હાશકારો…રાજકોટનો લક્ષ્મીનગર અંડરબ્રિજ ઈખએ વર્ચ્યુઅલ ખુલ્લો મૂક્યો
42કરોડથી વધુ બનાવવાનો ખર્ચ
303.80 મી. લંબાઇ
137મી. એપ્રોચ રોડ નાના મવા તરફ
117મી. એપ્રોચ રોડ ટાગોર રોડ તરફ
નવનિર્મિત લક્ષ્મીનગર અંડરપાસ બન્યો ‘શહિદ બિપીન રાવત બ્રિજ’
રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્ત્વનું યોગદાન: CM
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે લક્ષ્મીનગર અંડરપાસનું આજરોજ મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લક્ષ્મીનગર અંડરપાસથી હજારો લોકોની ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. રાજકોટમાં રૂા. 42.38 કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મીનગર અંડરબ્રીજનું સી.ડી.એસ. બિપીન રાવત નામ રાખવામાં આવ્યું છે. લક્ષ્મીનગર પાસ ખૂબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ પાસની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સરળતા રહેશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ-વે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે શહેરના આશરે 3 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે. રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે. રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે. અંડરપાસનું મંત્રી અરવિંદ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર પ્રદિપ ડવ, મ્યુ. કમિશનર અમિત અરોરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલ, બીનાબેન આચાર્ય, ઉદયભાઈ કાનગડ સહિતના કોર્પોરેટરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
વિજય રૂપાણી હાજર ન હોવાથી પત્રિકામાં નામ નથી: અરવિંદ રૈયાણી
આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ ન હોવાને લઈને મંત્રી અરવિંદ રૈયાણીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, વિજય રૂપાણી હાજર રહેવાના ન હોવાથી તેમનું નામ લખવામાં આવ્યું નથી. મેયર ચેમ્બરમાંથી આ પત્રિકામાં કોનું નામ લખવું તેનો નિર્ણય લેવામાં આવતો હોય છે. બાકી વિજયભાઈ પક્ષ માટે આદરણીય જ છે.