આગલી રાત્રે ઈસુદાન ગઢવીએ કરેલી પાર્ટીની ઈટાલિયાને જાણ હતી, એટલે જ દસ મિનિટમાં FIR પણ નોંધાઈ ગઈ.
થોડાં દિવસ અગાઉ ઈસુદાન ગઢવીની થયેલી ધરપકડ અને આમ આદમી પાર્ટીનાં કાર્યકરોનું ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’માં ધસી જવું એ આમ આદમી પાર્ટીનાં અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું જ ષડયંત્ર હતું અને ઈસુદાનને પાડી દેવા જ આ કારસો તેણે રચ્યો હતો તેવો સનસનીખેજ આક્ષેપ ‘આપ’ કિસાન મોરચાનાં અધ્યક્ષ, ભારતીય કિસાન યુનિયન – ગુજરાત પ્રમુખ રવિ પટેલે કર્યો છે. તેમણે આ ઘટના અંગે અને ‘આપ’માં ચાલતા આંતરિક રાજકારણ વિશે વિસ્ફોટક વાતો કરી છે.
આણંદ સ્થતિ રવિ પટેલે ‘ખાસ-ખબર’ સાથેની એક્સ્ક્લુઝિવ વાતચિતમાં જણાવ્યું હતું કે, ‘ઈસુદાન અને મહેશ સવાણીથી ગોપાલ ઈટાલિયા અસલામતી અનુભવે છે અને તેને એવો ડર છે કે, ભવિષ્યમાં અરવિંદ કેજરીવાલ જો ઈસુદાન ગઢવીને કે મહેશ સવાણીને વધુ પ્રમોટ કરશે તો પોતાનું મહત્ત્વ પક્ષમાં ઓછું થઈ જશે! આ કારણે જ એ કારસા ઘડી રહ્યો છે!’ રવિ પટેલએ અન્ય પણ અનેક આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઈટાલિયાને લીધે 28 મહિલાઓ સહિત 83 આપ કાર્યકર્તાઓએ જેલમાં ક્રિમિનલ જેવી સરભરા સહન કરવી પડી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મહિલા કાર્યકર્તાઓને ફરજીયાત જેલમાં રાત વીતાવવી પડે એ માટે પણ કારસો થયો હતો. હાથબીડું લઈને સાંજનાં સાત પહેલાં પહોંચવાનું હતું પણ જાણી-જોઈને મોડું કરવામાં આવ્યું હતું. જેથી મામલો વધુ ગંભીર દર્શાવી શકાય.
- Advertisement -
ઈસુદાન ગઢવીની રાજકીય કારકીર્દિ ખતમ કરી નાંખવા ઈટાલિયાએ રચેલી ગંદી રાજરમતની પોલ ખૂલી.
AAPનાં કાર્યકરોને ‘ગૌણ સેવા પસંદગી મંડળ’ની ઑફિસ લઈ જવાનું કહેવાયું હતું, પરંતુ લઈ જવાયા કમલમ્ ખાતે!

ઈસુદાનનો કાંકરો કાઢવા ઈટાલિયાએ કમલમ્ જવાનો કારસો રચ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આમ આદમી પાર્ટીનો ગોપાલ ઈટાલિયા ષડયંત્રો રચવામાં ખૂબ જ માહેર છે. ચાલાક ગોપાલ ઈટાલિયાએ પોતાના સૌથી મોટા હરિફ ઈસુદાન ગઢવીનો કાંકરો કાઢી નાખવા કમલમમાં હુમલો-તોડફોનનું એક ષડયંત્ર રચ્યું હતું જેનો આમ આદમી પાર્ટીના જ એક કાર્યકરે પર્દાફાશ કર્યો છે. આપ કાર્યકર રવિ પટેલનાં જણાવ્યા અનુસાર ગોપાલ ઈટાલિયા ઈસુદાન ગઢવીને પોતાનો સૌથી મોટો હરિફ ગણે છે, આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવીની વધતી જતી લોકપ્રિયતાનાં કારણે પોતાનું પત્તુ ગમે ત્યારે કપાઈ જશે એવું સમજી ગોપાલ ઈટાલિયાએ એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રને આધારે ગોપાલ ઈટાલિયાએ ઈસુદાન ગઢવીને ફસાવ્યા હતા. ઈસુદાન ગઢવીને દારૂ પીવડાવવામાં, આપ કાર્યકરોને કમલમમાં લઈ જવામાં, ભાજપ કાર્યકર પર હુમલો કરાવવામાં મુખ્ય હાથ ગોપાલ ઈટાલિયાનો છે.
ગોપાલ ઈટાલિયાએ જ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની જગ્યાએ કમલમમાં ઈસુદાન ગઢવી અને આપ કાર્યકરોને લઈ જવાનો આખો પ્રિ-પ્લાન્ડ ઘડ્યો હતો અને આ પ્રિ-પ્લાન્ડને આધારે ઈટાલિયાએ ઈસુદાનનો કાંકરો કાઢી નાખવાનો કારસો ઘડ્યો હતો એવું આમ આદમી પાર્ટીના રવિ પટેલે જણાવ્યું હતું.
- Advertisement -
‘હાથબીડું’ જાણી – જોઈને મોડું પહોંચાડાયું.
