ઝી ટીવીના સર્જક સુભાષ ચંદ્રા ગોએન્કાની ‘ઝેડ ફેકટર’નું રોલર કોસ્ટર માણવા જેવું છે! ‘1997નો એ સમય. મારા પિતાજીએ મને ફોન કર્યો. તેઓ નારાજ હતા કે હું મારા ભાઈઓ સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યો છું. તેમણે મને કહ્યું કે મને યોગ્ય લાગે એ એમને આપી દઈને એમને મારા વ્યવસાયથી અલગ કરી દઉં. તેમણે કહ્યું, ‘એ લોકોને એમનો હિસ્સો આપી દે અને તેમને તેમના હાલ પર છોડી દે. તું એક બેજવાબદાર મોટો ભાઈ છો…’
શાહનામા
– નરેશ શાહ
નેચરલી, આવી વાત સાંભળીને કોઈપણ મોટા પુત્રને ઝટકો લાગે અને એમાંય તે ઝી અને એસ્સેલ ગ્રુપનો સર્જક હોય એ જાણીએ તો આપણને કૂથલીનો કરન્ટ ય લાગે જ. ઝી-પતિ સુભાષ ચંદ્રાને પણ એ દિવસે આંચકો લાગ્યો હતો. તેઓ તરત પોતાના પિતા અને ભાઈઓને મળ્યાં. તેમને ખુલાસા આપ્યાં. સમજાવ્યાં કે પોતે કોઈને ઓવરટેઈક કરવાની ભાવના નથી ધરાવતાં પણ મિડિયા વ્યવસાયમાં સત્તા કે અધિકાર કોઈ એકના હાથમાં એ જરૂરી છે. એકથી વધારે સંચાલકો કંપનીને અલગ-અલગ દિશામાં લઈ જાય એવી શક્યતા હોય છે, જે સરવાળે કંપનીને જ નુકસાનકારક સાબિત થતી હોય છે.
- Advertisement -
સુભાષ ચંદ્રાની વાત જો કે પિતા કે ભાઈઓને ગળે ઉતરી નહોતી. તેમણે તરત નિર્ણય લીધો. પિતા અને ભાઈઓને તેમનો ભાગ આપી દેવાનો કઠિન નિર્ણય. કદાચ, સુભાષ ચંદ્રા માટે એ દિવસો સૌથી વધુ માનસિક તનાવના રહ્યા હશે એવું માની શકાય કારણ કે ઝી નામથી પ્રસારિત વિવિધ ચેનલ, એસ્સેલ વર્લ્ડ પાર્ક અને એસ્સેલ પેકેજીંગ જેવા અનેક તોતિંગ બિઝનેસનું સર્જન તેમણે જ કર્યું હતું. હા, આપણે ભારતીય કૂળની પ્રથમ ચેનલ ‘ઝી ટીવી’ના વિઝનરી માલિક સુભાષ ચંદ્રાની વાત કરી રહ્યા છીએ. જેમણે ઈન્ડિયન પ્રિમિયમ લીગની પહેલાં ઈન્ડિયન ક્રિકેટ લીગ નામથી ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટનો વિચાર આપ્યો હતો એ સુભાષ ચંદ્રાની આત્મકથા ‘ઝેડ (ઝી) ફેકટર’ પ્રસિદ્ધ થયેલી છે અને છેલ્લાં પાંચ વરસમાં પ્રસિદ્ધ થયેલી આત્મકથાઓમાં સૌથી વધુ ટવિસ્ટ, કોન્ટ્રોવર્સી, બોલ્ડનેશ માટે માર્ક લઈ જાય તેવી ઈમાનદાર પણ છે. ઝેડ ફેકટરમાં સુભાષ ચંદ્રાએ માત્ર પોતાની સિદ્ધિના ગીત નથી ગાયાં પણ સિદ્ધિઓ મેળવતાં ક્યાં, કેટલાં ગડથોલાં ખાધા છે અને કેવો વહેવાર સાચવવો પડ્યો, તેની પણ વાત કરી છે.
