સોલાર સબસિડી મુદ્દાનો નિકાલ ન થાય સુધી મતદાન નહીં કરવાની ચીમકી
2500 મેગાવોટ વીજળી પેદા કરવા માટે 3967 ઉદ્યોગ સાહસિકોએ ગુજરાત સરકાર સાથે કરાર કર્યા હતા: કરોડો રૂપિયા ઓળવી ગયાનો આક્ષેપ
ગુજરાત સરકારે જાહેરાત કર્યા પછી યુનિટ દીઠ રૂા. 2.83ના ભાવે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરીને મૂડીની સબસીડી અને વ્યાજની સબસીડી આપવાની મનાઈ ફરમાવી દેતાં સેંકડો નાના ઉદ્યોગકારોને હળાહળ અન્યાય કર્યો છે. સમગ્ર ગુજરાતનાં 33 જિલ્લાઓમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય તમામ નાના ઉદ્યોગકારો, રોકાણકારો અને ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહના ભાગરૂપે ગુજરાતમાં આવનાર તમામ ઈલેકશનમાં સબસીડીના મુદ્દાનો નિકાલ ન આવે ત્યાં સુધી મતદાન મથકે મત આપવાથી દૂર રહેશે.
આ અંગે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ અને સેક્રેટરી પાર્થિવભાઈ દવેએ જણાવ્યું હતું કે એસ.એસ.ડી.એસ.પી.-2019 યોજના હેઠળ ગુજરાત સરકારના ઊર્જા વિભાગે તેની વિવિધ ડિસ્કોમ દ્વારા 0.5 થી 4.00 મેગાવોટ માટે વિવિધ સોલાર ઈલેક્ટ્રિસિટી ઉત્પાદકો, રોકાણકારો અને ખેડૂતો (એમ.એસ.એમ.ઈ.) સાથે 4000 પી.પી.એ. (પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ્સ) કર્યા હતા. ગત ઓક્ટોબર 2020 થી મે 2021 સુધીના 7 થી 8 મહિનાના સમયગાળા દરમિયાન આ પી.પી.એ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગત તા. 31 મી 2021 ના રોજ ઉક્ત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી 1.5 મહિનાના સમય ગાળામાં એટલે કે ગત તા. 20 મી જૂલાઈના રોજ ઊર્જા વિભાગે સબસીડી (મૂડી અને વ્યાજ સહિત) ચૂકવવાનો ઈન્કાર કર્યો હતો. જે વાસ્તવમાં તેમના કાર્યક્ષેત્રમાં આવતું ન હતું; અને વાણિજ્ય વિભાગને પત્ર જારી કર્યો કે એસ.એસ.ડી.એસ.પી.- 2019 યોજનાને કોઈપણ પ્રકારની સબસીડી આપવામાં આવશે નહીં.
- Advertisement -
આ સ્કીમ હેઠળ ગુજરાતમાં નાના રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. વધુમાં અગાઉ પરિપત્ર પાછો ખેંચી લેવાની માગણી સાથેના આવેદન પત્ર પણ ગુજરાતના તમામ જિલ્લામાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઈન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો દ્વારા કલેકટરને આપવામાં આવેલા છે. આમ હવે આ અંગે ઘટતું કરવાની માગ જી.એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવી છે.


