શૈલવાણી
– શૈલેષ સગપરિયા
રાજસ્થાનમાં ઢાંઢણ નામનું એક ગામ છે. આ ગામની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા કમલાદેવીએ 2016માં એમના દીકરા શુભમના લગ્ન સુનિતા નામની છોકરી સાથે કર્યા હતા. દેશના ઘણા પ્રાંતોમાં દહેજની કુપ્રથા હજુ પણ છે. કમલાદેવીને ઘણા લોકોએ કહ્યું કે તમારો દીકરો શુભમ ભણવામાં બહુ હોશિયાર છે અને વિદેશ જઈને ડોકટર બનવાનો છે તો તમને દહેજમાં બહુ મોટી રકમ મળશે.
- Advertisement -
કમલાદેવીએ આવું કહેનારા લોકોને જડબાતોડ જવાબ આપતા કહેલું કે ‘સુનિતાને એના માતા-પિતાએ મોટી કરી અને અમારા પરિવારને સોંપી એ જ સૌથી મોટી વાત છે અમારે પાંચ પૈસા પણ નથી જોતા.કોઈ પિતા પોતાના જિગરનો ટુકડો આપી દે પછી એથી વધુ બીજું શું જોઈએ.” લગ્ન બાદ શુભમ ડોક્ટરના આગળના અભ્યાસ માટે વિદેશ ગયો જ્યાં બ્રેઇન સ્ટ્રોકને કારણે તેનું અવસાન થયું.
બધી વિધિઓ પૂરી થયા બાદ તેજસ્વી દીકરો ગુમાવનાર માતા કમલાદેવીએ એની પુત્રવધુ સુનિતાને કહ્યું, ’બેટા, તું મારી વહુ નહીં પરંતુ દીકરી જ છો. તારી સામે આખી જિંદગી પડી છે માટે તારા માટે યોગ્ય મુરતિયો શોધીએ.’ સુનિતાએ કહ્યું, ’હું અત્યારે એ માટે તૈયાર નથી પરંતુ જો તમે મને મંજૂરી આપો તો મારે ભણવું છે અને મારા પગ પર ઉભા રહેવું છે’.
કમલાદેવીએ સુનિતાને અભ્યાસ માટેની મંજૂરી આપી. પતિનો વિયોગ અભ્યાસમાં વિક્ષેપ ન કરે એટલે કમલાદેવી એક મા બનીને સતત સુનિતાને સાથ આપ્યો. સુનિતાના પિતાની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે પોતાને ત્યાં રાખીને જ સુનિતાનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો. સુનિતાએ 5 વર્ષ અભ્યાસ કર્યો અને એમ.એ.બી.એડ. પૂરું કર્યું. કમલાદેવીએ એને સરકારી કોલેજમાં અધ્યાપક બનવા માટે પ્રેરણા આપી જેના પરિણામે સુનિતા એક સરકારી કોલેજમાં ઇતિહાસની પ્રોફેસર બની ગઈ.
- Advertisement -
હવે બધું જ થાળે પડી ગયું એટલે કમલાદેવીએ સુનિતાના મમ્મીને મળીને સુનિતાના લગ્ન બાબતે ચર્ચા કરી. સુનિતાને પણ બીજા લગ્ન માટે સમજાવી અને સાસુ કમલાદેવીએ જ એક સારો મુરતિયો જોઈને સુનિતાના લગ્ન નક્કી કર્યા. થોડા દિવસ પહેલા જ સાસુ કમલાદેવીએ વિધવા પુત્રવધુનું માં બનીને ક્ધયાદાન કર્યુ અને સાસરે વળાવી.
સાસુ વહુના ઝઘડાના તો અનેક કિસ્સા સાંભળ્યાં, જોયા કે અનુભવ્યા હશે પરંતુ સાસુ વહુ વચ્ચે મા-દીકરી જેવા સંબંધોના આવા કિસ્સા જવવલે જોવા મળે છે જ્યાં સાસુ વિધવા પુત્રવધૂને ભણાવે,પગભર કરે અને લગ્ન કરાવીને જીવનસાથીની ભેટ આપે. કમલાદેવીની સમજણ અને કાર્યને વંદન.