હરિયાણાના નાનકડા ગામમાં જન્મેલાં સુભાષ ચંદ્રા ગોયેન્કાના પિતા નંદકિશોર ગોયેન્કાના પિતા એટલે કે દાદા અનાજ મિલોનું સંચાલન કરતા હતા. પારિવારિક કરજના કારણે વીસ જ વરસની ઉંમરે કામે ચઢી ગયેલાં સુભાષ ચંદ્રા દિલ્હી આવ્યા ત્યારે તેમના ગજવામાં માત્ર સત્તર રૂપિયા હતા. આ 1970ની વાત. ચાલીસ વરસ પછી સુભાષ ચંદ્રાની સામૂહિક વાર્ષિક આવક ત્રણ બિલિયન ડોલરની થઈ ગઈ એ તેમની સાહસિકતાની પહેચાન. તેમણે ભારતને તેની પોતિકી ચેનલ આપી તો એસ્સેલ વર્લ્ડનો ફન પાર્ક આપ્યો અને બીજા અનેક બિઝનેશ પણ સફળતાપૂર્વક સ્થાપિત કર્યા અને 40-45 વરસની આ યાત્રામાં અનેક પછડાટો ખાધી. દગા ફટકા સહન કર્યા. દુશ્મનો બનાવ્યાં તો નિષ્ફળતાઓ પણ મેળવી. 2000ની સાલમાં ઝી ટીવીના શેરનો ભાવ પંદરસો રૂપિયા હતો અને એક જ વરસમાં ગગડીને સાઈઠ રૂપિયા થઈ ગયો, તેની આપણને ખબર છે પણ ‘ઝેડ ફેકટર’માં સુભાષજી જણાવે છે કે એ વખતે તેમને છસ્સો કરોડ ડોલરનું નુકસાન થયું હતું. (અને એ નુકસાને જ ઝી ટીવીને નંબર વનમાંથી નીચેની પાયદાન પર મૂકી દેવાનું પણ આડકતરી રીતે કર્યું!) ક્રિકેટ માટેના પ્રસારણ હક્કો મેળવવા માટે અને કપિલ દેવવાળી ઈન્ડિયન ક્રિકેટ લીગ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અને તેના હોદ્ેદારોએ કેવી કેવી રમત રમી, એ દિલધડક વાતોની સાથે પચાસ લાખ ડોલરના સોદાની વાત એ દર્શાવે છે કે મોટા માણસોને પણ પારાવાર સમસ્યાઓનો સામનો કરવો જ પડતો હોય છે.
સામાન્ય રીતે આત્મકથાઓમાં સનસનાટી માટે છિછોરાપણું સામેલ કરાતું હોય છે પણ ‘ઝેડ ફેકટર’માં બિઝનેસના આટાપાટા, કાવાદાવા, આગ્રહો, કેવી કેવી ગલફતફહમીઓ સર્જાતી હોય છે એ ઉજાગર થાય છે અને એ જ તેને રોમાંચક બનાવે છે. આવી જ એક ગલતફહમીમાં આપણા ગુજરાતીઓને વધુ રસ પડે તેમ છે. મુંબઈના મોટા માથા ગણાતાં (સ્વ.) મુકેશ પટેલ સાથેની દોસ્તીને કારણે સુભાષજીને ધીરૂભાઈ અંબાણી સાથે પણ વાંકું પડી ગયું હતું અને અમરસિંહ (હા, સમાજવાદી પાર્ટીવાળા જ) એ અંબાણી-સુભાષજી વચ્ચે પેચઅપ કરાવ્યું હતું. સુભાષ ચંદ્રા લખે છે કે, મેં ધીરૂભાઈને કહ્યું, અમે ચાર ભાઈઓ છીએ અને અમારા બધાના થઈને નવ દીકરા છે… અમે બધા સાથે રહીએ છીએ અને એકસંપ છીએ. મેં 17 રૂપિયાથી શરૂઆત કરી હતી અને માની લો કે હું બહુ બધું ગુમાવી દઉં છું તો પણ જ્યાંથી શરૂઆત કરી હતી તેનાથી ઘણું વધારે જ મારી પાસે બચવાનું છે… એટલે હું પૈસાના નુકસાનથી ડરતો નથી!’
ધીરૂભાઈ સમજી ગયા અને તેમણે સુલેહ કરી લીધી: સુભાષ ચંદ્રા આમ લખે છે. એ મિટિંગમાં ધીરૂભાઈ સાથે મુકેશ-અનિલ અંબાણી હતા તો સુભાષજી સાથે ભાઈ અશોક તેમજ બન્ને પુત્રો હતા. અલબત્ત, આ ઘટના પહેલાં જ સુભાષ ચંદ્રાને પિતાનો નારાજી સાથે ફોન આવેલો કે તું એક બેજવાબદાર મોટો ભાઈ છે. તારા ભાઈઓને તેનો હિસ્સો આપી દે…
- Advertisement -
1997માં સુભાષ ચંદ્રાએ પોતાના સહીતના ચાર ભાઈ અને પિતાના નામે વીસ-વીસ ટકા આવે એ રીતે પેપર તૈયાર કરાવ્યાં. તેઓ ઈચ્છતાં હતાં કે બધાને સરખો હિસ્સો મળવો જોઈએ કારણ કે ઝી-એસ્સેલ ગ્રુપ સહિયારી સંપત્તિ હતી. જો કે ભાઈઓ અને પિતા વીસ-વીસ ટકાથી સંમત ન થયા. ચંદ્રાએ ફેમિલિ મિત્ર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ.સી. શાહને સમજાવ્યાં કે તેઓ ભાઈઓ અને પિતાને 20-20 ટકાના સંપત્તિ ભાગને સ્વીકારી લેવા સમજાવે. જો કે એ પ્રયાસ પણ નિષ્ફળ ગયો એટલે સુભાષ ચંદ્રાએ પિતાની ઈચ્છા માન્ય રાખીને (પિતાના હિસ્સાનો વીસ ટકા સહિત) ચાલીસ ટકાનો ભાગ પોતે રાખ્યો અને બીજા સાઈઠ ટકાની ભાગીદારી ભાઈઓના ભાગે કરી આપી, ઓફિશ્યલી.