આપની મહિલા કાર્યકરો જેલમાં રાત વિતાવે તે માટે ગોપાલ ઈટાલિયાએ પૂરતો બંદોબસ્ત કર્યો હતો. જો હાથબીડું સાંજના સાત વાગ્યા સુધીમાં પહોંચાડવામાં આવ્યું હોત તો મહિલાઓને છોડી મૂકાઈ હોત. પણ રવિ પટેલનાં જણાવ્યાનુસાર હાથબીડું ઈરાદાપૂર્વક સાંજના સાડા સાત વાગ્યે પહોંચાડવામાં આવ્યું હતું.

રવિ પટેલ દ્વારા આપ કિસાન સંગઠન ગુજરાતના લેટરપેડ પર મોકલાવવામાં આવેલી પ્રેસનોટ વિશે પૂછતાં રેકોર્ડેડ કોલમાં તેમણે જણાવ્યું હતું કે, ઈટલી એટલે ગોપાલ ઈટાલિયા. રવિ પટેલે ગોપાલ ઈટાલિયાની ઘણી વિસ્ફોટક વાતો ખાસ-ખબરને કહી છે.
આપ કાર્યકર્તાઓને જેલનાં સળિયા ગણાવવામાં અને ઈસુદાન ગઢવીનું રાજકીય અસ્તિત્વ ખતમ કરાવવામાં ગોપાલ ઈટલિયાની ગંદી ભૂમિકા
- ઈસુદાન ગઢવીને દારૂ કેસમાં સંડોવવામાં અને ગૌણ સેવા પસંદગીનાં બહુચર્ચિત વિષયને સાઈડલાઈન કરવામાં ગોપાલે ક્રિમિનલ સ્ટંટ કર્યો
- આપનાં નિર્દોષ કાર્યકારોને ગુનેગાર બનાવી દીધા, પાસપોર્ટ પણ પોલીસ સ્ટેશનમાં જમા અને દર મહિને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે
- યુવરાજસિંહ ક્યાંક મોટો યુવા ચેહરો ન બની જાય, ઈસુદાનની લોકપ્રિયતા વધી ન જાય તે માટે ગોપાલ ઈટાલિયાએ જેલમાં જવાનું ષડયંત્ર રચ્યું
- ગોપાલે ઈટાલિયાએ 18 લક્ઝરી બસમાં આશરે 350 આપ કાર્યકર્તાને કલોલ, ઈશનપુર, મણિનગર, વાસણા વિવિધ વિસ્તારોમાંથી અક્ષરધામ મંદિરે બોલાવ્યા અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ જવાનું કહ્યું
- ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની જગ્યાએ ઈરાદાપૂર્વક ગોપાલ ઈટાલિયા આપ કાર્યકરોને ઉશ્કેરીને કમલમ લઈ ગયો અને પોતાનો બદઈરાદો પાર પાડ્યો
- આપ મહિલાઓને જેલ થાય અને મુદ્દો વધુ ગંભીર બને એટલે ગોપાલ ઈટાલિયાએ જાણીજોઈને લીગલ સેલના પદાધિકારીને 7 વાગ્યાં પછી હાજર થવા જણાવ્યું
- ગોપાલ ઈટાલિયા માટે જેલમાં ધાબળા-ઓશિકા આવ્યા, સવાર – બપોર – સાંજ ગરમાગરમ ટિફિન આવ્યા અને અન્ય કાર્યકરો ઠંડી-ભૂખનાં માર્યા ટળવટતા રહ્યા
- નિવૃત્ત પોલીસ અધિકારીનાં અમદાવાદ સ્થિત પાર્ટીપ્લોટમાં આપ કાર્યકરોને ભેગા કરી ગોપાલ ઈટાલિયાએ કહ્યું, જેલમાં જે કંઈપણ બન્યું છે તે કોઈને કેહવાનું નથી
- ગોપાલ ઈટાલિયા ઈસુદાન ગઢવીનું રાજકીય અસ્તિત્વ ખત્તમ ઈચ્છતો હતો તેથી ઈસુદાનની દારૂ પાર્ટીની જાણ તેણે બધાને કરેલી અને એટલે જ માત્ર 10 મિનિટમાં ઈસુદાન પર એફઆરઆઈ પણ લખાઈ ગયેલી
- ગોપાલ ઈટાલિયાનું ષડયંત્ર ઉઘાડું પડી જતા ઈસુદાન ગઢવી સાથે જેલમાં ઉગ્ર બોલાચાલી પણ થયેલી, આપ કાર્યકરોને ગોપાલ ઈટાલિયાએ ડરાવ્યા-ધમકાવ્યા
- ઈસુદાને ઈટાલિયાને કહ્યું કે, કહ્યા-પૂછ્યા વગર ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની જગ્યાએ કમલમમાં લઈ જઈ તોડફોડ-મારામારી કરાવવા શું કામ ઉશ્કેર્યા?
- ગોપાલ ઈટાલિયાના ષડયંત્રથી ઈસુદાન ગઢવી સહિત આપ કાર્યકરો પર ગંભીર ગુનાઓ નોંધાયા અને હવે તે જ કારણે કદાચ ઈસુદાન ગઢવી ચૂંટણી નહીં લડી શકે.


