બિલ્ડિંગને એવી રીતે ડિઝાઇન કરાઈ કે અહીં રહેતા લોકોને પણ ’સી વ્યૂ’ મળશે : PM
મોદીએ કહ્યું, ‘પ્રવાસન વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન’
છેલ્લાં 7 વર્ષમાં દેશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા માટે સતત કામ કર્યું : નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ.30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો આજે શુક્રવારે સવારે 10 કલાકે વર્ચ્યુલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. નોંધનીય છે કે રાજ્ય સરકારના માર્ગ-મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસમંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આજે સવારે 10 કલાકે આ ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
પૂર્ણેશભાઈ મોદી અને ગીર-સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ભગવાન સોમનાથ મહાદેવને શીશ નમાવી તત્કાલ મહાપૂજા કરી હતી. ત્યાર બાદ આ મહાનુભાવોએ સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલા ભગવાન ગણેજીના મંદિરનાં ભાવપૂર્વક દર્શન કર્યાં હતાં અને વીર હમીરજી ગોહિલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રીઓને સ્મૃતિચિહન અર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્ત્વપૂર્ણ અવસર પર ગુજરાત સરકાર, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સૌને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે આ બિલ્ડિંગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે અહીં રહેતા લોકોને પણ ’સી વ્યૂ’ મળશે. એટલે કે જ્યારે લોકો અહીં શાંતિથી મુસાફરો પોતાના રૂમમાં બેસી જશે ત્યારે તેમને દરિયાનાં મોજાં પણ જોવા મળશે અને સોમનાથનું શિખર પણ જોવા મળશે.


