સીલ માર્યું હોવા છતાં જૂનાગઢની યુનિક હોસ્પિટલ બેરોકટોક ધમધમી રહી છે!
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ચોકડી ઉપર આવેલી યુનિક હોસ્પિટલને મનપા દ્વારા સીલ કરવામાં આવી હતી. યુનિક હોસ્પિટલને સીલ કર્યા છતાં હોસ્પિટલ ધમધમી રહી છે. યુનિક હોસ્પિટલના તબીબો સામે મહાનગરપાલિકાના અધિકારીઓ ઘૂંટણિયે પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખા અને ફાયર શાખા વારંવાર શહેરમાં ચેકિંગ કરી દંડ ઉઘરાવે અને મિલ્કત સીલ કરે છે. નાના વેપારીઓ અને નાના લોકોને હેરાન કરવા ટેવાયેલા મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ મોટામાથા આગળ પાણી ભરવા લાગે છે. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પર આવેલી યુનિક હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી, બાદ પણ હોસ્પિટલ ચાલુ હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. આ અહેવાલ બાદ પણ મનપાના અધિકારીઓએ કાર્યવાહી કરી નથી અને સીલ મારેલુ હોવા છતાં યુનિક હોસ્પિટલ ધમધમી રહી છે. યુનિક હોસ્પિટલનાં ડોકટરો આગળ મનપાના દબાણ શાખા અને ફાયરના અધિકારીઓ પાણી ભરી રહ્યા છે.
કાર્યવાહી કેમ નહીં?
યુનિક હોસ્પિટલ સીલ કરી છે છતાં હોસ્પિટલ ચાલી રહી છે. યુનિક હોસ્પિટલના સંચાલક કે તબીબો સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું તંત્ર પણ હોસ્પિટલ ચલાવવામાં સામેલ છે? તેવા સવાલ ઉઠ્યા છે.
કમિશનર, ઈન્ચાર્જ ફાયર અધિકારી ફોન ઉપાડતાં બંધ થયા
યુનિક હોસ્પિટલના પ્રકરણમાં મનપા કમિશનર રાજેશ તન્ના અને ઈન્ચાર્જ ફાયર અધિકારી ભરત ડોડિયાએ આ મુદ્દે ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે.


