શાંતિસુલેહ ભંગ કરવાના કેટલાંક લોકોના પ્રયાસને નિષ્ફળ બનાવતા PI વિરલ ગઢવી
તોફાની બનેલા ટોળાંને પળવારમાં વિખેરી મોટી જાનહાનિ થતા અટકાવતી રાજકોટ પોલીસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કિશન ભરવાડ હત્યા કેસને લઈને ધાર્મીક સંગઠનો આજે રાજકોટ કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપવા ઉપરાંત કેટલાંક લોકો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન અમુક લોકોએ ગેરકાયદે દુકાનો બંધ કરાવવાની કોશિશ કરી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટોળું બેકાબૂ બનતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વી. કે. ગઢવી સિંગમની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તોફાની ટોળું વધુ બેકાબૂ બની મોટી જાનહાનિ ન સર્જે તે માટે પીઆઈ વિરલ ગઢવીએ પોતાનું રોદ્ર સ્વરૂપ દર્શાવી રાજકોટ શહેરની શાંતિસુલેહને ભંગ કરવાના અમુલ લોકોના પ્રયાસને પળવારમાં નિષ્ફળ બનાવી દીધા હતા અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં કેટલાંક લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા અને રેલી કાઢવા ઉપરાંત રેસકોર્સ રિંગરોડ પર આવેલી ગેલેક્સિ સિનેમા પાસે દુકાનો બંધ કરાવી તોડફોડ કરી રહ્યા હતા જેથી ટોળાને વિખેરવા માટે રાજકોટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીએ લાઠી અને બંદૂક બતાવી હળવો લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ દુકાનો સહિત પોલીસવાનને પણ નુક્સાન પહોંચાડયું હતું પણ પીઆઈ ગઢવીની આગેવાનીમાં થયેલી પોલીસ કામગીરીના પગલે ટોળું વિખેરાય ગયું હતું અને મોટી જાનહાનિ થતા ટળી હતી.

- Advertisement -
જો ટોળું સદરમાં પ્રવેશ કરત તો રંગીલું રાજકોટ રક્તરંજીત બનત
કિશનના હત્યારાઓને આકરી સજા આપવા અંગે કલેકટર કચેરીએ અંદાજે 1100 લોકો એકઠા થયા હતા. શાંતિપ્રિય રીતે આવેદન આપ્યા બાદ ટોળું એકાએક તોફાની બન્યું હતું અને ધરમ સિનેમા પાસે તોડફોડ કર્યા બાદ ફૂલછાબ ચોક સુધી પહોંચી ગયું હતું અને સદર બજારમાં પ્રવેશે તે પહેલાં જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ, એસીપી, ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વિરલ ગઢવી સહિતનાઓએ ટોળાને અટકાવી હળવો લાઠીચાર્જ કરી વિખેરી નાખ્યું હતું. જો સમયસર રાજકોટ પોલીસ ફૂલછાબ ચોકે ન પહોંચી હોત તો આ 1100નું ટોળું સદર બજારમાં પહોંચી જાત અને રંગીલુ રાજકોટ રક્તરંજીત બની જાત.

રાજકોટની રેલીમાં હિંસા

કિશન ભરવાડના હત્યારાઓને સજા આપવાની માંગ સાથે ટોળાંએ તંગદિલી સર્જી, ટોળું વિખેરાયા બાદ ફરીથી આ રીતે ટોળું એકત્ર ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો શહેર અને જિલ્લામાં ખડકી દેવામાં આવ્યો.


