ભાગવતનો પાઠ તથા મહાયજ્ઞ થાય છે.
દેવાલયના પહાડોની ટોચ પર ભાઈ હર્ષ (ભૈરવનાથ)નું મંદિર છે. જીણ માતાનાં મુખ્ય અનુયાયીઓમાં એ ક્ષેત્રના વાણિયા, રાજપૂત, જીંગરા અને મીનાનો સમાવેશ થાય છે. જીણ માતા શેખાવાટી રાજપૂત, જીંગરા, મીના અને વાણીયાઓના કુળદેવી છે.