સુરતનાં ચાર મહાઠગનું મહાકૌભાંડ: બે આરોપી રાજકોટ પોલીસના હાથવેંતમાં?
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિપ્ટો કરન્સીનાં નામે ઉલ્લુ બનાવતી ગેન્ગોનો આજકાલ રાફડો ફાટ્યો છે. આમાં વધુ એક મસમોટું પ્રકરણ ઉમેરાયું છે. સુરતની એક ગેન્ગે ક્રિપ્ટો કરન્સીનાં નામે અબજો રૂપિયાની ઠગાઈ કરી છે અને પોતે રાજાશાહી જિંદગી જીવી રહ્યાં છે. સુરતની ટોળકીએ આચરેલું આ કૌભાંડ વિશ્ર્વવ્યાપી છે. તેમણે વિશ્ર્વભરનાં અનેક રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. રાજકોટનાં મહેન્દ્રસિંહ વાળા નામના ઈન્વેસ્ટરે નોંધાવેલી ફરિયાદ પરથી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તત્કાળ એકશન લેવા સૂચના આપી હતી અને ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. વિરલ ગઢવીનાં માર્ગદર્શનમાં પી.એસ.આઈ. બી. ટી. ગોહિલ વગેરેએ સખ્ત મહેનત કરીને સુરતનાં આરોપીઓને ઝડપી લેવા માટે જમીન-આસમાન એક કર્યા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સુરતની ચીટર ગેન્ગનાં બ્રિજેશ ઘડિયાળી અને કિરણ પંચાસરાને પકડવાની નજીક હોય તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય બે ઠગ હિતેશ ગુપ્તા અને ધવલ લહેરી અગાઉ જ દુબઈ ફરાર થઈ ગયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ ટોળકી ક્રિપ્ટો કરન્સીનાં નામે ઘૂમ કૌભાંડો કરી ચૂકી છે. માત્ર રાજકોટમાંથી જ આ ટોળકી ત્રણેક કરોડ રૂપિયા ઓળવી ગઈ છે. ટ્રોન તરીકે ઓળખાતી તેમની ક્રિપ્ટો કરન્સીએ અનેકને રાતા પાણીએ રોવડાવ્યા છે.
- Advertisement -
‘ટ્રોન’ અને ‘મેગાટ્રોન’નાં ચક્કરમાં ઉલઝાવી અનેક રોકાણકારોને રાતા પાણીએ રોવડાવી પ્રમોટરો બન્યાં માલામાલ, રોકાણકારો થયા કંગાળ

મહાઠગ કિરણ પંચાસરા
‘ટ્રોન’નાં નામે દુનિયા આખીમાંથી પૈસા ઉઘરાવ્યા, હાઈ-ફાઈ પાર્ટીઓ અને ગ્લેમરથી રોકાણકારોને આંજી નાંખતા
ચારેય ઠગની અજબગજબ મોડસ ઓપરેન્ડી: એક કંપની બંધ કરો, નવી ચાલું કરો
સુરતનાં આ ચારેય ઠગ, કિરણ પંચાસરા, હિતેશ ગુપ્તા, ધવલ લહેરી તથા બ્રિજેશ ઘડિયાળીની ગુના આચરવાની પદ્ધતિ પણ નિરાળી છે. આ લોકો રોકાણકારોને આંજી નાંખવા હાઈ-ફાઈ જલ્સાઓ ગોઠવે છે, શરાબ-શબાબ અને કબાબ પૂરાં પાડે છે.
- Advertisement -

એક વખત કંપનીમાં ખૂબ પૈસા ઠલવાય પછી એ કંપનીને તાળાં લાગી જાય છે અને પછી નવી ઘોડી, નવો દાવ શરૂ થાય છે. આમ કરી કરીને તેમણે કુલ આઠેક કંપનીઓ બનાવીને રોકાણકારો નિચોવ્યા હોવાનું જાણવા મળે છે.

ઠગ-લૂંટારુઓની હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ
સુરતનાં આ ચારેય ઠગ ગામનાં પૈસે તાગડધીન્ના કરવામાં નિષ્ણાંત છે. દેશ-વિદેશમાંથી અબજો રૂપિયા ઓળવીને તેઓ રજવાડી લાઈફ સ્ટાઈલ માણી રહ્યાં છે. બધાં પાસે મોંઘાદાટ મોબાઈલ છે, બંગલાઓ અને ગાડીઓ છે. અમુક પાસે તો 24 કેરેટ સોનાંના મોબાઈલ છે તો એક ઠગે હમણાં પોતાની પત્નીને સોનાંનો મોબાઈલ ગિફટ કરતો હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી.



