મહિલાઓની હત્યાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો 2019માં 4, 2020માં 7 અને 2021માં 10 પર આંકડો પહોંચ્યો.
15 વર્ષમાં 2016માં સૌથી વધુ 54 હત્યા અને 2020માં સૌથી ઓછી 29 હત્યા થઈ હતી.
ખાસ-ખબર સંવાદદાતા
પ્રજાના જાન અને માલના રક્ષણની સીધી જવાબદારી પોલીસના શીરે છે. ત્યારે રાજકોટ શહેર પોલીસે આ જવાબદારી સંભાળવામાં પીછે હઠ ન કરી નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા 15 વર્ષમાં વિસ્તાર અને વસ્તીમાં અનેક ગણો વધારો થયો છે. જેની સાથે સાથે ગુનાખોરી પર મહદઅંશે અંકુશ આવ્યો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ શહેરમાં 2007થી 2021 સુધીમાં 575 હત્યા થઈ છે. જેમાં મહિલાઓનું કાશળ કાઢવાના બનવોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. 2019માં 4, 2020માં 7 અને 2021માં 10 મહિલાની હત્યા થઈ છે.
છેલ્લા 15 વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2007થી 2021 દરમિયાન 15 વર્ષમાં કુલ 575 હત્યાના બનાવ બન્યા છે. જેમાં સૌથી વધુ વર્ષ 2016માં 54 વ્યક્તિઓની હત્યા થઇ છે અને વર્ષ 2020માં સૌથી ઓછા 29 હત્યાના બનાવ બન્યા છે જે વધીને વર્ષ 2021માં 32 સુધી પહોંચ્યો છે. બીજી તરફ હત્યાની કોશીશના 439 ગુના નોંધાયા છે. જેમાં 2007માં સૌથી ઓછા 16 બનાવ નોંધાયા છે. જ્યારે 2016 હત્યાની કોશિષના 47 બનાવ પોલીસમાં નોંધાયા છે.
- Advertisement -
પોલીસનો ક્રાઈમ રેટ ઘટ્યાનો દાવો
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા ગંભીર ગુનાઓને અટકાવવા અને ગંભીર પ્રકારના ગુનાઓના ભેદ ઉકેલવામાં અસરકારક કામગીરી કરી ક્રાઇમ રેટ ઘટાડવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષમાં વસ્તીની સાથે સાથે પોલીસ મથક અને પોલીસ સ્ટાફનો પણ વધારો થયો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસને આધુનિક તાલીમ આપવામાં આવી રહીં છે. જેની મદદથી ક્રાઇમ રેટનું પ્રમાણ ઘટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોબાઇલ લોકેશન, સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ એપ્લિકેશનના માધ્યમથી ગુનેગારોને ત્વરિત પકડી પાડવામાં આવી રહ્યો છે જે એક સારી બાબત છે.
15 વર્ષમાં 606 લૂંટના ગુના નોંધાયા
- Advertisement -
હત્યા અને હત્યાની કોશિશની સાથે સાથે ધાડ અને લૂંટની ઘટનામાં પણ છેલ્લા પંદર વર્ષ દરમિયાન 76 ધાડના બનાવ બન્યા છે. જેમાં 2012માં સૌથી વધુ 14 ગુના નોંધાયા છે. જ્યારે 2019માં એક પણ ગુનો નોંધાયો નથી. બીજી તરફ 15 વર્ષમાં કુલ 606 લૂંટના ગુના નોંધાયા છે. જેમાંથી સૌથી વધારે 2014માં 91 અને સૌથી ઓછા 2020માં 9 ગુના નોંધાયા છે.
ત્રણ વર્ષમાં મહિલાની હત્યામાં વધારો
આ સાથે હત્યાના બનાવની અંદર છેલ્લા 3 વર્ષમાં મહિલાઓની હત્યાના બનાવમાં ઉતરોતર વધારો જ થતો જોવા મળી રહ્યો છે. જેમાં એક રિપોર્ટ મુજબ વર્ષ 2019માં 4 મહિલાની હત્યા થઈ હતી જે વર્ષ 2020માં વધીને 7 સુધી પહોંચી હતી અને પાછલા વર્ષે એટલે કે વર્ષ 2021માં પણ મહિલાની હત્યાના બનાવ 7થી વધીને 10 પહોંચ્યા છે. જે પણ એક ગંભીર બાબત માનવામાં આવી રહી છે.
ફરિયાદ લેવાને બદલે માત્ર અરજી લેતી હોવાની ચર્ચા
રાજકોટ પોલીસ દ્વારા ક્રાઇમ રેટ ઘટ્યો હોવાની વાતો તો કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ રાજકોટ શહેર પોલીસ ફરિયાદીની ફરિયાદ લેવા બદલે માત્ર અરજી સ્વીકાર કરી સંતોષ માનતી હોવાની પણ ચર્ચા જોરશોરથી શહેરભરમાં ચાલી રહી છે.
છેલ્લા 15 વર્ષમાં હત્યાની કોશિશના ગુના વર્ષ હત્યા કોશિશ
2007 – 16
2008 – 33
2009 – 26
2010 – 22
2011 – 22
2012 – 28
2013 – 26
2014 – 43
2015 – 40
2016 – 47
2017 – 33
2018 – 31
2019 – 30
2020 – 23
2021 – 19


