પૂજા કગથરા
કન્સલ્ટન્ટ ડાયેટિશિયન
બદલાતા ગરમ પવનનો અર્થ છે ‘સમર આવી રહ્યું છે’ ! એટલે કે ધોમધખતાં તડકાંઓની સીઝન આવી રહી છે. વધતાં જતાં પ્રદૂષણ, વસ્તીમાં થતો સતત વધારો અને વધતાં જતાં વૃક્ષોના છેદનના કારણે થોડાં વર્ષોથી પહેલાંના સાપેક્ષમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમી અને તડકાંને લીધે શરીરમાં ડીહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ગેસ્ટ્રોએંટેરિટિસ, ત્વચાને લગતી સમસ્યાઓ પરસેવો, ખંજવાળ વગેરે જેવી સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે. તો આવી સમસ્યાઓને દૂર કરવા તથા ઉનાળામાં પણ ખૂબ સ્વસ્થ અને મસ્ત રહેવા આપણે યોગ્ય ખોરાકનો ઉપયોગ કરી શકીએ. ઉનાળાને લગતી દરેક સમસ્યાઓનો હલ આપણે યોગ્ય ખોરાકથી કરી શકીએ છીએ.
(1) કાચી કેરીનું શરબત :
- Advertisement -
આ શરબત લાંબી અને આળસવાળી ઉનાળાની બપોર માટે ખૂબ શ્રેષ્ઠ છે. ઉનાળામાં લાગતૂ ‘લૂ’થી બચવા માટે દરરોજ બપોરે ઘરની બહાર નીકળતાં પહેલાં આ શરબત પીવું જોઈએ. કાચી કેચી એ પેકટીન, ઓકસાલીક તથા સાઈટ્રીક અને મલિક એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ લાઈટ યલો કલરનું પીણું વિટામિન ઇ1, ઇ2 અને ઈ થી ભરપૂર હોય છે. જે કોલેરા, ટીબી અને એનિમિયા જેવા ગેસ્ટ્રોનોમીકલ વિકારોને અટકાવે છે.
(2) રસમ :
રસમ એ દક્ષિણ ભારતનું સુપર ડ્રિંક છે; જે ખૂબ આરોગ્યપ્રદ હોય છે તથા સ્વાદમાં ચટપટુ હોય છે. તે વિટામીન એ, ઈ થાઈમીન, રાઈબોફ્લેવિન આયર્ન, પોટેશિયમ, કોપર, સેલેનિયમ, જસત કેલ્શીયમ, મેગ્નેશીયમ, ફોલીક એસીડ અને નીયાસિનથી સમૃદ્ધ છે. રસમ એન્ટી ઓક્સીડન્ટનો ગુણધર્મ ધરાવે છે માટે કબજીયાત, પાચનમાં મદદ કરે છે.
- Advertisement -
(3) તરબૂચ :
તરબૂચ એ 92% પાણીથી બનેલું હોય છે. તે રિહાઈડ્રેટિંગ એજન્ટ છે. તે હાઈડ્રેટેડ રાખવા સિવાય તરબૂચમાં લાઈકોપિન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન એ, બી-6, સી, એમીનો એસીડથી ભરપૂર હોય છે. તેનાથી ઉનાળામાં થયેલી ત્વચાનું ડેમેજ રોકી શકાય છે. વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારૂં છે. તરબૂત બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે.
(4) કેરી :
ભારતમાં ‘ફળોના રાજા’ તરીકે જાણીતી છે. પાકી અને કાચી કેરી ઉનાળામાં સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમાં 20 થી વધારે ખનીજો આવેલી છે. ઉનાળામાં ઘણીવાર શરીરમાં ગરમીને લીધે કે ખૂબ પરસેવાને લીધે સુગર ઓછી થઈ જાય છે. તેના લીધે ચક્કર આવે કે નબળાઈ અને શરીરમાં થાક લાગે છે ત્યારે કેરી એ શરીરમાં નેચરલ સુગરનું કામ કરે છે તથા ઈન્સ્ટન્ટ એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે. માટે રોજ સીઝનમાં કેરી ખાવી જોઈએ પરંતુ કેરીના રસનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ.
(5) દૂધી :
દૂધી એ મોટાભાગે પ્રીય શાકભાજી નથી પરંતુ દૂધી એ ઉનાળામાં ખૂબ ઉપયોગી છે. તેમાં રીબોફ્લેવીન, ઝીંક તથા મેગ્નેશિયમ અને આયર્ન રહેલું છે. તે શરીરમાં તાપમાન અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ત્વચાને સાફ કરીને ત્વચાની સંભાળ રાખે છે. ઉનાળામાં જોવા મળતી ઓઈલી ત્વચામાં તે તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે.
(6) આઈસ ટી :
ઉનાળામાં દિવસનો એક ગ્લાસ આઈસ-ટી એ શરીરમાં રહેલા ખનીજોને સંતુલિત કરવા તેમજ તાજગી મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ત્વચા પર પડતાં સૂર્યના હાનિકારક યુવી કિરણોને લીધે થતાં નુકસાનમાં મદદરૂપ છે.
(7) નાળીયેર પાણી :
નાળીયેર પાણી એ શ્રેષ્ઠ સમર ડ્રીંકસ છે. તેમાં આવશ્યક વિટામીન્સ અને ખનીજો અને અન્ય પોષક તત્ત્વો રહેલાં છે. તેમાં ઠંડકના ગુણધર્મો રહેલા છે માટે તે ગરમ હવામાન સામે લડવામાં મદદ કરે છે.
(8) ફુદીનો :
ફુદીનો એ ઉનાળામાં ઔષધિય ગુણધર્મ ધરાવે છે. તે શરીરના અંદરના તાપમાનને નિયંત્રિત રાખે છે. ઉનાળામાં બાળકોમાં જોવા મળતાં ગુમડા અને અળાઈમાં રામબાણ ઈલાજ કહી શકાય. તે બોડીને ઠંડુ રાખવાની સાથે-સાથ રીફ્રેસીંગ એજન્ટ તરીકે પણ ઉપયોગી છે.
(9) ડુંગળી :
એ જાણીને આપણને સરપ્રાઈઝ લાગે કે ડુંગળીમાં ઠંડકના ગુણધર્મો રહેલા છે. લાલ ડુંગળીમાં એન્ટી એલર્જીક ગુણધર્મો રહેલા છે. ઉનાળામાં દરરોજ ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે. સાદી ભાષામાં કહીએ લૂ લાગવાથી બચી શકાય છે.
(10) ગોળ અને લીંબુનું પાણી :
ગોળ અને લીંબુ એ ઉનાળામાં ફરજીયાત લેવા જોઈએ. ગોળ અને લીંબુ એ ઉનાળામાં એનર્જી ડ્રીંક તરીકે કાર્ય કરે છે. તે શરીરમાં ડીટોક્સીફાઈંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે.
(11) આ ઉપરાંત ઉનાળામાં શેરડીનો રસ, દહીં, છાશ, વરીયાળીનું શરબત, તકમરીયા, સાકર સાથે કાળી દ્રાક્ષ એ ઉનાળામાં ખૂબ ઉપયોગી અને આવશ્યક છે.
તો આવો આપણે સાથે મળીને આ હોટ ઉનાળામાં કુલ ખોરાક ખાઈને આ ઋતુનો પોતાનો આનંદ મેળવીએ તેને એન્જોય કરીએ. ખૂબ સ્વસ્થ અને મસ્ત રહીએ.